યોગેશ પટેલ ફરી એ જ 'કોટી'માં આવ્યા:મરણ પથારીએ પડેલા યોગેશ પટેલ સ્વામીએ મોકલેલા જ્યુસની 2 ચમચી પીતાં જ ઊભા થઈ ગયા, જાણો રસપ્રદ વાતો

વડોદરા3 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા

ભાજપ દ્વારા તમામ નીતિ-નિયમો નેવે મૂકીને વડોદરાની માંજલપુર બેઠક ઉપર 8મી વખત ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ કરવાની કરવાની ફરજ પડી છે. યોગેશ પટેલ વિદ્યાર્થીકાળથી જ તોફાની અને આંદોલનકારી હતા. જ્યાં સુધી તેઓ આંદોલનમાં જીત ન મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખતા હતા. દૂધના આંદોલન સમયે તેઓ સખત દાઝી ગયા હતા. મરણ પથારીએ હતા. તે સમયે સાવલીના સ્વામીજીએ મોકલેલા જ્યુસની એક ચમચી પીધા બાદ તેઓ 15 મિનિટમાં મરણ પથારીમાંથી ઊભા થઇ ગયા હતા.

યોગેશ પટેલ જૂના મકાનમાં જ રહે છે
માંજલપુર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર યોગેશ પટેલનો જન્મ 1946 માં થયો છે. વડોદરાના મોટા ભાગના રાજકીય નેતાઓ આર્થિક રીતે સુખી સંપન્ન થયા બાદ તેઓના મૂળ મકાનો છોડીને અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે. પરંતુ, ધારાસભ્ય યોગેશ પટેલ આજે પણ અમદાવાદી પોળમાં ત્રણ માળના મકાનમાં પત્ની સરોજબહેન સાથે રહે છે અને તેમનો પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયાં છે.

સમર્થકો સાથે યોગેશ પટેલ.
સમર્થકો સાથે યોગેશ પટેલ.

પહેલાં શિવજીનાં દર્શન પછી કામ
યોગેશ પટેલ શિવભક્ત છે અને સાવલીવાળા સ્વામીજીના પરમ શિષ્ય છે. આજે સવારે તેઓનું નામ માંજલપુર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ તુરંત જ તેઓ તેઓના નિવાસ સ્થાન નજીક આવેલા શિવમંદિરમાં પત્ની સાથે દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. જોકે, આ શિવમંદિરમાં નિયમિત જાય છે. આ શિવજીનાં દર્શન કર્યાં બાદ યોગેશ પટેલ તુરંત જ પત્ની સરોજબહેન સાથે સાવલી ભીમનાથ મહાદેવ અને સ્વામીજીનાં દર્શન માટે ગયા હતા.

યોગેશ પટેલ શિવભક્ત છે અને સાવલીવાળા સ્વામીજીના પરમ શિષ્ય છે.
યોગેશ પટેલ શિવભક્ત છે અને સાવલીવાળા સ્વામીજીના પરમ શિષ્ય છે.

નોંધનીય છે કે, તેઓના નિવાસ સ્થાન પાસેના શિવમંદિરમાં દર્શન કર્યાં બાદ તેઓ શિવમંદિરની બહાર મુકાયેલા બાંકડા ઉપર બેસે છે. જે લોકોને સમસ્યા હોય તેઓ બાકડા ઓફિસ ઉપર જ આવે છે અને યોગેશ પટેલ પાસે સમસ્યાનું સમાધાન લઇને જાય છે. કેટલાક કિસ્સામાં તેઓ જે લોકો પ્રશ્ન લઇને આવ્યા હોય તેના વ્હીકલ પર બેસીને તેનો પ્રશ્ન હલ કરવા માટે જાય છે. તેવો તેમનો સ્વભાવ છે.

યોગેશ પટેલ ધર્મપત્ની સાથે સાવલીના ભીમનાથ મહાદેવ ખાતે દોડી ગયા હતા.
યોગેશ પટેલ ધર્મપત્ની સાથે સાવલીના ભીમનાથ મહાદેવ ખાતે દોડી ગયા હતા.

