આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા દાહોદ ખાતે આજે આદિવાસી સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા જઇ રહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ ખાતે પ્રભારી, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંગે આગામી ટૂંક સમયમાં બધુ સ્પષ્ટ થઇ જશે. રાહુલ ગાંધી આદિવાસીઓની રક્ષા માટે દાહોદ ગયા છે.
આદિવાસીઓને રોજગારી માટે ફરવું પડે છે
પ્રભારી રઘુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, દાહોદ ખાતે આજથી આદિવાસી સત્યાગ્રહની શરૂઆત થઇ રહી છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રેલીને સંબોધન કરશે. આ સત્યાગ્રહ આગામી 6 માસ સુધી ચાલશે. આદિવાસીઓની રક્ષા માટે સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓને ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને તેઓને મળવા પાત્ર હક્કો મળ્યા નથી. આદિવાસીઓને રોજગારી માટે ફરવું પડે છે.
રાજ્યમાં હોસ્પિટલોનું ખાનગીકરણ કર્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં હોસ્પિટલોનું ખાનગીકરણ કર્યું, શિક્ષાનું વેપારીકરણ કર્યું, આદિવાસીઓ પાસે ચૂકવવા રૂપિયા નથી. આદિવાસીઓની હાલત કફોડી બની રહી છે. આદિવાસીઓ પોતાનું વતન છોડીને પલાયન થઇ રહ્યા છે. આદિવાસીઓની રક્ષા માટે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આપ-બીટીપીનું સત્તાવાર ગઠબંધન થયું નથી
આગામી આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ અને બીટીપી ગઠબંધન કરવા જઇ રહ્યું છે, તેવા એક પ્રશ્નના જવાબમાં પ્રભારીએ રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હજી સુધી સત્તાવાર ગઠબંધન થયું નથી. દરેક પક્ષ ચૂંટણી સમયે આવે છે, પછી જતી રહે છે, બાકીની પાર્ટી ઋતુ પ્રમાણેની પાર્ટી છે. આપ આદમી પાર્ટી એક ખાસ ઉદ્દેશ્યથી ગુજરાતમાં આવી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલના કોંગ્રેસમાં આવવા બાબતે ઉમેર્યું કે, આગામી ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે. હમણાં કઈ પણ વાત કરવાનો કોઈ મતલબ નથી. દિલ્હી દરેક નેતા જાય છે, દિલ્હી જવું એ કોઈ સમાચાર નથી.
રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત
દાહોદ આદિવાસી અધિકાર રેલીમાં ભાગ લેવા માટે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષી નેતા અમીબેન રાવતે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નાસ્તો કરી હેલિકોપ્ટર દ્વારા દાહોદ આદિવાસી અધિકાર રેલીમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.