વહીવટ કરાયો હોવાની આશંકા:વાઘોડિયા સબ જેલના જેલરે 62 ગુનામાં સંડોવાયેલા લાલુ સિંધીને મુક્ત કરી દીધાનો ઘટસ્ફોટ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાલુ સિંધી - Divya Bhaskar
લાલુ સિંધી
  • સબ જેલના જેલરનો ચાર્જ તલાટીને સોંપાતાં વહીવટ કરાયો હોવાની આશંકા
  • એસીપી (કન્ટ્રોલ) દ્વારા જેલર સહિતના જવાબદારો સામે જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરાયો

હત્યા, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ સહિતના 62 ગુનામાં સંડોવાયેલા નામચીન બૂટલેગર લાલુ સિંધીને માંજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં જામીન ન મળ્યા હોવા છતાં વાઘોડિયા સબ જેલના જેલર એવા તલાટીએ તેને જેલમાંથી મુક્ત કરી દીધો હોવાનું બહાર આવતાં ચકચાર મચી છે. વાઘોડિયા સબ જેલના જેલર એવા તલાટી તથા અન્યોની સંડોવણી બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરાયો છે. ઉલ્લેખનિય છે કે, લાલુ સિંધી છેલ્લા દોઢ મહિનાથી જેલમાં હોવો જોઇએ તેમ છતાં ગેરકાયદેસર રીતે જેલની બહાર હોવાના પ્રમાણ મળતાં સમગ્ર મામલાની તપાસ એસીપી (કન્ટ્રોલ)ને સોંપવામાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નામચીન બૂટલેગર લાલુ ઉર્ફે લાલચંદ હેમંતદાસ ખાનાની (વારસિયા) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસે તેને પકડ્યા પછી વાઘોડિયા સબ જેલમાં તેને રાખવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે માંજલપુર પોલીસના ગુનામાં લાલુ સિંધીનો વાઘોડિયા સબ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો મેળવ્યો હતો અને તપાસ પૂરી થયા બાદ 17 જૂન,2021 ના રોજ લાલુ સિંધીને વાઘોડિયા સબ જેલમાં પરત મોકલાયો હતો. ત્યારબાદ વડોદરા પોલીસની પીસીબી શાખાને જાણવા મળ્યું હતું કે, માંજલપુર પોલીસના પ્રોહિબિશનના ગુનામાં લાલુ સિંધીને જામીન ન મળ્યા હોવા છતાં વાઘોડિયા સબ જેલના જેલર દ્વારા તેને 13 ઓગસ્ટ, 2021ના રોજ જેલમાંથી મુક્ત કરી દેવાયો છે અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા જાય છે. જેથી સમગ્ર મામલે પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘને જાણ કરાતાં તેમણે એસીપી (કન્ટ્રોલ)ને તપાસ સોંપી હતી.

એસીપી કન્ટ્રોલે તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, લાલુ સિંધીને માંજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં જામીન મળ્યા ન હોવા છતાં વાઘોડિયા સબ જેલના જેલર એવા રેવન્યુ તલાટી યોગેશ મોહનભાઇ રબારીએ લાલુ સિંધીને જેલમાંથી મુક્ત કરી દીધો હતો. જેથી આ બાબતે રેવન્યુ તલાટી યોગેશ રબારી સહિત અન્યો સામે જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરાયો હતો. લાલુ સિંધીએ પણ પોતાને જામીન ન મળ્યા હોવા છતાં હકીકત છુપાવી હતી. એમ જાણવા મળે છે.

લાલુ સિંધીના જામીન રદ કરવા કાર્યવાહી કરાશે
પોલીસે જણાવ્યું હતું કે, લાલુ સિંધીને તાજેતરમાં અદાલત દ્વારા જામીન પર મુક્ત કરાયો હતો, બીજી તરફ તે દોઢ મહિનો ગેરકાયદેસર રીતે જેલની બહાર રહ્યો હતો ત્યારે લાલુ સિંધીના જામીનનો હુકમ રદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.એમ જાણવા મળે છે.સમગ્ર મામલે રાજ્યના પોલીસ વડાને પણ અહેવાલ સોંપાશે, તેમ પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે લાલુ સિંધીને હાલ પાસા હેઠળ જૂનાગઢ જેલમાં ધકેલી દેવાયો છે.તેની સામે 62 ગુના નોંંધાયેલા છે.

જેલર-તલાટી યોગેશ રબારીએ રજિસ્ટરમાં નોંધ પણ કરી ન હતી
તપાસમાં બહાર આવ્યું હતું કે, વાઘોડિયા સબ જેલના જેલર યોગેશ મોહનભાઇ રબારીએ નિયમો મુજબ જેલના રજિસ્ટરો પણ નિભાવ્યાં ન હતાં. માંજલપુર પોલીસના ગુનામાં તપાસ પૂરી કર્યા બાદ લાલુ સિંધીને જ્યારે વાઘોડિયા સબ જેલમાં પરત સોંપાયો ત્યારે પણ જેલર યોગેશ રબારીએ તેની નોંધ સુધ્ધાં રજિસ્ટરમાં કરી ન હતી અને ગંભીર નિષ્કાળજી દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...