યાસ્તિકા ભાટિયાનો ક્રિકેટ સફર:હું 13 વર્ષની હતી ત્યારે કોચે કહ્યું હતું, મહેનત કરીશ તો એક દિવસ જરૂર ઇન્ડિયા માટે રમીશ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વકપ-ન્યૂઝીલેન્ડ માટે પસંદગી પામેલી યાસ્તિકા ભાટિયાએ ક્રિકેટની સફર વર્ણવી
  • જિમમાં પ્રેક્ટિસ કરતી હતી ત્યારે પસંદગી અંગેના સમાચાર પિતાએ આપ્યા

આગામી વિમેન્સ વિશ્વકપ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટેની ભારતીય મહિલા ટીમમાં વડોદરા ટીમની ડાબોડી બેટધર અને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાની પસંદગી થતાં શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. ભારતીય મહિલા ટીમ ન્યૂઝીલેન્ડમાં 5 વન-ડે અને એક ટી-20 મેચ અને વિશ્વકપ રમશે.

ગયા વરસે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી તમામ ફોર્મેટ માટેની ભારતીય ટીમમાં યાસ્તિકાનો સમાવેશ કરાયો હતો. વિશ્વકપ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનાર ભારતીય ટીમમાં પસંદગી થયા બાદ યાસ્તિકાએ જણાવ્યું હતું કે, ‘હું જીમમાં પ્રેક્ટિસ કરતી હતી ત્યારે આજે સવારે 11 વાગે પપ્પાએ સિલેક્શનના શુભ સમાચાર આપ્યા હતા.

હું માત્ર 13 વર્ષની હતી ત્યારે નેટ્સમાં મારી રમત જોઈને આંધ્રના કોચ પૂર્ણીમા રાવે મને કહ્યું હતું કે ‘મહેનત કરેગી તો તું ઇન્ડિયા કે લિએ ખેલ શકતી હૈ.’ ત્યારથી મેં ક્રિકેટમાં મન લગાવ્યું હતું.ન્યૂઝીલેન્ડની બાઉન્સી વિકેટ માટે કેવી તૈયારી છે? તે અંગે યાસ્તિકાએ જણાવ્યું હતું કે, ‘બેંગ્લોર ખાતેના કેમ્પમાં અમને શોર્ટ પીચ બોલ અને બાઉન્સી વિકેટ પર પ્રેક્ટિસ કરાવાઈ છે.

સુકાની મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ કેવી રીતના રમવું તે અંગે પણ ટીપ્સ અને માર્ગદર્શન આપતાં રહે છે. નોંધનીય છે કે યાસ્તિકા ભાટિયા 10 વર્ષની હતી ત્યારથી બેડમિન્ટન, કરાટે સહિતની અનેક રમતો રમતી હતી પણ ક્રિકેટ પ્રત્યે થોડોક વધુ લગાવ હતો એટલે 11 વર્ષની ઉમરે તે વડોદરા ટીમ વતી રમી હતી અને આટલી નાની વયે તે મુંબઈ અને મદ્રાસ ટીમ સાથે રમવા ગઈ હતી.

ત્યારબાદ સારું પર્ફોમન્સ થતાં તેની પસંદગી સિનિયર ટીમ માટે થઇ હતી. ત્યારબાદ ઇન્ડિયા એ ટીમ માટે ગત સિઝનમાં પસંદગી થઇ હતી. ક્રિકેટ રમવાની સાથે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યાસ્તિકા ભાટિયાના આદર્શ ખેલાડીઓમાં વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના છે. યાસ્તિક ભાટિયા ડાબોડી ઓપનિંગ બેટ્સવુમન છે અને વિકેટ કીપર પણ છે. તેણીએ ક્રિકેટ રમવાની શરૂઆત વાયએસસી ખાતે શરૂ કરી હતી. યાસ્તિકાના પિતા પીડબ્લ્યુડીમાં છે અને માતા નિવૃત્ત બેંક મેનેજર છે.

12 સાયન્સમાં 89 ટકા છતાં ક્રિકેટર બની
તોફાની બેટિંગ માટે જાણીતી અને ચપળ વિકેટ કીપર યાસ્તિકા ભાટિયા અભ્યાસમાં પણ ખૂબ મેધાવી છે. તેણીએ ધો.12-સાયન્સમાં 89 ટકા મેળવ્યા હતા છતાં મોટી બહેનની જેમ તબીબ બનવાને બદલે આર્ટસમાં એડમિશન લઇ ક્રિકેટર બનવાનું પસંદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...