સ્થાનિકોમાં આક્રોશ:વડોદરા મનપાના સ્થાયી સમિતિના ચેરમેનના વિસ્તારમાં પાણીનો કકળાટ, વોર્ડ ઓફિસમાં અધિકારીઓ ન મળતા હોબાળો મચાવ્યો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓએ પાણીના પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો - Divya Bhaskar
મહિલાઓએ પાણીના પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો
  • મહાકાળીનગર અને અંબે ફળિયામાં પાણીની સમસ્યાથી મહિલાઓ ત્રસ્ત થઈગઈ

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન અને કોર્પોરેટર ડૉ. હિતેન્દ્ર પટેલના મત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. અગાઉ મહાદેવ ચોકમાં પાણીના કકળાટથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. દરમિયાન આજે મહાકાળીનગર અને અંબે ફળિયામાં પાણીના કકળાટથી ત્રસ્ત મહિલાઓનો મોરચો વહીવટી વોર્ડ નં.5ની કચેરી ખાતે પહોંચ્યો હતો. જ્યાં અધિકારીઓ હાજર ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા શહેરમાં વસ્તી વધારા સામે કોર્પોરેશન પાણીના સ્ત્રોત વિકસાવવામાં વિલંબ કરતા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળા ટાળે પીવાના પાણીનો કકળાટ સર્જાય છે. બે મહિના અગાઉ કિશનવાડી વિસ્તારમાં આવેલા મહાદેવ ચોકમાં પાણીનો કકળાટ સર્જાતા મહિલાઓએ માટલા ફોડ્યા હતા. દરમિયાન મહાકાળી નગર અને અંબે ફળિયામાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીનો કકળાટ જોવા મળ્યો છે.

સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અવારનવાર વહીવટી વોર્ડ કચેરી કોર્પોરેટર અને કોર્પોરેશનના ધક્કા ખાઈ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પરંતુ, કોણીએ ગોળ લગાડવામાં આવે છે. આજ દિન સુધી ફરિયાદનું નિરાકરણ આવ્યું નથી. પીવાનું પાણી નહીવત મળી રહ્યું છે. વેરાની સમયસર અને વ્યાજ સાથે વસૂલાત કરતું કોર્પોરેશન પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યું છે. તેમાં પણ તગડો પગાર લેતા અધિકારીઓની ખુરશીઓ ખાલી છે અને લાઈટ પંખા ધમધમી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...