• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vishwamitri Riverfront Project In Vadodara Has Been Discharging Contaminated Water Into Palika River On Paper Only For 13 Years, Now It Will Spend Rs 551 Crore In The Name Of Purification.

ક્યારે બનશે રિવરફ્રન્ટ?:વડોદરાની પ્રજાના રૂ.1 કરોડથી વધુ ખર્ચ્યા પછી પણ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 13 વર્ષથી માત્ર કાગળ પર, હવે શુદ્ધીકરણના નામે 551 કરોડ ખર્ચશે

વડોદરા15 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • અમદાવાદ, સુરતમાં રિવરફ્રન્ટ બન્યા, પણ વડોદરામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દીધો
  • છેલ્લાં બે-ત્રણ બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અદૃશ્ય કરી દેવાયો છે
  • આગામી બે વર્ષ સુધી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બને એવી કોઇ શક્યતા નથીઃ મેયર

રાજ્યમાં અમદાવાદમાં સાબરમતી નદી અને સુરતમાં તાપી નદી ઉપર રિવરફ્રન્ટ બની ગયો છે. હવે રાજકોટમાં આજી નદી ઉપર રિવરફ્રન્ટ બનવા જઇ રહ્યો છે, પરંતુ, વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લાં 25 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના શાસકો શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર ક્યારે રિવરફ્રન્ટ ક્યારે બનાવશે એ નક્કી નથી. રિવરફ્રન્ટના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખનાર પાલિકાના શાસકો હવે વિશ્વામિત્રી શુદ્ધીકરણના નામે રૂપિયા 551 કરોડ ખર્ચવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટ પછી પણ વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ ક્યારે બનશે એ નક્કી નથી. સપનાં બતાવી વોટ લેવામાં માહેર ભાજપના શાસકોને ખબર નથી કે અમે વડોદરાના લોકોને વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટનું બતાવેલું સપનું ક્યારે પૂરું કરી શકીશું.

છેલ્લાં બે-ત્રણ બજેટમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અદૃશ્ય થયો
વડોદરા શહેરની મધ્યમાંથી 17 કિમી લાંબી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. વડોદરાના તત્કાલીન મેયર બાલક્રૃષ્ણ શુક્લએ અમદાવાદનો રિવરફ્રન્ટ જોયા બાદ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ લાવ્યા હતા. એ સમયે અંદાજે રૂપિયા 1 કરોડનો ખર્ચ કરીને વિશ્વામિત્રીના પટને પહોળા કરવાની પણ કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. કન્સલટન્ટને પણ લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ત્યાર બાદ દરેક બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લાવવામાં આવતો હતો અને પાલિકા સહિતની ચૂંટણીઓમાં વોટ લેવામાં આવતા હતા. છેલ્લાં બે-ત્રણ બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અદૃશ્ય કરી દેવામાં આવ્યો છે.

પ્રજાના વેરાનાં નાણાંનો માત્ર દુરુપયોગ થયો
નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લાં 25 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના શાસકોએ સ્માર્ટસિટી અંતર્ગત અનેક સપનાં શહેરીજનોને બતાવ્યાં છે, પરંતુ એકપણ પ્રોજેક્ટમાં શાસકોને સફળતા મળી નથી. કોર્પોરેશનના શાસકો દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જાહેરાતો કર્યા પછી એનો અમલ કરવામાં આવતો નથી, એટલે કે કોર્પોરેશનના સ્માર્ટસિટી અંતર્ગતના પ્રોજેક્ટો કાગળ પરના ઘોડા સાબિત થયા છે. પ્રજાના વેરાનાં નાણાંનો માત્ર ને માત્ર દુુરુપયોગ થયો છે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ઊડીને આંખે વળગે એવો એકપણ પ્રોજેક્ટ સફળ થયો નથી. એક એવો વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હતો, જે ઊડીને આંખે વળગે એવો હતો. એ પ્રોજેક્ટ પણ નજીકના ભવિષ્યમાં પૂરો થાય એવી કોઇ શક્યતાઓ જણાતી નથી.

