તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમારા વોર્ડનું રિઝલ્ટ જોવા અહીં નીચે સ્ક્રોલ કરતા જાવ. તમે રિઝલ્ટને શેર પણ કરી શકશો.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 69 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠક જીતી શકી છે. આમ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે. વોર્ડ નં-2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 14, 15, 17, 18 અને 19માં ભાજપની પેનલની જીત થઈ છે અને વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં-6માં એકવાર રિકાઉન્ટિંગ કર્યાં બાદ ફરીથી રિકાઉન્ટિંગની માગ સાથે સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. જ્યાં પોલીસ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે.
22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ
વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. આ ઉપરાંત ભાજપના 22 વર્ષના યુવા પુરૂષ ઉમેદવાર શ્રીરંગ આયરેનો પણ વિજય થયો છે. વડોદરાના વોર્ડ નં-18માં સતત 34 વર્ષથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો પરાજય થયો છે. તેઓને અંતિમ રાઉન્ડમાં મતદાન મથક છોડીને રવાના થઈ ગયા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જવાબદારી સ્વીકારીને પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું છે.
અપસેટ - સ્થાયીના પૂર્વ અધ્યક્ષ સતિષ પટેલ હોમ ગ્રાઉન્ડ પર હાર્યા
પાલિકાની ચૂંટણીના અાજે જાહેર થયેલા પરિણામોમાં ભજપના દિગ્ગજ નેતા નર્મદા જિલ્લાના પ્રભારી અને સ્થાઇ સમિતિના પૂર્વ અધ્યક્ષ સતિષ પટેલની હાર થઇ હતી. સતિષ પટેલને વોર્ડ1 અેટલે કે, તેમના હોમ ટાઉન છાણી ગામમાં ટિકિટ અાપવામાં અાવી હતી. નવા સિમાંકનના કારણે સતિષ પટેલને વોર્ડ -2માંથી ચૂંટણી લડવાના બદલે વોર્ડ-1માંથી ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. અા વોર્ડમાં ગત ચૂંટણામાં કોંગ્રેસની પેનલ જીતી હતી, જે પૈકી ત્રણ ઉમેદવારો રિપીટ થવામાં સફળ થયા હતા અને ચોથા ઉમેદવારને બદલીને હાર્દિક પટેલના ચૂસ્ત ટેકેદાર હરીશ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ અાપવામાં અાવી હતી. અા વોર્ડની જવાબદારી ભાજપના સિનિયર ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાને અાપવામાં અાવી હતી. અા ચૂંટણીમાં સતિષ પટેલનો 3905 મતોથી પરાજય થયો હતો અને સમગ્ર પેનલ 1752 થી 4141 મતોની સરસાઇથી કોંગ્રેસ સામે હારી હતી.
નો રિપીટ - ભાજપ અને કોંગ્રેસના 5 રનિંગ કોર્પોરેટર ઘરભેગા
ચૂંટણી પરિણામોમાં બન્ને પક્ષના મળીને કૂલ 5 સિનિયર કોર્પોરેટરની હાર થઇ હતી. પાલિકાના નવા સિમાંકન અને બેઠક વ્યવસ્થામાં થયેલા ફેરફારના પરિણામે વોર્ડ-1માંથી ગત ચૂંટણી લડી કોર્પોરેટર બનેલા અતુલ પટેલને વોર્ડ -2માંથી ટિકિટ અાપવામાં અાવી હતી પરંતુ તેમનો ભાજપના યુવા ઉમેદવાર સામે 4139 મતોથી પરાજય થયો હતો. તેવી જ રીતે અગાઉ વોર્ડ 16માંથી કોંગ્રેસની પેનલમાંથી જીતેલા હેમાંગીની કોલેકરને ફોર્મ ભરવાની અાગલી રાત્રે કોંગ્રેસે વોર્ડ-14માંથી ટિકિટ અાપી હતી પરંતુ તેનો 7026 મતોથી પરાજય થયો હતો. અાજ રીતે વોર્ડ-1માં વોર્ડ-2ના પૂર્વ કોર્પોરેટર સતીષ પટેલ હાર્યા હતા. વોર્ડ 4ની ગત ચૂંટણીમાં અનામત બેઠક પરથી જીતેલા અનિલ પરમારને અા વખતે સામાન્ય બેઠક પર ચૂંટણી લડવી પડી હતી અને તેમનો 2514 મતોથી પરાજય થયો હતો. તેવી જ રીતે વોર્ડ-7માંથી કોંગ્રેસના જાગૃતિ રાણાનો 4704 મતોથી પરાજય થયો હતો.
