તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં રોગચાળો બેકાબૂ:SSGમાં સિઝનલ બીમારીના કેસ વધતાં વોર્ડ ઊભરાયો, દર્દીઓને નીચે સૂવડાવવા પડ્યાં

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો સવારથી જ ધસારો રહે છે. મહિલા વોર્ડમાં બેડના અભાવે દર્દીઓને નીચે સૂવડાવવા પડ્યાં હતાં. - Divya Bhaskar
સયાજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો સવારથી જ ધસારો રહે છે. મહિલા વોર્ડમાં બેડના અભાવે દર્દીઓને નીચે સૂવડાવવા પડ્યાં હતાં.
  • ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના રોજના સરેરાશ 300 કેસ નોંધાઈ રહ્યા છે

શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. સરકારીની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ વાઈરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ સતત વધતાં તંત્રની નિષ્ફળતા છતી થઈ છે. શહેરમાં એક દિવસમાં 300થી વધુ કેસ ડેન્ગ્યૂના કેસ આવી રહ્યા છે. બીજી તરફ શનિવારે પાલિકાના ચોપડે ડેન્ગ્યૂના 32 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના વધુ 21 કેસ નોંધાયા છે. તાવના 721 કેસ અને ઝાડા-ઊલટીના 102 કેસ સામે આવ્યા છે. બીજી તરફ સયાજીમાં સિઝનલ બીમારીના કેસ વધતાં વોર્ડ ઊભરાયો હતો, જેથી દર્દીઓને નીચે સૂવડાવવા પડ્યા હતા.

શહેરમાં રોગચાળો તંત્રના કાબૂ બહાર જઇ રહ્યો છે. રોજ શહેરના નવા નવા વિસ્તારમાં મચ્છર તેમજ પાણીજન્ય રોગોના કેસ નોંધાઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં વાઈરલ અને ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. જેમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 300થી વધુ કેસ નોંધાતાં હોવાની જાણકારી મળી છે. બીજી તરફ પાલિકાની વિવિધ ટીમોએ લીધેલા 102 નમૂનામાંથી 33 ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 104 નમૂના પૈકી ચિકનગુનિયાના 21 કેસ પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 692 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીનો આંક 406 પર પહોંચ્યો છે.

પાલિકાની વિવિધ ટીમોએ શનિવારે 29,135 મકાનોમાં ચેકિંગ કરી 12,764 મકાનોમાં ફોગિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન 485 લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળી હતી. શનિવારે પાલિકાએ 17,331 મકાનોમાં તપાસ કરતાં 51 જેટલા ઝાડા-ઊલટીના કેસ અને 236 તાવના કેસ સામે આવ્યા છે. જોકે આજે ટાઇફોઇડના રામદેવનગર અને શિયાબાગ તેમજ કમળાના કારેલીબાગ અને કપુરાઈમાં એક એક કેસ નોંધાતાં તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં સિઝનલ બીમારીના કેસ વધતાં વોર્ડ ઊભરાયો હતો, જેને પગલે દર્દીઓને નીચે સૂવડાવા પડ્યા હતા.

38 કન્સ્ટ્રક્શન સાઈટમાં ચેકિંગ, 17ને નોટિસ
શહેરમાં સરકારી અને ખાનગી દવાખાના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓથી ઉભરાતા પાલિકાની ટીમ હરકતમાં આવી છે. પાલિકાની 200 ટીમોએ 29,135 ઘરમાં ચેકીંગ કરી મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને શોધવા તપાસ શરૂ હતી. જેમાં 38 કન્સ્ટ્રક્શન સાઈટમાં અને 14 હોસ્ટેલ અને સ્કૂલમાં ચેકીંગ કર્યુ હતું. જે પૈકી 17 કન્સ્ટ્રક્શન સાઈટ અને 1 હોસ્ટેલને પાલિકાએ નોટિસ ફટકારી હતી.

ડેન્ગ્યૂના કેસમાં રિકવરી રેટ સારો, પ્લેટલેટ્સ પણ ઝડપથી ઘટતા નથી
હાલ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેમાં સૌથી વધુ દર્દી વાઈરલ ઇન્ફેક્શન, ત્યારબાદ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના જોવા મળી રહ્યા છે.જોકે ચિકનગુનિયામાં સાંધાનું જકડાઈ જવાનું આ વર્ષે ઓછું જોવા મળ્યું છે. ડેન્ગ્યુના કેસમાં રિકવરી રેટ સારો છે અને અગાઉ પ્લેટલેટ્સ ઝડપથી ઘટતા હતા, આ વર્ષે તેવું નથી થતું. - ડો. હેમલ પરીખ, ફિજિશિયન

ઓપીડીમાં સરેરાશ 10 કેસમાંથી 2 ડેન્ગ્યૂ પોઝિટિવ આવી રહ્યા છે
વડોદરા શહેરમાં આ વખતે ડેન્ગ્યૂના કેસ વધ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં એક ધારા કેસ આવી રહ્યા છે. શહેરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો હાલમાં ભરેલી છે. ઓપીડીમાં સરેરાશ 10 કેસમાંથી 2 કેસ ડેન્ગ્યૂ પોઝિટિવ આવી રહ્યા છે. કેસ સતત વધતાં કાળજી લેવાની જરૂર છે. - ડો. પરેશ મજમુદાર, બાળ રોગ નિષ્ણાત

અન્ય સમાચારો પણ છે...