તપાસ:કોર્ટમાં ગેરહાજર રહેતા ACBના PI સામે વોરંટ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે મુક્ત આરોપીએ ખોટો કેસ થયાનું કહી તપાસ માગી
  • આરોપીએ પોતે જ કોર્ટમાં સમરીનો વિરોધ કર્યો

શહેરના અટલાદરા સનફાર્મા રોડ ઉપર રહેતા ઇજારદાર ઉપર થયેલા એસીબીના કેસ અંગે ઇજારદારે 6 વર્ષ સુધી અદાલતમાં લડાઇ આપી હતી. જેમાં અંતે એસીબીએ અદાલત સમક્ષ સીઆરપીસી 169નો રિપોર્ટ કર્યો હતો. પુરાવા મળતાં નહિ હોવાથી બિન તહોમત મુક્ત કરવાનું જણાવતા આરોપીએ ખુદ વાંધો ઉઠાવ્યો હતો અને ખોટો કેસ કર્યો હોવાથી એસીબીના તપાસ અધિકારીએ રચેલા કાવતરાની તપાસની માંગ કરતા અદાલતે કોર્ટ સમક્ષ ગેરહાજર રહેતા પીઆઇ કે.જે પટેલ સામે જામીનપાત્ર વોરંટ કાઢી હાજર રહેવાની સૂચના આપી છે.

આરોપી પોતે જ પુરાવા વગર છૂટવા નહિ માંગતો હોવાના જવલ્લે જ બનતા રસપ્રદ કિસ્સામાં સનફાર્મા રોડ એલીઝિયન વિલામાં રહેતા જયેશકુમાર ગોરધનભાઈ પટેલ પોતે ઇજારદાર છે. એમની સામે બનાસકાંઠાના પાલનપુર ગામે 2014માં એસીબીએ ફરિયાદ દાખલ કરી હતી અને જયેશભાઈની ધરપકડ પણ કરી હતી. બાદમાં જામીન ઉપર છુટકારો થયો હતો.

પોતાની ઉપર ખોટી રીતે ફરિયાદ થઈ હોવાનું માની જયેશભાઈએ અદાલતમાં લડત ચાલુ કરી હતી. અને ખોટા કેસના પુરાવા રજૂ કર્યા હતા. જેમાં એસીબીના અધિકારી એ.એ.શેખ દ્વારા આરટીઓ અધિકારી ટી.કે.પટેલને બચાવવા માટે આખું કાવતરું ઘડાયું હોવાના પુરાવા રજૂ કર્યા હતા.

અદાલતમાં જયેશભાઈ સામેનો કેસ નબળો સાબિત થશે અને એસીબીની હાર થશે એવું માની એસીબીએ પીછો છોડાવવા માટે જયેશ પટેલ સામેના કેસમાં એસીબી દ્વારા સીઆરપીસી 169 મુજબ રિપોર્ટ કરી આરોપી સામે પુરાવા નહિ મળતાં હોવાથી બિનતહોમત મુક્ત કરવા અદાલતને જણાવ્યું હતું.

જેનો આરોપી જયેશભાઈએ વિરોધ કરી અદાલતને બિન તહોમત મુક્ત થવા સામે વાંધો ઉઠાવી મારી સામેનો કેસ જ ઉપજાવી કાઢી એસીબીએ ગંભીર ગુનો કર્યો હોવાથી તપાસની માંગ કરી હતી. જેને અદાલતે મંજૂર કરી એસીબીના તપાસ અધિકારી પીઆઇ કે.જે.પટેલને હાજર રહી રિપોર્ટ કરવા જણાવ્યું હતું. જેમાં અદાલત સમક્ષ એક વાર હાજર રહ્યા બાદ તારીખોમાં સતત ગેરહાજર રહેતા પાલનપુરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રિક જજ દ્વારા સેક્શન 71 મુજબનું જામીનપાત્ર વોરંટ કાઢી હાજર રહેવા આદેશ કરતા એસીબીમાં ખડભડાટ મચી ગયો છે. સમગ્ર બેડામાં આ કિસ્સા અંગે ભારે ચર્ચાઓ છે. જેમાં આરોપીએ જ તેની સામે ખોટો કેસ થતા તપાસની માગ કરી છે.

બંદોબસ્તમાં હોવાથી હાજર ન રહી શક્યો
એસીબીના પીઆઇ કે.જે.પટેલની હાલ પાલનપુરથી સુરત બદલી થઈ ગઈ છે. ‘બંદોબસ્તમાં હોવાથી હું કોર્ટમાં હાજરી આપી શક્યો નથી. વોરંટ અંગે મને જાણકારી નથી’ એમ ટેલિફોનીક વાત ચિતમાં કે.જે.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...