શહેરના મધ્ય ભાગમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં રાજમહેલ રોડ અને વડોદાર મ્યુનિસિપલ કોર્પોરેશનની આજુબાજુમાં પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે આ વરસાદ આખા શહેરમાં પડ્યો ન હતો. જેમાં કેટલાક વાહનચાલકોને હાલાકની સામનો કરવો પડ્યો હતો.
કોર્પોરેશનની કચેરી નજીક પાણી ભરાયા
વડોદરામાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે અને ઝાપટા પડે છે. પરંતુ આજે બપોરે શહેરના મધ્ય ભાગ રાવપુરા, રાજમહેલ રોડ, માર્કેટ ચાર રસ્તા વિસ્તાર, સયાજીગંજ વિસ્તારમાં વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું. જેના કારણે રાજમહેલ રોડ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રિક્ષા બંધ પડતા ધક્કો મારવો પડ્યો
આ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી પાસે જ રોડ પર વિદ્યાર્થીઓને લઇને જતી રિક્ષા વરસાદી પાણી ભરાવાના કારણે બંધ પડી ગઇ હતી. જેથી એક વિદ્યાર્થી અને રિક્ષા ચાલકે વરસાદમાં નીચે ઉતરી ધક્કા મારવાનો વારો આવ્યો હતો. નોંધનીય છે કે આ ઘટના બની તેની નજીકમાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી આવેલી છે.
અગાઉ ચાર-પાંચ દિવસે પાણી ન્હોતા ઓસર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇ મહિનામાં વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ચારથી પાંચ દિવસ સુધી ભરાઇ રહ્યા હતા. ત્યારે હવે સામાન્ય વરસાદને કારણે રોડ પર પાણી ભરાતા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સુનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.