વડોદરામાં વિદેશ મોકલવાના નામે 4 લોકો પાસેથી 36 લાખની ઠગાઇ કરનાર આરોપી સાગર પટેલની પોલીસે ધરપકડ કરી છે. જોકે, સાગર પટેલની પત્ની ઝીલ પટેલ હજુ પોલીસ ધરપકડથી દૂર છે.
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટિસ હાઇટ્સમાં સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સના વડોદરાના માલિક ઝીલ સાગર પટેલ અને સાગર પટેલ (રહે. હરણી, વડોદરા)એ આણંદના વિદ્યાનગર ખાતે રહેતી બિન્તા પટેલને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવાની ખાતરી આપી હતી. આ માટે આરોપીઓએ જુલાઇ 2021થી જાન્યુઆરી 2022 સુધીમાં 9 લાખ 15 હજાર રૂપિયા લીધા હતા. આમ છતાં ઝીલ અને સાગર પટેલે વિદ્યાર્થીનીને યુ.કે.ની ડર્બી યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યું ન હતું.
ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જેથી બિન્તા પટેલે જ્યારે પોતાના રૂપિયા પરત માંગ્યા તો વિઝા કન્સલ્ટન્ટે રૂપિયા પરત આપ્યા ન હતા. તેમજ જણાવ્યું હતું કે, અમારી ઓફિસે આવવું નહીં અને જો આવશે તો અમારે સારી ઓળખાણ છે તેમ કહી ઉદ્ઘતાઇભર્યું વર્તન કર્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય અન્ય ત્રણ વ્યક્તિઓના 27 લાખ 58 હજાર રૂપિયા પણ વીઝા નામે ઝીલ અને સાગર પટેલે ઠગી લીધા હતા. જેથી વીઝાના નામે યુવતી સહિતના લોકો સાથે કુલ 36 લાખ 74 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઝીલ અને સાગર પટેલ સામે નોંધાઇ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાગર પટેલની ધરપકડ કરી લીધી છે
સાગરને ભરોસે જલ્પા અને પતિએ નોકરી છોડી શોપિંગ કરી લીધું
અમે જયપુરમાં સાથે ભણ્યા હતા એટલે સાગરના બેકગ્રાઉન્ડથી હું વાકેફ હતી એટલે ભરોસો મુકી 11.94 લાખ આપ્યા હતા. જાન્યુઆરી-21માં સાગરને મળ્યા બાદ 3 માસમાં પ્રોસેસ થવા લાગ્યો હતો. 25 દિવસમાં ટિકિટ લેવા અને શોપિંગ કરવાનું પણ કહ્યું હતું જેથી દોઢ લાખ રૂપિયાનું શોપીંગ કર્યું હતું. કુલ ખર્ચ રૂ.17 લાખ થયો હતો. અમે પતિ-પત્નીએ નોકરી પણ છોડી દીધી હતી. અમને શક લાગતાં અમે પૈસા માંગવાનું શરુ કરતાં તે ધમકી આપવા લાગ્યો હતો. મારા પિતાનું નિધન થયું છે અને મારી માતા કેન્સરગ્રસ્ત છે. અમે વટાણાં ફોલીને પૈસા ભેગા કર્યા હતા. મારી માતાએ કેન્સરના સારવારના પૈસા મને વિદેશ મોકલવા આપ્યા હતા. સાગરને કહ્યું હતું કે તું પુરા પૈસા ના આપે તો કાંઇ નહી અડધા તો આપ નહીં તો મરવાનો વારો આવશે. > જલ્પા એસ.પટેલ , ભોગ બનનાર યુવતી
સાગરે 10 લાખ ઠગી 20 લાખની નોટિસ આપતાં યુવકના પિતાનું આઘાતથી મોત
સાગર પટેલે લાખો રૂપિયા પડાવી ઉમેદવારોને વિદેશ નહી મોકલતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે પણ ઉમેદવારોની ઉઘરાણીથી બચવા સાગર પટેલે પૈસા પાછા લેવા આવનાર લોકોને લીગલ નોટિસ આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વિદેશ મોકલવા માટે 30 લાખનો કરાર થયો હતો તે પૈકી 20 લાખ હજુ આપવાના બાકી છે, તેમ કહી નોટિસ મોકલી હતી. આ નોટિસ પહોંચતાં આઘાતથી એક ઉમેદવારના પિતાનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.