મોંઘવારી સામે આંદોલનો કર્યાં
યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 3 જૂન-1978નો દિવસ હતો. સવારે મહિલાઓ દૂધ કેન્દ્રો ઉપર દૂધ લેવા માટે પહોંચી હતી. દૂધ ડેરી દ્વારા મનસ્વી રીતે 10 પૈસાનો વધારો કરી દીધો હતો. દૂધ કેન્દ્રોના સંચાલકો દ્વારા દૂધના ભાવમાં 10 પૈસાનો વધારો થયો છે. દૂધના ભાવમાં થયેલા વધારા મુજબ પૈસા માંગ્યા હતા. મહિલાઓએ હોબાળો પણ મચાવ્યો હતો. પરંતુ, મહિલાઓના હોબાળાથી કોઇ પરિણામ મળ્યું નહીં, આ અંગેની જાણ થતાં આંદોલન શરૂ કર્યું. અમદાવાદી પોળ સહિત વડોદરા શહેરમાં આવેલાં તમામ 235 દૂધ કેન્દ્રોની તોડફોડ, આગચંપી શરૂ થઈ. અમદાવાદી પોળનું દૂધ કેન્દ્ર સળગાવતા હું સખત રીતે દાઝી ગયો હતો.

હું ચૂંટણી સમયે સ્વામીજીએ આપેલી કોટી પહેરું છું અને ખિસ્સામાં સ્વામીજીએ આપેલી ટોપી રાખું છુંઃ યોગેશ પટેલ
હું ચૂંટણી સમયે સ્વામીજીએ આપેલી કોટી પહેરું છું અને ખિસ્સામાં સ્વામીજીએ આપેલી ટોપી રાખું છુંઃ યોગેશ પટેલ

બે ચમચી જ્યુસે ઊભા કરી દીધા
તેમણે વધુમાં જણાવ્યું કે, ગંભીર રીતે દાઝી જતાં મને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રતિદિન તબિયત બગડતી જતી હતી. હું મરણ પથારીએ હતો. મોત સામે ઝઝૂમી રહ્યો હતો. ડોક્ટરોએ એક તબક્કે હાથ ધોઇ નાંખ્યા હતા. પરિવારજનો દ્વારા અંતિમ યાત્રાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. દરમિયાન આ અંગેની જાણ સ્વામીજીને થઇ હતી. તા. 18 જૂન-1978નો દિવસ હતો. એક મહિલાને બે પાઇનેપલ જ્યુસના ડબા લઇ મારા પાસે મોકલી હતી અને મહિલાને જણાવ્યું કે, યોગેશ પટેલ નામના વ્યક્તિ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓને પાઇનેપલ જ્યુસ પીવડાવી દેજો. મહિલાએ મને બે ચમચી પાઇનેપલ જ્યુસ પીવડાવ્યું હતું. બે ચમચી પાઇનેપલ જ્યુસ પીધા પછીની પંદર મિનિટમાં હું ચાલતો થઇ ગયો હતો. તે એક સ્વામીજીનો મોટો ચમત્કાર હતો.

પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને સ્વામીજી સાથેનાં સ્મરણો વાગોળ્યાં હતાં.
પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને સ્વામીજી સાથેનાં સ્મરણો વાગોળ્યાં હતાં.

મૂળ વ્યવસાય ફરાસખાનાનો
માંજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મારો મૂળ વ્યવસાય ફરાસખાનાનો હતો. સાવલી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વામીજીની નિશ્રામાં દર સોમવારે અને દશેરાના દિવસે ભજન-કીર્તન થતું હતું. તેમાં મારા ફરાસખાનાનો સામાન રહેતો હતો. 1990 પહેલાં દશેરાના દિવસે મારું ફરાસખાનાનું કામ ચાલતું હતું. તે સમયે સ્વામીજી કોટી અને ટોપી પહેરીને આવ્યા હતા અને પૂછ્યું કે, હું નેતા જેવો લાગું છું ને ? થોડીવાર મજાક કરી મને ટોપી અને કોટી આપી દીધી હતી અને ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. ત્યારથી હું જ્યારે ચૂંટણી અથવા ચોક્કસ સમયે સ્વામીજીએ આપેલી કોટી પહેરું છું અને ખિસ્સામાં સ્વામીજીએ આપેલી ટોપી રાખું છું. જે મારા ઉપર સ્વામીજીના આશીર્વાદ સમાન છે.

