હરિભક્તોમાં ચર્ચા:23 વર્ષ પૂર્વે હરિપ્રસાદ સ્વામીના હસ્તે દીક્ષા લેનાર વિરક્ત સ્વામીએ હરિધામ ત્યજ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતો દ્વારા વિરક્ત સ્વામીને માનસિક ત્રાસ અપાતો હોવાની હરિભક્તોમાં ચર્ચા
  • પ્રબોધ સ્વામી જૂથ 22મીએ ગુરુભક્તિ મહોત્સવ ઊજવી શક્તિ પ્રદર્શન કરશે

હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે જ સ્વામીજીના હાથે દીક્ષા ગ્રહણ કરનારા વિરક્ત સ્વામીજીએ હરિધામ છોડી દીધું છે. મંદિરમાં કેટલાક સંતો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના કારણે જ વિરક્ત સ્વામીજીએ હરિધામ છોડ્યું હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. વિરક્ત સ્વામી પ્રબોધ સ્વામીને ખૂબ માનતા હતા, પરંતુ હરિપ્રસાદ સ્વામીમાં આસ્થા રાખનારા સંતે હરિધામમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, 27 એપ્રિલના રોજ ગુણાતિત ચરણદાસ સાધુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ યુવા સંતે હરિધામ છોડતાં વિવાદનો વધુ એક મધપૂડો છેડાયો છે. હરિભક્તોએ જણાવ્યું હતું કે, વિરક્ત સ્વામીજી સુરત પાસેના છે. તેમણે 1999માં દીક્ષા લીધી હતી. જોકે હાલ વિરક્ત સ્વામીજીએ પોતે કેમ હરિધામ મંદિર છોડ્યું તેના પર કાંઈ પણ બોલવાની ના પાડી હતી.

હરિધામ સોખડામાં 10 હજાર કરોડની સત્તાની લડાઈમાં આખરે 11 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીના 88મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે પ્રેમસ્વરૂપ સ્વામીને ચાદર ઓઢાડીને સિંહાસન પર બિરાજમાન કરી દેવાયા હતા. સોખડામાં પ્રાગટ્યોત્સવ મહોત્સવમાં 10 હજારથી વધુ હરિભક્તોએ હાજરી આપીને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.

પ્રેમસ્વરૂપ સ્વામીના શક્તિ પ્રદર્શન સામે પ્રબોધ સ્વામી જૂથ દ્વારા પણ 22 મેના રોજ લેપ્રસી મેદાન ખાતે હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે ગુરુભક્તિ મહોત્સવ ઊજવવામાં આવશે. આ ગુરુભક્તિ મહોત્સવમાં 51 હજારથી પણ વધુ હરિભક્તોને ભેગા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...