વડોદરા:પાણીથી સમસ્યાથી ત્રસ્ત પૂર્વ વિસ્તારની મહિલાઓ લોકડાઉનનો ભંગ કરવા મજબૂર બની, પાણીનું ટેન્કર લેવા નીકળવુ પડ્યું

વડોદરા2 વર્ષ પહેલા
  • મહિલાઓએ અધિકારીને ઉગ્ર રજૂઆત કર્યાં બાદ પાણીનું ટેન્કર લઈને જ ઘરે પરત ફરી

છેલ્લા 25 દિવસથી ઓછા પ્રેશરથી પાણી મળતા તંત્રના પાપે ત્રાહિમામ પોકારી ઉઠેલી પૂર્વ વિસ્તારની મહિલાઓ ન છૂટકે લોકડાઉનનો ભંગ કરવા મજબૂર બની છે. મહિલાઓએ એકત્ર થઈને નજીકના પાણીના સબ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ત્યાં હાજર અધિકારીને ઉગ્ર રજૂઆત કર્યાં બાદ પાણીનું ટેન્કર લઈને જ પોતાના વિસ્તારમાં પરત ફરી હતી.
ભર ઉનાળે લોકો પાણી માટે વલખા મારે છે
વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નગરજનોને ચોખ્ખુ અને પૂરતા પ્રેશરથી પાણી વિતરણ કરવા નિષ્ફળ નીવડ્યું છે. અગાઉ પણ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને 10 મહિના સુધી પાણી મળ્યું ન હતું. હાલ પણ પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી પ્રશ્ને સ્થાનિક રહીશો હાલાકીનો ભોગ બન્યા છે. આજવા રોડ સુપર બેકરી પાસે કિશનવાડીના ક્વાર્ટ્સમાં 54થી વધુ પરિવારો વસવાટ કરે છે. જ્યાં છેલ્લા 25 દિવસથી ઓછા પ્રેશરથી પાણી આવતાં સ્થાનિક રહીશો ભર ઉનાળે પાણી વિના વલખા મારી રહ્યા છે.
વોર્ડ ઓફિસમાં અનેક રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યુ નથી
આ અંગે સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ ઓફિસમાં અનેક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન થતાં આજે વિસ્તારની સ્થાનિક મહિલાઓ કોરોના વાઈરસના ચાલી રહેલા લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા મજબૂર બની છે અને મહિલાઓએ એકત્ર થઈ નજીકના પાણીના સબ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ત્યાં હાજર અધિકારીને ઉગ્ર રજૂઆત કર્યાં બાદ પાણી નું ટેન્કર લઈને જ પોતાના વિસ્તારમાં પરત ફરી હતી. જોકે કોઈ ખામીને કારણે પાણી પૂરતા પ્રેશરથી આવતું નહીં હોવાનું તંત્ર દ્વારા મહિલાઓને જણાઈ આવતા મહિલાઓએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...