ફી વધારા સામેના આંદોલનના દિલ્હીમાં પડઘા પડ્યા
યોગેશ પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત અંગે વાત કરતા જણાવ્યું કે, કોલેજકાળ દરમિયાન મોંઘવારી વિરુદ્ધ આંદોલનો કર્યાં હતાં. જેમાં દૂધના ભાવમાં થતો વધારો, તેલના ભાવમાં થતો ભાવ વધારો જેવાં આંદોલન કર્યાં હતાં. અને સ્થાનિક અને રાજ્ય કક્ષાએ પોતાનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે સ્કૂલોમાં ઉઘાડી લૂંટ ચલાવાતી હતી. આથી તેમણે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ બનાવી હતી અને ઉગ્ર આંદોલન કર્યું હતું. જેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. સરકારને ફી નિયમન અંગે કાયદો લાવવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અમદાવાદી પોળ પાસે હાલ જે સર્કલ છે ત્યાં દરગાહ હતી. તે દરગાહ તોડવામાં પણ યોગેશ પટેલે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. તે સમયે મેયર તરીકે ડો. ઠાકોરભાઇ પટેલ હતા.

વડોદરાની માંજલપુર બેઠક ઉપર 8મી વખત ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ કરવાની કરવાની ફરજ પડી છે.
વડોદરાની માંજલપુર બેઠક ઉપર 8મી વખત ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ કરવાની કરવાની ફરજ પડી છે.

જનતા પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા
વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન કર્યા બાદ યોગેશ પટેલે વડોદરા વિકાસ મંચ જેવા વિવિધ પક્ષોની રચના કરી હતી. આ પક્ષોના નેજા હેઠળ વડોદરા કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા. પરંતુ, ત્રણે વખત તેઓનો પરાજય થયો હતો. દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. ત્યારે વી.પી. સિંઘ તેમનાથી છૂટા પડ્યા હતા અને જનતા પાર્ટી બનાવી હતી. તે પાર્ટીમાં જોડાયા હતા. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક ઉપરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા.

મેનકા ગાંધી ભાઈ માને છે
તે પૂર્વે સંજય ગાંધીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે પારિવારિક ખટરાગ થયો હતો. તે સમયે યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને તેમને હિંમત આપી હતી. જ્યારે મેનકા ગાંધી વડોદરા આવ્યાં, ત્યારે તેમનું યોગેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, તેવું સ્વાગત આજદિન સુધી કોઇ નેતાનું થયું નથી. મેનકા ગાંધીના દુઃખના સમયે ઊભા રહેલા યોગેશ પટેલને આજે પણ મેનકા ગાંધી ભાઈ માને છે અને રક્ષાબંધનમાં રાખડી મોકલે છે. તો મેનકા ગાંધી પણ યોગેશ પટેલની જરૂર પડે ત્યારે પડખે ઊભાં રહ્યાં છે.

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરમાં યોગેશ પટેલ.
સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરમાં યોગેશ પટેલ.

1995માં ભાજપામાં જોડાયા
1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં આવ્યા બાદ યોગેશ પટેલની બે વખત ભાજપા નેતાગીરીએ તેમની ટિકિટ કાપવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ, તે સમયે મેનકા ગાંધીએ ભાજપ મોવડીમાં રજૂઆત કરી ટિકિટ અપાવી હતી અને યોગેશ પટેલે દુઃખના સમયે કરેલી મદદનું ઋણ અદા કર્યું હતું. જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી તેઓ રાવપુરા બેઠક ઉપરથી 5 વખત અને માંજલપુર બેઠક ઉપર 2 ટર્મથી ચૂંટાઇ આવે છે. આ વખતે તેઓ 8મી વખત ચૂંટણી લડશે.

અન્ય સમાચારો પણ છે...