ભાસ્કર વિશેષ:મહિલાઓમાં આયર્નની ઊણપ દૂર કરવામાં તરબૂચનાં બિયાં અકસીર, મીઠાઈઓમાં ઉપયોગ કરવા છતાં ટેસ્ટ ન બદલાયો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉન્નતિ પંડ્યા - Divya Bhaskar
ઉન્નતિ પંડ્યા
  • પારૂલ યુનિવર્સિટીની 2 વિદ્યાર્થિનીઓ દ્વારા કરાયેલા રિસર્ચમાં મળેલું તારણ

મહિલાઓમાં આયર્નની ઊણપ દૂર કરવા તરબૂચનાં બિયાં અકસીર હોવાનું રિસર્ચમાં જાણવા મળ્યું છે. સુખડી, લાડુ, કચરિયામાં આ બીજનો ઉપયોગ કરવા છતાં ટેસ્ટમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નહતો. બીજને પાઉડર ફોર્મમાં કરીને મીઠાઇમાં ભેળવી દેવામાં આવ્યું હતું.

વર્તમાન સમયમાં મહિલાઓમાં પોષક તત્ત્વોની ખામીના લીધે તેઓને ઘણી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે આયર્નની ઊણપ છે. પારુલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ન્યૂટ્રિશન અને ડાયેટિક્સની વિદ્યાર્થિનીઓ અંજલિ સોલંકી અને ઉન્નતિ પંડ્યાએ ડિપાર્ટમેન્ટનાં આસિ.પ્રોફેસર અર્પી શાહના માર્ગદર્શનમાં રિસર્ચ હાથ ધર્યું હતું.

અંજલી સોલંકી
અંજલી સોલંકી

સંશોધનમાં તરબૂચનાં બીજનો ઉપયોગ કરાયો હતો, કારણ કે તેમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે અને આ બીજનો સ્વાદ ન હોવાથી તેને મીઠાઈમાં ઉમેરીને સુખડી, બેસન લાડુ અને કચરિયું તૈયાર કરાયું હતું. જોકે તેના રંગ, દેખાવ, સ્વાદમાં ફેર જોવા મળ્યો નહતો. ત્યારબાદ તે મીઠાઈ 25 લોકોને ટેસ્ટ કરવા અપાઈ હતી. મીઠાઈઓ પોષક તત્ત્વોના એનાલિસિસ માટે સીઆઇએસ લેબોરેટરી, અમદાવાદ ખાતે મોકલાઈ હતી, જેમાં તેની ગુણવત્તા યોગ્ય હોવાનું સાબિત થયું હતું.

45 દિવસ મીઠાઇની ગુણવત્તા અકબંધ રહી
તરબૂચનાં બિયાંના પાઉડરમાંથી તૈયાર કરવામાં આવેલી મીઠાઇઓને રિસર્ચ દરમિયાન 45 દિવસ સુધી રૂમ ટેમ્પરેચરમાં રાખવામાં આવી હતી. જેમાં મીઠાઇની ગુણવત્તામાં કોઇ ફેર પડ્યો નહતો.

તરબૂચનાં 100 ગ્રામ બિયાંમાં 7.26 મિલીગ્રામ જેટલું આયર્ન હોય છે
તરબૂચનાં 100 ગ્રામ બીજમાંથી 7.26 મિલીગ્રામ જેટલું આયર્ન મળે છે. જો તેનો યોગ્ય રીતે મીઠાઇ સહિતની વસ્તુમાં ઉપયોગ કરાય તો આયર્નનું સ્તર સુધારવામાં મદદ મળી રહે છે. રોજિંદા ખોરાકમાં પણ તેના પાઉડરનો ઉપયોગ કરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...