ગઢમાં ગાબડું - કોંગ્રેસનો ‘ચિરાગ’ 34 વર્ષે બુઝાયો, આખી પેનલ ગઇ
પાલિકામાં સાૈથી વધુ વિવાદમાં રહેલી વોર્ડ 18ની ચારે બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી હતી. અા વોર્ડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો 34 વર્ષે પરાજય થયો હતો અને તેના કારણે તેમને ઘરે બેસવાનો વારો અાવ્યો છે. પાલિકામાં 1987થી ચૂંટણી જીતતા કોંગ્રેસના ચિરાગ ઝવેરી ડે.મેયર પણ રહી ચૂક્યાં છે. આ ચૂંટણીમાં ચિરાગ ઝવેરીનો ભાજપ પ્રવેશ નિશ્ચિત મનાતો હતો પરંતુ તેની સામે ભાજપમાંથી જ ભારે વિરોધનો વંટોળ ઉભો થતાં પ્રવેશ અટક્યો હતો.બીજી તરફ કોંગ્રેસમાં વિરોધ વચ્ચે પ્રદેશ મોવડી મંડળે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેને ટિકિટ અાપી મનગમતી પેનલ પણ અાપી હતી. માંજલપુર વિધાનસભામાં કોંગ્રેસની માત્ર અેક જ બેઠક છે તેઅો ચિરાગ ઝવેરી તરફ અંગુલી નિર્દેશ મંત્રી યોગેશ પટેલે જાહેરસભામાં કર્યો હતો અને રાવણ તો છેલ્લે જ હણાય તેવું નિવેદન પણ કર્યું હતું. ચિરાગ ઝવેરીઅે નવા સિમાંકનનનું કારણ અાગળ ધર્યું હતું.
બૂથ પર અેન્ટ્રીના વિવાદ બાદ સાંસદને મત ગણતરી કેન્દ્રમાં જતાં અટકાવાયાં
મતદાનના દિવસે કાર્ડ વિના બૂથમાં સાંસદ પ્રવેશતા હોબાળો થયો હતો. ત્યાર બાદ મંગળવારે પોલિટેકનીક કોલેજ પર મત ગણતરી કેન્દ્રમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટને તેમની પાસે કાર્ડ ન હોવાના કારણે અંદર જતાં અટકાવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ફેર મતગણતરીની માગણી કરીને હોબાળો મચાવ્યો
વડોદરાના વોર્ડ નં-6ની મતગણતરી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ફેર મતગણતરીની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસ દોડી ગઈ હતી. છેવટે વોર્ડ નં-6માં ફેર મતગણતરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરેએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં 18 હજાર લઘુમતી અને સ્લમ વિસ્તારના મતદારો હોવા છતાં ત્યાં ભાજપના ઉમેદવારોને 4-4 મતો મળી રહ્યા છે, જે બાબત શંકા ઉપજાવે છે. આ ઉપરાત એનસીપીના ઉમેદવાર દેવયાની પરમારે પણ આક્ષેપો કર્યાં હતા અને ન્યાય નહીં મળે તો ફિનાઈલ પીને મરી જઈશ તેવી ધમકી આપી હતી. ભાજપ અગ્રણી કેતન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શરૂઆતથી જ ભાજપને લીડ મળી હતી. જેથી હાર જોઇ જતા આક્ષેપો કર્યાં છે, જે આક્ષેપો કર્યાં છે, તે ખોટા છે.
વોર્ડ નં-16માં 2 બેઠક પર ભાજપ અને બે પર કોંગ્રેસનો વિજય થયો
વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. જ્યારે ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વોર્ડ નં-14માં કોંગ્રેસના કાઉન્સિલર હેમાંગિની કોલેકરનો પરાજય થયો છે. તો વોર્ડ નં-13માં કોંગ્રેસના બાળુ સુર્વે સતત ત્રીજી વખત જીત્યા છે. વોર્ડ નં-7માં કોંગ્રેસના સિટીંગ કોર્પોરેટર જાગૃતિ રાણા અને વોર્ડ નં-4માં કોંગ્રેસના સિટીંગ કોર્પોરેટર અનિલ પરમારનો પરાજય થયો છે. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ સમયે એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.
