વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે સુરતથી આવેલ બંછાનિધિ પાનીએ વડોદરામાં પોતાના પદ પર ચાર્જ સંભાળ્યા બાદ ઘણા ફેરફાર શરૂ કર્યા છે. જેમાં આજે મુલાકાતીઓ માટે અઠવાડિયામાં એક દિવસનો સમય તેવું બોર્ડ તેમની ઓફિસની બહાર લાગ્યું હતું. જો કે ત્યારબાદ વિવાદ સર્જાય તેવી આશંકાને જોતા ફરી મુલાકાતનો સમય બે દિવસનો કરી દેવામાં આવ્યો છે.
સોમવારે બપોર બાદ મુલાકાતનું બોર્ડ લાગ્યું હતું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા તાજેતરમાં જ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલની બદલી સુરતના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અને સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની બદલી વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી હતી. બંછાનિધિ પાનીએ વડોદરામાં પોતાના પદનો ચાર્જ સંભાળી લીધો છે અને તેઓ કોર્પોરેશનની વિવિધ શાખાઓની મુલાકાતો લઇ જરૂરી સૂચનો પણ આપી રહ્યા છે. ત્યારે આજે કોર્પોરેશન ખાતે તેમની ઓફિસ બહાર નવું બોર્ડ લાગ્યું હતું કે 'મુલાકાતનો સમય સોમવાર સાંજે 3: 30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી. આપનો પણ ક્રમ આવશે જે, કૃપયા પ્રતિક્ષા કરશો.' અત્રે ઉલ્લેખનીય કે અગાઉ વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરને નાગરિકોને મળવાનો સમય અઠવાડિયામાં બે દિવસ સોમ અને ગુરૂવાર હતો. જે બોર્ડને આજે હટાવી લેવામાં આવ્યું હતું અને તેના સ્થાને એક દિવસે મુલાકાતનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું.
મ્યુ. કમિશ્નર અગાઉની પ્રથા અનુસાર મળશે: PRO
જો કે સમય ઘટાડવા અંગેના નિર્ણયથી ચૂંટણી ટાણે જ વિવાદ સર્જાઇ શકે છે તેવી આશંકા આવતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના PRO અભિષેક પંચાલ દ્વારા મીડિયાકર્મીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશ્નર અગાઉથી પ્રથા મુજબ સોમવાર અને ગુરુવાર એમ બે દિવસ નાગરિકોને મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.