વાલી ચિંતાતુર:ચાર દિવસથી જાગીએ છીએ, પુત્ર રોમાનીયા છે, ચિંતા સતાવે છે, સરકાર જલદી તેને લાવે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોર્ડર પર ફસાયેલા શહેરના દિપ સુથારની રાહ જોઇ રહેલાં પરિવારજનો. - Divya Bhaskar
બોર્ડર પર ફસાયેલા શહેરના દિપ સુથારની રાહ જોઇ રહેલાં પરિવારજનો.
  • ખાર્કિવથી નીકળેલા શહેરના વિદ્યાર્થી કઇ બોર્ડરે જવું તે જાણતા ના હોવાથી વાલી ચિંતાતુર
  • સંતાનોનો સમયાંતરે સંપર્ક ના થતો હોઇ ચિંતા : જોકે બોર્ડર પર પહોંચવાના મેસેજથી હાશ

સતત ચાર દિવસ ઉજાગરા કર્યા છે, હવે મારો પુત્ર રોમાનીયા પહોંચ્યો છે. છતાં ચિંતા સતાવે છે. સરકાર તેને વહેલા લાવે તેવી વિનંતી માતાએ કરી હતી. ખાર્કિવથી નીકળેલા શહેરના વિદ્યાર્થી કઇ બોર્ડર પર જવું તેની જાણ ના હોવાથી વાલી ચિંતામાં જણાયા હતા.

યુક્રેન નજીકના દેશોની બોર્ડર ક્રોસ કરીને વિદ્યાર્થઓ પરત આવી રહ્યા છે. ભારતીય એમ્બેસીએ વિદ્યાર્થીઓને યુક્રેનની બાજુના દેશોમાંથી પરત લાવવાનું શરૂ કર્યું છે. કારેલીબાગમાં રહેતા દિપ સુથારના પરિવારજનો હજુ તેમનો પુત્ર ભારત આવવા રવાના થયો ના હોવાથી ચિંતત છે. વિદ્યાર્થીની માતા પ્રીતી સુથારે જણાવ્યું કે જયારથી આ િસ્થીતી સર્જાઇ ત્યારથી અમે રાત્રે સુઇ શક્યા નથી. રોમાનીયા બોર્ડર પર જ્યારે તેણે અને મિત્રોએ 10 કલાક કાઢયા તે કપરો દિવસ હતો. તેણે બોર્ડર ક્રોસ કરી ત્યારે સૌ પ્રથમ ભગવાનનો આભાર માન્યો હતો. બે દિવસથી બોર્ડર ક્રોસ કરીને શેલ્ટર હાઉસમાં રહે છે. કયારે ભારત આવશે તેની જાણ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કર્યા બાદ BAPSના સ્વયંસેવકો પોલેન્ડ સરહદે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજ્ય બ્રહ્મવિહારીસ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા જણાવ્યું હતું. સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં અને બી.એ.પી.એસ.ના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે.

મોબાઈલ કિચન વાનથી 1000 જેટલા ભારતીયોને ભોજન પીરસ્યું છે. આ સાથે જ રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને વિદ્યાર્થીઓની સેવામાં લાગી ગયા છે.

5 વર્ષથી ભાઇ આવ્યો નથી, જૂનમાં આવવાનો હતો, ખાર્કિવથી નીકળ્યો છે, કઇ બોર્ડરે જવું તે ખબર નથી
મારો ભાઇ મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે. 5 વર્ષથી ત્યાં છે અને જૂન મહિનામાં તેના મેડિકલનો અભ્યાસ પૂરો થતો હતો. તે યુક્રેન ગયો ત્યારથી અત્યાર સુધી વડોદરા આવ્યો જ નથી. મેડિકલ પૂરું કરીને આવવાનો હતો. જોકે યુક્રેનમાં યુધ્ધ શરૂ થઇ જતા તે ફસાઇ ગયો છે. તે ખાર્કિવમાં અભ્યાસ કરી રહ્યો છે અને ત્યાંની સ્થિતી ખરાબ છે માટે તેણે મંગળવારે શહેર છોડી દીધું છે તેવો મેસેજ હતો. હવે કઇ બોર્ડર પર જવું તે વિશે તેને પણ કશું ખબર નથી. જેથી અમેને તેની ચિંતા સતાવી રહી છે. તે સલામત બોર્ડર ક્રોસ કરી લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
> સરીતા પાલ, વિદ્યાર્થી રોહીતની બહેન

અમારો પુત્ર પોલેન્ડ પહોંચતાં હવે સુરક્ષિત છે
આજવા રોડ પર રહેતા ડૉ.જતિન ભટ્ટે જણાવ્યું કે, મારો પુત્ર પોલેન્ડમાં ભારતીય એમ્બેસીના અધિકારીના સંપર્કમાં છે. તેઓ તેને શેલ્ટર હોમ અને ત્યાર બાદ પોલેન્ડ એરપોર્ટ નજીકની હોટલમાં રહેવા લઇ ગયા છે. જ્યાં તેમને તમામ સુવિધાઓ અપાઇ છે. આગામી દિવસોમાં ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા વિમાન દ્વારા તેમને ભારત લાવવામાં આવશે. અમારો પુત્ર પોલેન્ડ પહોંચતા હવે સુરક્ષિત છે જેથી અમે રાહતનો દમ લીધો છે.

શહેર ભાજપ સંગઠને પરિવારની મુલાકાત લીધી

શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ તથા સંગઠનની ટીમ દ્વારા શહેરમાં વસતા પરિવારજનો કે તેમના સંતાનો હાલ યુક્રેનમાં છે તેવા પરિવારજનોના ઘરે જઇને મુલાકાત કરી હતી અને તેમને સાત્વના આપી તેમના સંતાન સહી સલામત ભારત પરત ફરે તેવું આશ્વાસન આપ્યું હતું. મેયર કેયુર રોકડીયા, ડે.મેયર નંદા જોશી, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, મહામંત્રી, સ્થાનીક કાઉન્સીલરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...