કોંગ્રેસ ડબલ ફિગરમાં પણ નહીં આવેઃ સી.આર. પાટીલ
કોંગ્રેસના હારેલા ઉમેદવાર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, સીમાંકનને કારણે મારી હાર થઈ છે અને કોંગ્રેસની બેઠકો ઘટી છે. વડોદરામાં આવેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડબલ ફિગરમાં પણ નહીં આવે. બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું મિશન 76નું સપનુ અધુરુ રહ્યું છે
પરિણામની જવાબદારી લઈને વડોદરામાં કોંગ્રેસ 13 હોદ્દેદારોના રાજીનામા
અમિત ઘોટીકર-પ્રવક્તા
રાજેશ પટેલ(બાદશાહ)-મહામંત્રી
હર્ષલ અકોલકર-મહામંત્રી
વિકી શાહ-મહામંત્રી
અમર ઢોમસે-ઉપપ્રમુખ
દેવાંગ ઠાકોર-માજી એન.એસ.યુ.આઈ પ્રમુખ
મિતેષ ઠાકોર-યુથ કોંગ્રેસ મહામંત્રી
જૈમીન ચૌહાણ-મંત્રી
તીર્થ બ્રહ્મભટ્ટ-વોર્ડ 14 પ્રમુખ
હેરી ઓડ-વોર્ડ 3 પ્રમુખ
અનિલ પરમાર-મહામંત્રી
અજય સાટિયા-વોર્ડ 4 પ્રમુખ
અજય પટની-મંત્રી
પોલિટેકનિક કોલેજ પરિણામ જાણવા માટે બહાર લોકોના ટોળા ઉમટ્યા
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી ત્રણ રાઉન્ડમાં થશે, ત્યારે પોલિટેકનિક કોલેજ પરિણામ જાણવા માટે બહાર લોકોના ટોળા ઉમટ્યા છે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રની બહાર ઉમટ્યા છે.
પોલિટેકનિક કોલેજ બહાર પરિણામો જાણવા માટે સ્ક્રીન મૂકાઈ
પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3, 6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. પોલિટેકનિક કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે LED સ્ક્રીન મૂકવામાં આવી છે.
તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના સ્ટ્રોંગ રૂમમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવી છે. પરિણામે તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એક સાથે તમામ વોર્ડના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ટ્રાફિક ડાયવર્ઝન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
વડોદરા શહેર પોલીસ કમિશનરે આજે સવારે 5 વાગ્યાથી મતગણતરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલિટેકનિક કેમ્પસ ખાતે તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે સવારે 5 વાગ્યાથી મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ફતેગંજ બ્રિજ તેમજ ફતેગંજ સર્કલથી પંડ્યા બ્રિજ નીચેના રોડની બંને સાઇડ સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન રહેશે. તમામ પ્રકારના ટ્રાફિક ડાયવર્ઝન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, તે અનુસરવાની રહેશે. મતગણતરીની કામગીરીમાં જોડાયેલા વાહનો(પાસધારકો) તથા એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, પોલીસના વાહનો તથા ઇમરજન્સી સેવામાં જતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો
પોલિટેકનિક કોલેજ કમ્પાઉન્ડની દિવાલની 200 મીટરની વિસ્તારના ઘેરાવમાં સવારે 7 વાગ્યાથી પ્રતિબંધિત વિસ્તાર રહેશે. મતગણતરી સમયે સુલેહ શાંતિ જળવાઇ રહે, ચૂંટણી પ્રક્રિયા ન્યાયી, મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં અને કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. મતગણતરી શરૂ થાય તે સમયથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી મતગણતરી બિલ્ડીંગના કમ્પાઉન્ડની દિવાલની આજુબાજુમાં 200 મીટર ઘેરાવામાં મોબાઇલ તથા સેલ્યુલર ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે. તેમજ મોબાઇલ લઇને હરવા ફરવા કે સાથે લઇને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.
વોર્ડ નંબર | મતદાન(ટકાવારીમાં) |
વોર્ડ નં-1 | 55.21 |
વોર્ડ નં-2 | 47.76 |
વોર્ડ નં-3 | 47.70 |
વોર્ડ નં-4 | 51.38 |
વોર્ડ નં-5 | 48.45 |
વોર્ડ નં-6 | 48.91 |
વોર્ડ નં-7 | 45.86 |
વોર્ડ નં-8 | 45.28 |
વોર્ડ નં-9 | 45.44 |
વોર્ડ નં-10 | 48.47 |
વોર્ડ નં-11 | 42.55 |
વોર્ડ નં-12 | 47.87 |
વોર્ડ નં-13 | 48.21 |
વોર્ડ નં-14 | 46.24 |
વોર્ડ નં-15 | 44.90 |
વોર્ડ નં-16 | 50.78 |
વોર્ડ નં-17 | 43.19 |
વોર્ડ નં-18 | 52.37 |
વોર્ડ નં-19 | 49.60 |
કુલ મતદાન | 47.84 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.