સરકાર 30 ટકા નાણાં આપશે તો જ પ્રોજેક્ટ શક્ય બનશે
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં કોર્પોરેશન દ્વારા જ દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ બનાવવાના પ્રોજેક્ટ માટેની કામગીરી શરૂ કરતાં પહેલાં વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા સુએઝના પાણી રોકવા માટે રૂપિયા 551 કરોડનો ખર્ચ કરવા જઇ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં છોડાતું સુએઝનું પાણી એક સ્થળે સ્ટોર કરી, એને શુદ્ધ કરી પુનઃ વિશ્વામિત્રીમાં છોડવા માટે રૂપિયા 551 કરોડ ખર્ચ કરવા જઇ રહ્યું છે. વિશ્વામિત્રી નદી શુદ્ધ કર્યા બાદ રિવરફ્રન્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે આ આયોજન પછી પણ કોર્પોરેશન સફળ થશે કે કેમ એ એક પ્રશ્ન છે, કારણ કે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી શુદ્ધીકરણ માટે બનાવવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત જો સરકાર દ્વારા 30 ટકા નાણાં કોર્પોરેશનને આપશે તો જ શક્ય બનશે અને સરકાર એ નાણાં કેવી રીતે અને કેટલા તબક્કામાં આપે છે એ પણ અગત્યનું છે.

નદી કિનારાની આસપાસની સોસાયટીઓનાં દૂષિત પાણી છોડાય છે.
નદી કિનારાની આસપાસની સોસાયટીઓનાં દૂષિત પાણી છોડાય છે.

પાલિકા સુએઝનું ગંદું પાણી છોડી નદીને પ્રદૂષિત કરે છે
નોંધનીય છે કે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢની તળેટીમાંથી નીકળીને વડોદરા સુધી પહોંચે છે, ત્યારે તેના માર્ગમાં આવતા ઉદ્યોગો દ્વારા પણ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વિશ્વામિત્રી વડોદરામાં પહોંચે છે ત્યારે નદી કિનારાની આસપાસમાં આવેલી સોસાયટીઓ અને કિનારાની ઝૂંપડપટ્ટીઓનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. એ તો ઠીક, ખુદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએઝનું પાણી વરસાદી કાંસ દ્વારા છોડવામાં આવી રહ્યું છે. રાત્રિ બજાર અને મુજમહુડા પાસેથી છોડાતું સુએઝનું પાણી એનો બોલતો પુરાવો છે. જોકે હવે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી શુદ્ધીકરણનું રૂપાળું નામ આપીને નદીમાં છોડાતું સુએઝનું પાણી જતું અટકાવવા માટે રૂપિયા 551 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે અંગેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

દબાણોને કારણે નદીનો પટ પણ સાંકડો થઈ ગયો છે
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાનાં સપનાં બતાવનાર પાલિકાના શાસકો નદી પટમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવેલાં દબાણો દૂર કરાવવામાં પણ ઊણા ઊતર્યા છે. વિશ્વામિત્રી નદીના પટમાં થયેલાં દબાણોને કારણે નદીનો પટ પણ સાંકળો થઇ ગયો છે. પરિણામે, નદીમાં વસવાટ કરતા મગરો આસપાસની સોસાયટીઓમાં ઘૂસી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં નદીની આસપાસમાં રહેતા સોસાયટીના રહીશોને સતત મગરોની દહેશત વચ્ચે રહેવું પડે છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએઝનું પાણી વરસાદી કાંસ દ્વારા છોડવામાં આવી રહ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએઝનું પાણી વરસાદી કાંસ દ્વારા છોડવામાં આવી રહ્યું છે.

પાલિકાએ કંપનીને 1 કરોડ રૂપિયાથી વધુ ફી ચૂકવીઃ અધિકારી
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે અત્યારસુધી કેટલો ખર્ચ કરવામાં આવ્યો ? એવા એક પ્રશ્નના જવાબમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના અધિકારી ધીરેન તળપદાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ માટે વિશ્વામિત્રી નદીનો કન્સલ્ટિંગ કંપની પાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. જે કંપની દ્વારા રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. કંપનીને રૂપિયા 1 કરોડ ઉપરાંતની ફી ચૂકવવામાં આવી હતી. કન્સલટન્ટ કંપની દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ સામે પર્યાવરણવિદ દ્વારા વર્ષ-2016માં મનાઇહુકમ લાવવામાં આવતાં છેલ્લાં 5 વર્ષથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ બંધ હતું. તાજેતરમાં નદીની સફાઇ કરવામાં આવી હતી, જેની પાછળ રૂપિયા 8 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ અંગે હાલ ઓન પેપર કામગીરી ચાલી રહી છે. ફિઝિકલી કામગીરી બંધ છે.

