અકસ્માતમાં બચી ગયેલા યુવાનની જુબાની:'અકસ્માત વખતે બસની બારીમાંથી બહાર નીકળ્યો, સયાજી હોસ્પિટલ પહોંચ્યા પછી કેસની લાઇનમાં ઉભા રહી સારવાર માટે રાહ જોવી પડી'

વડોદરા2 મહિનો પહેલાલેખક: મેહુલ ચૌહાણ

વડોદરા શહેર નજીક કપુરાઈ ચોકડી પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસના ડ્રાઇવર સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં બચી ગયેલા બસના હેલ્પરે રાજસ્થાનથી બસ ઉપડવાથી લઈને અકસ્માત બન્યો ત્યાં સુધીની ઘટના દિવ્યભાસ્કર સાથે વર્ણવી હતી.

લીમખેડા હોલ્ટ કરીને નોનસ્ટોપ વડોદરા આવ્યા
વડોદરા નજીક કપુરાઈ ચોકડી પાસે બનેલ અકસ્માતમાં સામાન્ય ઇજાગ્રસ્ત થયેલા બસના હેલ્પર બાબુલાલે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે સાડા નવ વાગ્યે બસ લઇને નિકળ્યા હતા. જેમાં રાત્રે લીમખેડા પાસે શ્રીરામ હોટલ પર 10-15 મિનિટ બસ ઉભી રાખી ચા-નાસ્તો કર્યો હતો. લીમખેડાથી નોનસ્ટોપ વડોદરા પહોંચ્યા હતા અને સાડા ત્રણ વાગ્યા આસપાસ કપુરાઈ ચોકડી પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો. જેમાં બસના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્માતગ્રસ્ત ખાનગી લક્ઝરી બસ.
અકસ્માતગ્રસ્ત ખાનગી લક્ઝરી બસ.

બસની બારીમાંથી બહાર નિકળ્યો
બાબુલાલે કહ્યું કે, હું છેલ્લા છ-સાત મહિનાથી આ બસમાં હેલ્પર તરીકે કામ કરું છું. અકસ્માત થયો ત્યારે હું ઉંઘતો હતો. મને પગ અને પીઠના ભાગે ઇજા થઇ છે. અકસ્માત બાદ હું બસની બારીમાંથી બહાર નિકળ્યો હતો અને મેં 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હતો. બાબુલાલે કહ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં આવ્યા બાદ પણ કેસની લાઇનમાં ઉભા રહી મારે સારવાર માટે રાહ જોવી પડી રહી છે.

અકસ્માતમાં બસનો હેલ્પર બાબુલાલ.ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્માતમાં બસનો હેલ્પર બાબુલાલ.ઇજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા
વડોદરા શહેરના છેવાડેથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપૂરાઈ ચોકડી પાસે મળસ્કે કાળ પણ કંપી ઊઠે એવો સ્લીપર કોચ લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક માસૂમ બાળક સહિત 6 મુસાફરનાં સ્થળ પર મોત થયા હતાં અને 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.