સફોકેશનના કારણે હું અને મારી ફ્રેન્ડ પડી ગયાં તો અમને કચડીને યુક્રેનિયન લોકો બોર્ડર ક્રોસ કરતા હતા. બોયઝે અમને બચવ્યા ન હોત તો અમે પરત ના આવી શક્યા હોત. અમે 3 રાત માઇનસ 12 ડિગ્રીમાં ખુલ્લામાં ખાધા-પીધા વગર રહ્યા હતા. વોશરૂમ પણ નહતો. જિંદગીનો સૌથી ખરાબ સમય કાઢ્યો છે. હવે પરત જવું નથી. અમને ભારતમાં તક મળી હોત તો અમે શા માટે ત્યાં ગયા હોત. હજુ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે તેમને ત્યાંથી કાઢો, તેવી વિનંતી યુક્રેનની ટેર્નોપિલ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જ્ઞાનિશા પટેલે કરી હતી.
માઇનસ 12 ડિગ્રીમાં ખુલ્લામાં રહ્યાઃ જ્ઞાનિશા
આપવિતી જણાવતાં તેણે કહ્યું હતું કે, અમને પોલેન્ડ બોર્ડરથી 50 કિમી દૂર ઉતારાયા. અમારી પાસે એક લેપટોપ બેગ અને પાણીની એક બોટલ હતી. આખો દિવસ ઠંડીમાં ચાલીને અમે બોર્ડર પાસે પહોંચ્યાં હતાં. ત્યાં એક પેટ્રોલ પંપ પર અમે થોડું ખાધું હતું. યુક્રેનની પ્રથમ ચેક પોસ્ટ પર અમે ઊભાં હતાં, જ્યાં માત્ર યુક્રેનિયન સિટીઝનને જવા દેવાતા હતા, અમને જવા દેવાતાં નહતાં. અમે વિરોધ કરીએ તો હવામાં ફાયરિંગ કરીને અને ગન બતાવીને ડરાવતા હતા. અમે 3 રાત માઇનસ 12 ડિગ્રીમાં ખુલ્લામાં ખાધા-પીધા વગર રહ્યા છીએ. વોશરૂમ પણ ના હતો.
બોય્ઝને માર્યા, તેમના પર ટીયર ગેસ છોડ્યાંઃ વિદ્યાર્થિની
વધુમાં તેણે કહ્યું, બીજી ચેક પોસ્ટ પર ગયાં ત્યારે પણ 6 થી 7 કલાક જવા ન દેવાયા. અમે યુક્રેનિયન સોલ્જરોને વિનંતી કરતા હતા તો તેઓ અમારા પર હસતા હતા. ત્યારપછી વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલ્યો તો ભારે ભીડ થઇ ગઇ અને સફોકેશનના કારણે હું અને મારી ફેન્ડ પડી ગયાં તો અમને કચડીને યુક્રેનિયન લોકો બોર્ડર ક્રોસ કરતા હતા. બોયઝે અમને બચવ્યા ન હોત તો અમે પરત ના આવી શક્યા હોત. પોલેન્ડમાં આવી ગયા પછી રાહત થઇ હતી. અમારી પાછળ જે બોયઝ આવ્યા હતા તેમની આંખો લાલ હતી અને તેમને માર પણ મારવામાં આવ્યો હતો. તેમના પર ટીયરગેસ છોડાયા હતા.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.