તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-9નો ગ્રાઉન્ડ રિપોર્ટ:સુભાનપુરામાં લોકોને ડ્રેનેજ મિશ્રિત પાણી પીવુ પડે છે, ખખડધજ રસ્તાઓથી પ્રજા ત્રાહિમામ, પાલિકામાં નવા સમાવિષ્ટ સેવાસી અને ઉંડેરા ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત

વડોદરાએક મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
  • વોર્ડ નં-9માં સુભાનપુરા અને ગોત્રી રોડ વિસ્તારનો સમાવેશ થાય છે
  • ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પાલિકા નિષ્ફળ
  • સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ , સ્વિમીંગ અને વરસાદી કાંસની સુવિધાઓ આપવા સ્થાનિકોની માંગ

વોર્ડ નં-9માં પાણી, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટોની સમસ્યા છે. આ વોર્ડમાં રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીની પેનલ ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાઇ આવી હતી. પાર્ટીના કાઉન્સિલરોને પોતાના વિસ્તારના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ધરણાં-ઉપવાસ સહિતના આંદોલન કરવાની ફરજ પડી હતી. આમ છતાં, વોર્ડમાં પાણી, રસ્તા અને ડ્રેનેજની સમસ્યાઓ યથાવત છે. કોર્પોરેશન દ્વારા ઉંડેરા સહિતના ગામોને કોર્પોરેશનમાં સમાવી દેવામાં આવ્યા છે, પરંતુ, આ ગામોનો વિકાસ થયો નથી. આ વોર્ડના એવા અનેક વિસ્તારો છે જ્યાં દુષિત પાણી આવે છે અને ઓછા પ્રેશરથી પાણી આવે છે. માજી કાઉન્સિલરો દ્વારા કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં, પાણીનો પ્રશ્ન હલ કરવામાં કોર્પોરેશનના સત્તાધીશો ધરાર નિષ્ફળ પુરાવાર થયા છે.

લોકોને વેચાતું પાણી લાવીને પીવાની ફરજ પડી રહી છે
સ્થાનિક રહેવાસી નવિનભાઇ જોષીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં દશામાં મંદિરથી લઇને લક્ષ્મીપુરા, સમતા પોલીસ ચોકીથી લઇને લક્ષ્મીપુરા, સૌરભ પાર્ક સહિત આસપાસની તમામ સોસાયટીઓમાં રસ્તા, પાણી અને ડ્રેનેજની સુવિધાઓ છે, પણ પાણી પૂરતા પ્રમાણમાં મળતુ નથી. વર્ષો પૂર્વે દિવસમાં બે ટાઇમ પાણી મળતું હતું. આજના સમયમાં એક ટાઇમ પણ પૂરતું પાણી મળતું નથી. કોર્પોરેશન દ્વારા પુરતું પાણી તો ઠીક જેટલો સમય પાણી આપવામાં આવે છે, તે પાણી પણ પીવાલાયક હોતું નથી. માંડ અડધો કલાક પાણી આવવાને કારણે લોકોને વેચાતું પાણી લાવીને પીવાની ફરજ પડી રહી છે. વિસ્તારમાં પાણી ઉપરાંત રસ્તાઓના ઠેકાણા નથી. મુખ્ય માર્ગો કંઇક અંશે સારા છે. પરંતુ, આંતરિક રસ્તાઓની હાલત દયનીય છે. આંતરીક રસ્તાઓ નવા ક્યારે બન્યા હશે. તે ખબર નથી.

વર્ષો પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનો લીકેજ થઇ રહી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચોમાસા બાદ મોટા પાયે ધોવાઇ ગયેલા રસ્તાઓ ઉપર માત્ર પેચવર્ક કરવામાં આવે છે. પરંતુ, નવા રસ્તા બનાવવામાં આવતા નથી. ખરાબ રસ્તાઓના કારણે વાહનોનું આયુષ્ય પણ ઘટી ગયું છે. તેજ રીતે ડ્રેનેજની પણ સમસ્યા છે. વર્ષો પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનો લીકેજ થઇ રહી છે. નવી લાઇનો નાખવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં, નાખવામાં આવતી નથી.

