રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આજે સવારે કેવડિયા ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવની પૂજા કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા કર્યા બાદ જણાવ્યું હતું કે ધો-6થી 8 બાદ હવે ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ લઇને કોર કમિટીમાં અમે એનો નિર્ણય લઇશું. ઉલ્લેખનીય છે કે ધોરણ 6થી 12ની સ્કૂલો 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવી છે. જોકે માત્ર 15 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલે આવી રહ્યા છે. આમ છતાં શિક્ષણમંત્રી ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા ઉતાવળા થયા છે.
આ પણ વાંચોઃ ડીસાના મુડેઠામાં નોકરીમાંથી છૂટો કરતાં ડ્રાઇવરે સરપંચને ટ્રેકટર નીચે કચડીને મારી નાખ્યા, આરોપીની ધરપકડ
ધો-1થી 5ના વર્ગો શરૂ કરવાની વિચારણા
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે પહેલા કોલેજ, પછી 10થી 12 અને ગયા અઠવાડિયાથી 6થી 8ના વર્ગો તબક્કાવાર ખોલવામાં આવ્યા હતા એમાં અમે સફળ રહ્યા છીએ. વાલીઓએ બાળકોને સ્કૂલોમાં મોકલ્યાં છે અને તેઓ પણ સ્કૂલોમાં ઉત્સાહથી આવ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક ભણાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ લઇને કોર કમિટીમાં અમે એનો નિર્ણય લઇશું.
નર્મદા ડેમ ભરાઈ જાય તેવી પ્રાર્થના કરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મે ભગવાનને એ પણ પ્રાર્થના કરી છે કે નર્મદા ડેમ ભરાઇ જાય અને સરકારનું આયોજન છે કે પીવાના પાણીની તકલીફ ઊભી ન થવી જોઇએ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વારંવાર કહ્યું હતું કે પીવાના પાણીનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. આવતા વર્ષ સુધી પીવાની પાણીની કોઇ તકલીફ ઊભી નહીં થાય.
ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ થયા
આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.
સ્કૂલ-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે
રાજ્ય સરકાર આગામી દિવસોમાં તમામ શાળા-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરશે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતનો સ્ટાફ તથા તેમનાં પરિવારજનો આ કેમ્પમાં રસી મેળવી શકશે. રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
(અહેવાલઃ પ્રવીણ પટવારી, રાજપીપળા)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.