પ્રેઝન્ટેશન બનાવી 10 કરોડ વાપરી નાખ્યાઃ વિપક્ષના નેતા
વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે ભાજપના શાસકોએ વડોદરાના લોકોને બતાવેલાં સપનાં અંગે પાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે વડોદરા મહાપાલિકાનો વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વર્ષ-2009માં 'ગોલ્ડન ગોલ' તરીકે લાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માત્ર ઓન પેપર છે. વિશ્વામિત્રી રિવરફ્રન્ટ અંગેનું એકપણ પ્રપોઝલ સરકારમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું નથી. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નામે પ્રચાર-પ્રસાર કરી, પ્રેઝન્ટેશનો બનાવી રૂપિયા 10 કરોડ વાપરી નાખ્યા છે. હાલમાં જે વિશ્વામિત્રી શુદ્ધીકરણની વાત કરવામાં આવી રહી છે એ તો કોર્પોરેશન દ્વારા "નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન" (એન.આર.સી.) હેઠળ ફરજિયાત કરવાની જ છે. રિવરફ્રન્ટને અને વિશ્વામિત્રી શુદ્ધીકરણ પ્રોજેક્ટને કોઇ લેવા-દેવા નથી. ભાજપના શાસકોએ વડોદરાના લોકોને વિશ્વામિત્રી રિવરફ્રન્ટનાં માત્ર સપના બતાવીને વોટ લેવાનું કામ કર્યું છે.

પાલિકાના શાસકો હવે વિશ્વામિત્રી શુદ્ધીકરણના નામે રૂપિયા 551 કરોડ ખર્ચવા જઇ રહ્યા છે
પાલિકાના શાસકો હવે વિશ્વામિત્રી શુદ્ધીકરણના નામે રૂપિયા 551 કરોડ ખર્ચવા જઇ રહ્યા છે

બે વર્ષ સુધી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બને એવી કોઇ શક્યતા નથીઃ મેયર
વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાનું વડોદરાના લોકોને ભાજપે બતાવેલું સપનું ક્યારે પૂર્ણ થશે ? એવા એક પ્રશ્નના જવાબમાં મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે આગામી બે વર્ષ સુધી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બને તેવી કોઇ શક્યતા નથી. આ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ આવનારાં કેટલાં વર્ષોમાં બનશે એ કહેવું હાલ મુશ્કેલ છે. હાલમાં વિશ્વામિત્રી નદીમાં છોડાતું દૂષિત પાણી બંધ કરીને એ પાણી શુદ્ધ કરીને પુનઃ વિશ્વામિત્રી નદીમાં છોડવાનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંદાજે રૂપિયા 500 કરોડનો છે. આ ખર્ચ માટે સરકાર પાસે મદદ માગવામાં આવી છે.

વિશ્વામિત્રી નદી ગટર નદી બની ગઇ છેઃ સામાજિક કાર્યકર
પાલિકાના શાસકોએ વડોદરાના લોકોને શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટના બતાવેલાં સપનાં અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ માટે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માત્ર ને માત્ર દૂધ દેતી ગાય જેવો છે. આવનારાં 25 વર્ષ પછી પણ વડોદરાના લોકોને વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ મળે એવી કોઇ શક્યતા નથી, કારણ કે કોર્પોરેશન દ્વારા જે વરસાદી કાંસ બનાવવામાં આવે છે એનો ઉપયોગ ગટરલાઇન તરીકે કરવામાં આવી રહ્યો છે અને એ ગટરોનું પાણી સીધેસીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પરિણામે, વિશ્વામિત્રી નદી ગટર નદી બની ગઇ છે.

છેલ્લાં બે-ત્રણ બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અદૃશ્ય કરી દેવામાં આવ્યો છે.
છેલ્લાં બે-ત્રણ બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અદૃશ્ય કરી દેવામાં આવ્યો છે.

પહેલા નદીને સાફ કરવી જોઇએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી શુદ્ધીકરણ માટે લાવવામાં આવેલો પ્રોજેક્ટ પણ ભ્રષ્ટાચાર આચરીને નાણાં ભેગાં કરવાનો છે. તેવા આક્ષેપ સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા નદી ઉત્સવો ઊજવવામાં આવી રહ્યા છે. એ સામે અમે આસપાસમાં આવેલી નદીના કિનારે જઇ આરતી ઉતારવાના કાર્યક્રમો કરી રહ્યા છે અને સરકારને પહેલા નદીઓ સાફ કરવા માટે અપીલ કરવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...