તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોર્ડ નં-15માં વાઘોડિયા રોડ, કોટીયાર્કનગર, વાડી, બાવામાનપુરા, પુનમ કોમ્પ્લેક્ષ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ નં-15માં નવી બનતી સોસાયટીઓના માર્ગો ઝડપથી બનાવી દેવામાં આવે છે, પરંતુ, જ્યાં લોકો રહે છે, તેવા વિસ્તારોના આંતરિક રસ્તાઓ બનાવવામાં કોર્પોરેશન અને કાઉન્સિલરો નિષ્ફળ ગયા છે. પાણીનો વિકટ પ્રશ્ન છે. વોર્ડના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. જે પાણી મળે છે, તે દિવસોમાં મોટા ભાગના દિવસોમાં દૂષિત પાણી મળે છે. વર્ષ-2019માં સતત 8 માસ સુધી લોકોને દૂષિત પાણી પીવાનો વખત આવ્યો હતો. વોર્ડના લોકોને શિયાળામાં પણ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાથી લોકોને વેચાતુ પાણી લાવવું પડે છે. આગામી ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણીને લઇ વોર્ડના લોકો અત્યારથી જ ચિંતાતુર બની ગયા છે. વરસાદી ગટરની સુવિધા ન હોવાથી ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાઇ જતા હોય છે. સ્ટ્રીટ લાઇટોનું પ્રકાશ ઓછુ હોવાથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે. આ વોર્ડમાં બાહ્ય વિકાસ દેખાઇ રહ્યો છે. પરંતુ, આંતરીક વિકાસ કરવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું છે.
રસ્તાઓ પર ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે
વાઘોડિયા રોડ ઉપર રહેતા નરેશભાઇ રબારીએ જણાવ્યું હતું કે, વાડી કોટીયાર્કનગર પાસે બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય રહે છે, ત્યાંથી પસાર થવું લોકોને મુશ્કેલ થઇ જાય છે. વિસ્તારમાં રસ્તાઓની હાલત દયનીય બની ગઇ છે. ઠેર-ઠેર મોટા ગાબડા પડી ગયા છે. કોર્પોરેશન દ્વારા માત્ર પેચવર્કનું કામ કરવામાં આવે છે. અમારા વોર્ડમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. જેટલો સમય પાણી મળે છે, તે પાણી પણ પીવા લાયક હોતુ નથી. દુર્ગંધ મારતું હોય છે.
કચરા પેટીઓની બહાર કચરાના ઢગલા થઇ જાય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કચરાની પેટીઓ મૂકવામાં આવેલી છે, પરંતુ, કચરાની પેટીઓ ભરાઇ જાય ત્યાં સુધી નિકાલ કરવામાં આવતો નથી. પરિણામે કચરા પેટીઓની બહાર કચરાના ઢગલા થઇ જાય છે. માર્ગોની સફાઇ થતી નથી. કોર્પોરેશન દ્વારા ભલે વિકાસની વાતો કરવામાં આવતી હોય, પરંતુ, વાસ્તવિકતા એ છે કે, કોર્પોરેશનની પ્રથમ ફરજમાં આવતી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.
વેચાતુ પાણી લાવીને પીવુ પડે છે
સ્થાનિક મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમારા વોર્ડના મુખ્ય માર્ગો સારા છે, પરંતુ, મુખ્ય માર્ગોની અંદર આવેલી સોસાયટીઓના રસ્તાઓ ખખડધજ થઇ ગયા છે. ચોમાસા બાદ માત્ર પેચવર્ક કરવામાં આવે છે, પરંતુ, નવા રસ્તા બનાવવામાં આવતા નથી. અમારા વોર્ડના આંતરીક વિસ્તારોમાં ભાગ્યે જ કોઇ સારો રસ્તો હશે. અમારા વોર્ડમાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. આજની તારીખમાં પણ પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. અને જે પાણી આવે છે તે પાણી દુષિત આવતું હોવાથી પીવાલાયક હોતુ નથી. પરિણામે અમારે વેચાતુ પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે.
સ્ટ્રીટ લાઇટો દીવા કરતા પણ ઓછો પ્રકાશ આપે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દૂષિત પાણીની રજૂઆત કરવામાં આવે ત્યારે નમૂના લઇ જવામાં આવે છે. પરંતુ, નમૂના લઇ ગયા બાદ દૂષિત પાણીનું કારણ શોધીને દૂષિત પાણી આવતુ બંધ થાય તેવા કોઇ પ્રયાસો કરવામાં આવતા નથી. આગામી ઉનાળાની ઋતુ પહેલાં અમારા વોર્ડમાં પાણીનો પ્રશ્ન હલ થાય તેમ અમે ઇચ્છી રહ્યા છે. વોર્ડમાં જે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે. તે સ્ટ્રીટ લાઇટો દીવા કરતા પણ ઓછો પ્રકાશ આપે છે.
પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ પૂરી પાડવામાં આવી નથી
સ્થાનિક ગોરાસીંગ સરદારે જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાંથી મત લઇ ગયા બાદ એકપણ કાઉન્સિલરો દેખાયા નથી. ભલે કાઉન્સિલરો ન દેખાય, પરંતુ, કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રસ્તા, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી નથી. અમારા વોર્ડ વિસ્તારમાં સૌથી મોટી પાણીની સમસ્યા છે. માંડ અડધો કલાક પાણી આપવામાં આવે છે. અને જે પાણી આપવામાં આવે છે તે પણ ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવે છે. મોટા ભાગના વિસ્તારોમાં ડ્રેનેજ મિશ્રીત પાણી આવે છે. જે પીવાલાયક હોતું નથી. દુષિત પાણી મળતું હોવાથી રોગચાળાની દહેશત રહે છે. પાણીની સૌથી ગંભીર સમસ્યા હોવા છતાં, તંત્ર દ્વારા કોઇ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી.
રસ્તાઓ ખોદીને કામ પૂરું કર્યા બાદ સમયસર પુરાણ કરવામાં આવતું નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મુખ્ય રસ્તાઓ આડેધડ રીતે ખોદવામાં આવે છે. રસ્તાઓ ખોદીને કામ પૂરું કર્યા બાદ તેનું સમયસર પુરાણ કરવામાં આવતું નથી. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કચરાના નિકાલ માટે કચરા પેટીઓ મુકવામાં આવે છે. પરંતુ, તેમાંથી કચરાનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી. સ્ટ્રીટ લાઇટો દીવા જેટલું અજવાળું આપે છે. તત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો બદલવાની જરૂરીયાત છે.
વોર્ડ નંબર-14ના મતદારોની સંખ્યા
પુરુષ -38,098 સ્ત્રી -37,204 અન્ય -3 કુલ - 75,305
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.