અન્યાય:વેરો ન ભરનાર 48,200 મકાનનાં પાણીનાં કનેક્શન આજથી કપાશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કચેરીઓના 26 કરોડ ઉઘરાવવામાં તંત્ર નિષ્ફળ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કચેરીઓના રૂ. 26 કરોડના બાકી લેણા વસૂલવામાં નાકામ રહેલુ પાલિકાનું તંત્ર હવે સોમવારે વેરો નહીં ભરનાર શહેરના નાગરિકો સામે માસ સીલીંગ ઝુંબેશ ચલાવશે. સોમવારે સવારે 7 વાગ્યાથી પાલિકાની 19 વોર્ડની 152 કર્મચારીઓની 8 ટીમો તેમના વિસ્તારના બાકી વેરા માટે કોમર્શિયલ મિલ્કતોને સીલ કરી આ જ ટીમો રહેણાંક મિલકતોના બાકી વેરા સામે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરશે.

બાકી રહેલો 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા પાલિકાના ઉધામા
શહેરમાં આ વર્ષે રૂ. 720 કરોડનો વેરો વસુલવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જેની સામે અત્યાર સુધીમાં રૂ. 530 કરોડની વસુલાત થઈ ચૂકી છે. નવા સાત ગામનો સમાવેશ થવા સાથે પાલિકા આ વર્ષે કુલ 8,01,632 વેરા બીલની બજવણી કરી હતી. જેમાં 6.48 લાખ રહેણાંક અને 1.53 લાખ કોમર્શિયલ મિલ્કતો પાસેથી વેરાની વસુલાત શરૂ કરી હતી. આજદિન સુધી પાલિકાએ વેરો નહિ ભરનાર 7227 મિલ્કતોને સીલ કરી છે. જ્યારે 48,200 રહેણાંક મિલકતોને પણ વેરાના નાણા ભરવા નોટિસ આપી હતી. હવે પાલિકા દર સોમવારે માસ સીલીંગ અભિયાન શરૂ કરશે.

જેમાં દરેક વોર્ડમાં કોમર્સીયલ મિલકતોને સીલ કરવા સાથે રહેણાંક મિલકતોના પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓના રૂ. 26 કરોડથી વધુનું ઉઘરાણું બાકી છે. જેને વસૂલવામાં તંત્રના હાથ ધ્રુજી રહ્યા છે. ત્યારે સામાન્ય નાગરિકોના પાણી કનેક્શન કાપવાનું શરૂ કરવામાં આવશે.

વોર્ડની 6 ટીમો વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઈક કરશે
સોમવારે સવારે 7 વાગ્યાથી તમામ 19 વોર્ડમાં ટીમો તેમના વિસ્તારમાં વેરો નહિ ભરનારને ત્યાં સર્જીકલ સ્ટ્રાઈક કરશે. દરેક વોર્ડમાં 2 યુસીડીના કર્મચારી, 2 રેવન્યુ કર્મચારી, 2 એન્જીનીયર અને એક ક્લાર્ક, એક પટાવાળા સહિત કુલ 8 સભ્યોની ટીમો કોમર્શિયલ મિલકતોને સીલ કરવા અને રહેણાંક મિલકતોના પાણી કનેક્શન કાપશે. આ ટીમમાં બોર્ડના બોર્ડ ઓફિસરો તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ જોડાશે.

તાત્કાલિક ઓનલાઈન નાણાં ભરશે તો કનેક્શન નહીં કાપે
​​​​​​​ટીમની સામે જ નાગરિકો ઓનલાઇન નાણા ભરશે તો પાણી કનેક્શન નહિ કપાય. કનેક્શન કાપ્યું હોય અને નાણા ભરાશે તો ટીમ ફરી કનેકશન જોડશે. ટીમ મોબાઈલથી જ પેમેન્ટ કરતા શીખવશે તેમ એએમસી રેવન્યુ સુરેશ તુવેરે જણાવ્યું છે.

વ્યવસાય વેરો બાકી હશે તો દુકાન સીલ કરી દેવામાં આવશે
​​​​​​​એ.એમ.સી રેવન્યુ સુરેશ તુવેર મુજબ પ્રોપર્ટી ટેક્ષ સાથે પાલિકા વ્યવસાય વેરાની પણ કડક વસુલાત કરશે. વ્યવસાય વેરો બાકી હશે તો ટીમ દુકાન અને ઓફીસ સીલ કરશે. તેઓ વ્યવસાય વેરામાં 100 ટકા વ્યાજ માફીનો લાભ લઈ શકે છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...