તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાના વોર્ડ નં-6માં વારસીયા અને આજવા રોડ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. હાલનો વોર્ડ નંબર-6 પહેલા વોર્ડ નંબર-4 હતો. નવા સિમાંકન બાદ વોર્ડ નં-6 થઇ ગયો છે. વોર્ડ નંબર-6માં હાલમાં પાણી, ડ્રેનેજ, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. વોર્ડ નં-6માં આવેલા વુડાના મકાનોમાં લોકો દયનીય હાલતમાં જીવી રહ્યા છે. ચોમાસામાં વુડાના મકાનમાં પ્રવેશ કરવો મુશ્કેલ થઇ જાય છે. આંતરિક રસ્તા ન હોવાના કારણે પાણી ભરાઇ જતુ હોય છે. વુડાના રહીશોએ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વુડાના મકાનો પ્રાથમિક સુવિધાથી વંચિત છે
વોર્ડ નં-6ના રહેવાસી ઘનશ્યામભાઇએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નં-6ના વિકાસ માટે કોર્પોરેશન દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. અમારા વિસ્તારના એકપણ પક્ષના કાઉન્સિલરો દ્વારા કોઇ કામ કરવામાં આવ્યા નથી. અમારા વિસ્તારમાં આવેલા વુડાના મકાનો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. વુડાના મકાનો જ્યારે બન્યા હતા, તે સમયે જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી રસ્તા બનાવવામાં આવ્યા નથી. ચોમાસાની ઋતુમાં વુડાના મકાનમાં જવું મુશ્કેલ થઇ જાય છે. વુડાના મકાનોની અંદર ગંદગીનું સામ્રાજ્ય બારેમાસ રહે છે. કોર્પોરેશન દ્વારા સમયસર કચરાનો નિકાલ કરવામાં આવતો નથી. વુડાના મકાનોનો પ્રશ્ન હલ નહીં થાય તો કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.
બારેમાસ પાણીની સમસ્યા રહે છે, ઓછા પ્રેશરથી પાણી મળે છે
સામાજિક કાર્યકર તેજસ બ્રહ્ણભટ્ટે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીની વાતો કરતી કોર્પોરેશનની સ્માર્ટ સિટી માત્ર કાગળ ઉપરની છે. અમારા વિસ્તારમાં બારેમાસ પાણીની સમસ્યા રહે છે. ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે. જ્યારે રજૂઆત કરવા જઇએ છે. ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઇને કોઇ બહાના બતાવવામાં આવે છે. લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે.
ઠેર-ઠેર ડ્રેનેજ લાઇનો લીકેજ થવાથી દૂષિત પાણી ભરાઇ જાય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની સૌથી મોટી સમસ્યા છે. ઠેર-ઠેર ડ્રેનેજ લાઇનો લીકેજ થવાના કારણે રસ્તાઓ ઉપર ચોમાસામાં ભરાતા હોય તે રીતે દૂષિત પાણી ભરાઇ જાય છે. સોસાયટીના આંતરિક રસ્તાઓ ખખડધજ થઇ ગયા છે. કોર્પોરેશન દ્વારા માત્ર મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ, આંતરિક રસ્તાઓ ઉપર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. સ્ટ્રીટ લાઇટો એક અઠવાડિયામાં 4 દિવસ બંધ રહે છે.
તળાવમાં ગટરોનું દૂષિત પાણી છોડવામાં આવે છે
સ્થાનિક જયેશ અદવાણીએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં આવેલ સિંધુ સાગર તળાવના બ્યુટીફીકેશન પાછળ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તળાવના બ્યુટીફિકેશન બાદ તેની દેખભાળ રાખવામાં ન આવતા તળાવ ગંદકીથી ઉભરાઇ ગયું છે. તળાવમાં ગટરોનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. દૂષિત પાણી તળાવમાં જતું હોવાથી તળાવ સ્થિત માછલીઓ સહિત અન્ય જળચર પ્રાણીઓના મોત નીપજે છે. તળાવની કિનારે મૂકવામાં આવેલા બાકડાઓ તૂટી ગયા છે. રેલિંગો તૂટી ગઈ છે. તળાવના કિનારા ગંદકીથી ઉભરાઇ રહ્યા છે. તળાવના કિનારે બનાવવામાં આવેલ વોકવે પણ કચરાથી ઉભરાઇ રહ્યા છે.
ગરીબ લોકો પાણી વેચાતુ લાવી શકતા ન હોવાથી પાણી માટે વલખા મારવા પડે છે
સ્થાનિક કમલેશ પરમારે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની મુખ્ય સમસ્યા છે. પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. લોકોને વેચાતુ પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે. જે લોકો આર્થિક રીતે સદ્ધર છે, તે લોકો વેચાતુ પાણી લાવીને પી શકે છે, પરંતુ, અમારા વિસ્તારમાં રહેતા ગરીબ લોકો પાણી વેચાતુ લાવી શકતા ન હોવાથી પાણી માટે વલખા મારવા પડે છે. અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇને કોઇને કોઇ વિસ્તારમાં ઉભરાતી રહી છે. અનેક વખત ડ્રેનેજ લાઇનો બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ, તંત્ર દ્વારા માત્ર મરામત કરવામાં આવે છે. અન્ય વોર્ડની સરખામણીમાં અમારા વોર્ડનો કોઇ વિકાસ થયો નથી.
વોર્ડ નંબર-6ના મતદારોની સંખ્યા
પુરુષ -42,036 સ્ત્રી -40,042 અન્ય -3 કુલ - 82,083
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.