તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • VMC Poll Ward No 10 Allocation Of Houses To Minorities In Bhayali Area Has Provoked Outrage Among Locals, Disturbed The People With Polluted Water

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-10નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ભાયલી વિસ્તારમાં લઘુમતીઓને મકાનોની ફાળવણીથી સ્થાનિકોમાં આક્રોશ, દૂષિત પાણી, ઉભરાતી ગટરો અને ખખડધજ રસ્તાઓથી પ્રજા પરેશાન

વડોદરા19 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
 • વોર્ડ નં-10માં ગોત્રી રોડ અને ભાયલી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે
 • ડ્રેનેજ લાઇન, પીવાનું શુદ્ધ પાણી અને સારા રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ લોકોને મળી નથી

વડોદરા મહાનગરપાલિકાના અંધેર વહીવટી તંત્રમાં વડોદરાના જાણીતા ઇસ્કોન મંદિરને અડીને શરૂ થતાં વોર્ડ નંબર-10ના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સ્થાનિક રહીશો દ્વારા પાણી, ડ્રેનેજ, રસ્તાના પ્રશ્નો ઉકેલવા માટે મૌખિક, લેખિત તેમજ ઓનલાઇન રજૂઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી. સ્થાનિક લોકો જણાવે છે કે, સોસાયટી વિસ્તારોમાં નવા રસ્તાઓ ક્યારે બન્યા તે અમને યાદ નથી. ચોમાસાની ઋતુ બાદ માત્ર પેચવર્ક કરવામાં આવે છે. ઉબડ ખાબડ રસ્તાઓના કારણે વાહનોનું આયુષ્ય પણ ઘટી રહ્યું છે. પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી મળતું નથી.

પાણી અને ડ્રેનેજની મુખ્ય સમસ્યાઓ છે
સ્થાનિક હેતલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી, રસ્તા, ડ્રેનેજ અને સફાઇ જેવી પ્રાથમિક સુવિધાઓના નામે મિંડુ છે. વોર્ડમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. ઓછું પાણી મળી રહ્યું છે, જેથી લોકોને વેચાતુ પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. આવનારા દિવસોમાં પાણી મળશે કે નહીં તે ચિંતાનો વિષય છે. અમારા વિસ્તારમાં અવાર-નવાર ડ્રેનેજ લાઇનો લીકેજ અને ભંગાણ થવાની મોટી સમસ્યા છે. છેલ્લા એક માસથી અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડ્યું છે. અનેક વખત વોર્ડ ઓફિસમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં છેલ્લા 4 વર્ષથી પ્રશ્ન હલ થયો નથી. એતો ઠીક કોર્પોરેશનમાં ઓનલાઇન રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ થયો નથી.

અશાંતધારાની રજૂઆત ધ્યાને લેવાતી નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાયલીની આસપાસના વિસ્તારને અશાંતધારા હેઠળ મૂકવા માટે છેલ્લા એક માસથી રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ, અમારા વિસ્તારને અશાંતધારામાં મૂકવામાં આવતો નથી. અમારા વિસ્તારને અશાંતધારામાં મૂકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

પાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે
સ્થાનિક વર્ષાબહેન શાહે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી પ્રાથમિક સુવિધા જેવી કે, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી, સારા રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટો અને સ્વચ્છતા પૂરી પાડવાની છે, પરંતુ, અમારા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. એક દિવસ પાણી માટે તો એક દિવસ ડ્રેનેજ લાઇન તો એક દિવસ સ્ટ્રીટ લાઇટ તો એક દિવસ રસ્તા માટે રજૂઆતો કરવી પડે છે. રજૂઆતો કરવા છતાં, અમારા પ્રશ્નો હલ થતાં નથી. કોર્પોરેશન દ્વારા સાર્વત્રિક વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ, પ્રથમ સુવિધા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે.

લોકોને ડ્રેનેજ મિશ્રિત પાણી પીવુ પડે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક બ્રિજ નહીં બનાવે તો ચાલશે, પરંતુ, પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પાણી આપે તે જરૂરી છે. અમારા વોર્ડ વિસ્તારમાં મોટા ભાગના લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે. સ્ટ્રીટ લાઇટો દીવા જેવું અજવાળું આપે છે. મુખ્ય રસ્તાઓને બાદ કરતા આંતરિક રસ્તાઓ અકસ્માતો સર્જે તેવા છે. અમને યાદ નથી કે, અમારા વિસ્તારોમાં નવા રસ્તા ક્યારે બન્યા છે. ડ્રેનેજની કાયમી સમસ્યા છે. ડ્રેનેજ લાઇનો લીકેજ થવાના કારણે રસ્તાઓ ઉપર દૂષિત પાણી ભરાઇ જાય છે. ક્યારેક ડ્રેનેજ મિશ્રિત પાણી પણ લોકોને પીવાનો વખત આવે છે.

ડ્રેનેજ, વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન, રસ્તા, અને સ્ટ્રીટ લાઇટોની સમસ્યા છે
સ્થાનિક અમરીષભાઇ પાઠકે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારને કોર્પોરેશન સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓ ક્યારે પૂરી પાડશે એ વિષે વિચારવાનું હાલ છોડી દીધું છે. મોટામાં મોટો અણારા વોર્ડ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે. પૂરતા પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી પાણી મળતું નથી. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવવાની સમસ્યાઓ છે. અનેક વખત દુષિત આવતા પાણીનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ, તે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. આજે પણ અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવે છે. પરિણામે લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે. કોર્પોરેશન દ્વારા પુરતો ટેક્ષ લેવામાં આવે છે. પરંતુ, તે સામે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. આ ઉપરાંત વિસ્તારમાં ડ્રેનેજ, વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન, રસ્તા, અને સ્ટ્રીટ લાઇટોની સમસ્યા છે.

અશાંત ધારાને લઇને આંદોલનની ચીમકી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં સારા રસ્તા શોધવા પડે તેવી સ્થિતી છે. મોટી સમસ્યા કોર્પોરેશન દ્વારા રોડ ઉપર ખોદકામ કરી ગયા પછી સમયસર તે જગ્યાએ રોડ બનાવવામાં આવતો નથી. પરિણામે તે રસ્તાઓ ઉપર જવું મુશ્કેલ થઇ જાય છે. પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલા કોર્પોરેશન દ્વારા વધુ એક સમસ્યા અમોને વિધર્મીઓને આવાસો ફાળવીને ઉભી કરી આપી છે. તે માટે અમારી લડત ચાલી રહી છે. અમારા વિસ્તારને અંશાત ધારામાં મૂકવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. અમારી આ મોટી સમસ્યા છે. અશાંતધારાનો પ્રશ્ન વહેલીતકે ઉકેલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વોર્ડ નંબર-10ના મતદારોની સંખ્યા

પુરુષ -45,236 સ્ત્રી -43,290 અન્ય -1 કુલ - 88,529

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો