શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી વીજ કંપનીએ વીજ ચોરીમાં પકડેલા ગ્રાહકોના મીટરો જપ્ત કર્યા બાદ આ ગ્રાહકોએ વીજ કંપનીની મુખ્ય લાઈનમાંથી વીજ પુરવઠો લઇ વીજ ચોરી કરતાં વીજ કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. જો કે વીજ કંપનીએ આ પ્રકારના ગ્રાહકો સામે કાનૂની કાર્યવાહી કરી હતી.
વીજ કંપનીના સૂત્રો મુજબ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વીજ કંપનીએ સશસ્ત્ર પોલીસ જવાનો સાથે ચેકિંગ હાથ ધરતાં ઉત્તેજના વ્યાપી હતી. આજે માંડવી પેટા વિભાગીય કચેરીમાં આવેલા યાકુતપુરા, હાથીખાના, ફતેપુરા, પાણીગેટ રોડ જેવા વિસ્તાર અને વિવિધ વિસ્તારમાં સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે પૈકી કુલ 90 વીજ જોડાણો ચકાસતાં તે પૈકી કુલ, 13 વીજ જોડાણમાં વીજચોરી તથા ગેરરીતિ મળી હતી.
વીજ ચોરીના સંબંધમાં કલમ 135 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વીજ ચોરીનું બિલ રૂપિયા 9.5 લાખ જેટલું આકારવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુરુવારના રોજ બરાનપુરા પેટા વિભાગીય કચેરીમાં આવતા નવાપુરા, મહેબુબપુરા, કહાર મહોલ્લા જેવા વિસ્તારોમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને વીજ ચેકિંગ કરાયું હતું. 82 વીજ જોડાણો ચકાસતાં તે પૈકી કુલ 10 વીજ જોડાણમાં વીજચોરી તથા ગેરરીતિ સપાટી પર આવી હતી.
આ કેસમાં કલમ 135 હેઠળ કુલ 9 અને કલમ 126 હેઠળ કુલ 1 એક કેસમાં પોલીસ ફરિયાદ કરાઈ હતી અને તેનું વીજચોરીનું બિલ રૂપિયા 4.30 લાખ આકારવામાં આવ્યું હતું. અગાઉ પાણીગેટ સબડિવિઝનના માસૂમ ચેમ્બર, મટન માર્કેટ, બકરી ચૌક, ખાટકીવાડ, મોગલવાડા વીજ ચેકિંગ હાથ ધરાતાં 220 પૈકી 10 જોડાણમાં વીજચોરી સપાટી પર આવી હતી. જેમાં વીજ ચોરીનું બિલ રૂા.7.5 લાખ આકારાયું હતું.
પાણીગેટમાં વીજ ચોરી કરનારા કેટલા સમયથી વીજ ચોરી કરતા હતા તેની જાણ નથી, પરતું કોઈ પણ વીજ ગ્રાહક વીજ ચોરી કે વીજ ગેરરિતીમાં પકડાય તો તેને એક વર્ષનું બીલ ફટકારવામાં આવે છે. સાથે દંડની રકમ ગણીએ તો 18 મહિનાના બીલની રકમ જેટલા રૂપિયા ભરવા પડે છે. જો ગ્રાહક બીલ અને દંડની રકમ ભરવા તૈયાર ના થાય તો તેનું વીજ જોડાણ કપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.