લોકો સુવિધા વિના જ વેરો ભરે છે
પરમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા કેતનભાઇ જોષીએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ સહિત આંતરિક રસ્તાઓ બની ગયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી, પેવર બ્લોક અને ડ્રેનેજના કામો થયેલા છે, પણ પૂરતા પ્રેશરથી પાણી મળતુ નથી. તે સમસ્યા યથાવત છે. કોર્પોરેશન દ્વારા કમરતોડ પાણી વેરો વસુલ કરવામાં આવે છે. પરંતુ, પુરતુ પાણી આપવાની વાત તો બાજુ ઉપર પુરતા પ્રેશરથી પાણી આપવામાં પણ નિષ્ફળ ગયું છે. ઉંડેરા ગામનો કોર્પોરેશનમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. હાલ વોર્ડ નંબર-9માં આવે છે. અમારું ગામ અને તેની આસપાસનો વિસ્તાર આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અમારા વિસ્તારના લોકોને વગર સુવિધાઓએ વેરો ભરવાનો વખત આવ્યો છે. કોર્પોરેટરોને વિસ્તારના વિકાસ કામો માટે કોર્પોરેશન સામેજ ધરણાં અને ઉપવાસ જેવા કાર્યક્રમો આપવા પડે તે શરમજનક બાબત છે.

ગટરો સાફ ન થવાથી ચોમાસામાં વિસ્તાર નદી-તળાવમાં ફેરવાઇ જાય છે
સ્થાનિક અજીતભાઇ સોલંકીએ જણાવ્યું કે, સેવાસી અને ઉંડેરાનો પાલિકામાં સમાવેશ કરાયો તે સુવિધાઓથી વંચિત છે. તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમીંગ અને વરસાદી કાંસની સુવિધાઓથી વંચિત છે. શિયાળાની ઋતુમાં પાણીની સમસ્યા છે. આગામી ઉનાળામાં અમે કેવી રેતી પાણી વિના દિવસો પસાર કરીશું તે મોટો સવાલ છે. વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી લોકોને પાણી વેચાતુ લાવીને પીવાનો વખત આવ્યો છે. અમારા વિસ્તારમાં રસ્તા અને ડ્રેનેજની પણ સમસ્યા છે. ચોમાસામાં વરસાદી ગટરો સાફ ન થવાના કારણે સામાન્ય વરસાદમાં જ અમારો વિસ્તાર નદી-તળાવમાં ફેરવાઇ જતો હોય છે. જોકે, આવી સ્થિતી સામાન્ય દિવસોમાં પણ જોવા મળે છે.

લોકોને ડ્રેનેજ લાઇન મિશ્રીત પાણી પીવું પડે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષો જૂની ડ્રેનેજ લાઇનો લીકેજ થવાના કારણે દુષિત પાણી રોડ ઉપર ફરી વળતું હોય છે. તે સાથે ડ્રેનેજ લાઇન મિશ્રીત પાણી લોકોને પીવું પડે છે. આગામી ઉનાળાની ઋતુમાં પાણી વ્યવસ્થિત રીતે નહીં મળે તો ગંભીર સમસ્યા સર્જાશે. હાલમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ, વચનો પૂરા કરે તો સારી વાત છે. કોર્પોરેશન દ્વારા મોટા વિકાસલક્ષ્મી પ્રોજેક્ટોની સાથો સાથે પાણી, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટો અને સફાઇને પ્રાધાન્ય આપવું જરૂરી છે.

વોર્ડ નંબર-9ના મતદારોની સંખ્યા

પુરુષ -44,006 સ્ત્રી -41,617 અન્ય -1 કુલ - 85,624

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો