તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં પ્રાથમિક સુવિધાઓથી વંચિતમાં પ્રથમ ક્રમાક વોર્ડ નં-4નો આવે છે. ખોડિયારનગર, સરદાર એસ્ટેટની પાછળનો ભાગ સહિતનો વિસ્તાર વોર્ડ નંબર-4માં સમાવેશ થાય છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-4માં પાણી, રસ્તા, ડ્રેનેજ અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. વોર્ડ નં-4ને ગંદકીનું હબ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ વોર્ડના રહીશો દ્વારા પાણી અને રસ્તાને લઇ અનેક વખત રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા પ્રશ્નો હલ કરવામાં આવતા નથી. પાલિકા દ્વારા આડેધડ બાંધકામની મંજૂરીઓ આપી દેવામાં આવી છે, પરંતુ, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ઉણું ઉતર્યું છે.
પાણી વેચાતુ લાવવુ પડે છે અને રસ્તાના ઠેકાણા નથી
વોર્ડ નં-4ના રહેવાસી સુમનબહેન શર્માએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી, રસ્તા અને ડ્રેનેજની મુખ્ય સમસ્યાઓ છે. વડોદરા મહાનગરપાલિકા અને વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયા છે. અમારા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. જ્યાં પીવાનું પાણી મળે છે, તે પાણી દુષિત આવતું હોય છે. લોકોને વેચાતું પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત અમારા વિસ્તારમાં રસ્તાઓના કોઇ ઠેકાણા નથી. રસ્તાઓ ઉપર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવામાં આવતા નથી. નવા રસ્તા બનાવવાને બદલે રસ્તાઓ ઉપર માત્ર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.
આખા વોર્ડમાં ડ્રેનેજની સમસ્યા ઘર કરી ગઇ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડ્રેનેજની સમસ્યા વોર્ડ નં-4માં ઘર કરી ગઇ છે. અમારા વિસ્તારમાં ભાગ્યે જ એવો કોઇ વિસ્તાર મળે જ્યાં ડ્રેનેજની સમસ્યા ન હોય, અમારા વિસ્તારના લોકો કોર્પોરેશનના વહીવટી તંત્ર અને કાઉન્સિલરોને રજૂઆતો કરીને થાકી ગયા છે. અને વિસ્તારના લોકો કામ કરી શકે તેવા કાઉન્સિલરનો વિકલ્પ શોધી રહ્યા છે.
વોર્ડ નં-4માં પાણી, રસ્તા અને ગટરની મુખ્ય સમસ્યાઓ છે
સ્થાનિક ઇશ્વરભાઇ બારીયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી, રસ્તા અને ગટરની મુખ્ય સમસ્યા છે. આગામી દિવસોમાં આવી રહેલા ઉનાળામાં પાણી કેવી રીતે મળશે, તે અત્યારે અમારો મુખ્ય પ્રશ્ન છે. હાલ શિયાળામાં પણ અમે પાણી વિના વલખા મારી રહ્યા છે. અમારા વિસ્તારના લોકોને પાણીની ટેન્કર વેચાતી લાવીને પાણી લેવું પડે છે. જો શિયાળામાં અમને પુરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય તો આગામી ઉનાળામાં મળશે કે નહીં, તે મોટો સવાલ છે. પાણી ઉપરાંત અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની મુખ્ય સમસ્યા છે. અમારા વોર્ડમાં કાયમી ધોરણે કોઇને કોઇ કારણસર ડ્રેનેજ લાઇનો ઉભરાતી જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનના દુષિત પાણી રોડ ઉપર ભરાયેલા હોય છે. દુષિત પાણીનો સમયસર રોડ ઉપરથી નિકાલ ન થવાના કારણે વિસ્તારના લોકોને રહેવું મુશ્કેલ થઇ જાય છે.
કચરાનો નિયમીત નિકાલ થતો નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડ વિસ્તારમાંથી કચરાનો પણ નિયમીત નિકાલ થતો નથી. અમારા વોર્ડમાં સારો કહેવાય તેવો એકપણ રસ્તો નથી. અમારા વિસ્તારમાં બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સાઇટો શરૂ કરવા માટે આડેધડ પરવાનગીઓ આપી દેવામાં આવી છે, પરંતુ, તેની સામે પ્રાથમિક સુવિધાઓ આપવામાં કોર્પોરેશન ઉણું ઉતર્યું છે.
કાઉન્સિલરો ચૂંટાઇને ગયા પછી દેખાયા નથી
ખોડિયારનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રહેતા મયંકભાઇએ જણાવ્યું હતું કે, કાઉન્સિલરો ચૂંટાઇને ગયા પછી દેખાયા નથી. અમારો વોર્ડ પ્રાથમિક સુવિધાઓના અભાવમાં પ્રથમ આવે તેમ છે. પાણીની મુખ્ય સમસ્યા છે. લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. માંડ અડધો કલાક પણ પાણી મળતું ન હોવાથી લોકોને પાણી વેચાતુ લાવીને પીવુ પડે છે. શિયાળામાં લોકોને પુરતા પ્રેશરથી અને પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. તો આગામી ઉનાળામાં પાણી મળશે કે નહીં તે એક મોટો સવાલ છે.
મોટા ભાગના રોડ પાલિકા દ્વારા ખોદી કાઢવામાં આવ્યા છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં મોટા ભાગના રોડ કોર્પોરેશન દ્વારા ખોદી કાઢવામાં આવ્યા છે. કોઇને કોઇ કામ માટે ખોદી નાખવામાં આવેલા રોડ કામ પૂરું થયા પછી પણ સમયસર પુરવામાં આવતા ન હોવાથી લોકોને પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે. અમારા વોર્ડમાં ગંદકીએ માઝા મૂકી દીધી છે. કોર્પોરેશન દ્વારા કચરા પેટીઓ મુકી દેવામાં આવી છે. પરંતુ, કચરા પેટીઓ ભરાઇ ગયા પછી તેનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી. પરિણામે લોકો કચરો કચરા પેટીની બહાર ફેંકી દેતા હોય છે. વોર્ડ નંબર-4 વડોદરાના અન્ય વોર્ડના વિકાસ સામે સૌથી પાછળ છે.
વોર્ડ નંબર-4ના મતદારોની સંખ્યા
પુરુષ -34,965 સ્ત્રી -31,983 અન્ય -1 કુલ -66,949
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.