વડોદરામાં લગ્ન બાદ પત્ની ગર્ભવતી થતાં પિયર મોકલી આપી પુત્રનો જન્મ થયો છતાં એક વર્ષ સુધી પુત્રનું મોઢુ પણ ન જોવા આવનાર પતિ અને સાસરિયા સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
દહેજ બાબતે સાસરીયા મ્હેણાં મારતા હતા
વડોદરાના વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ ફેબ્રુઆરી 2020માં શહેરના ન્યૂ સમા રોડ પર આવેલ વાલ્મિકીનગર સોસાયટીમાં રહેતા નિમેષ હસમુખભાઇ પ્રજાપતિ સાથે લગ્ન થયા હતાં. લગ્નના એક મહિના બાદ સાસુ મંજુલાબેન ઘરકામ બાબતે ઝઘડો કરતા અને તને જમવાનું બનાવતા બરાબર નથી તેમ કહી મ્હેણાં મારતા. તેમજ તારા પિતાએ લગ્નમાં કશુ આપ્યુ નથી, તને કોઇ ના લઇ જાય તોય અમે અમારા દીકરા સાથે પરણાવીને લાવ્યા છીએ માટે તારે કામવાળી તરીકે જ રહેવું પડશે તેમ કહેતા. પતિ ઘરે આવે ત્યારે સાસુ ચઢામણી કરતા અને મારઝૂડ કરતા હતા.
પતિ કહેતો મારે તારી સાથે પરાણે લગ્ન કરવા પડ્યા
લગ્નના થોડા મહિના બાદ પતિ નિમેષ પત્નીને કહેતો કે, મારે તારી સાથે લગ્ન કરવા ન હતા પરંતુ માતા-પિતાએ પરાણે તારી સાથે લગ્ન કરાવી લીધા. તું મને ગમતી નથી પણ મારે તારી સાથે રહેવું પડે છે. પરિણીત નણંદ ધર્મિષ્ઠા પણ અવારનવાર આવીને સાસરીઓને ખોટી ચડામણી કરતી હતી. જેથી સાસરીવાળા પુત્રવધૂને માર મારતા હતા. એટલું જ નહીં લગ્ન પહેલા જે યુવક સાથે સગાઇ થઇ હતી તેને પરિણીતાના મોબાઇલથી આઇ લવ યુ મેસેજ કરી પિયરીયાઓને બતાવી મોબાઇલ પણ પતિએ લઇ લીધો હતો.
પુત્ર એક વર્ષનો થયો પણ પતિ મોઢું જોવા ન આવ્યો
પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ગર્ભવતી હતી છતાં તેને સાસરીયાઓ કામ કરાવતા હતાં અને પિયરમાં મુકી ગયા હતાં. દરમિયાન જાન્યુઆરી 2021માં તેમને પુત્રનો જન્મ થયો હતો. જો કે, આજ દિવસ સુધી તેઓ પુત્રનું મોઢુ જોવા પણ આવ્યા અને તેને પરત સાસરીમાં તેડી ગયા નથી. તેમજ લગ્ન વખતે આપેલા દાગીના પણ પરત કર્યાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.