વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં લગ્નના વરઘોડામાં નાચવા બાબતેની તકરારમાં ટોળાએ પથ્થરમારો કરી દંડા વડે માર મારતા 5 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરિયાદના આધારે હરણી પોલીસે 10 શખસ વિરૂદ્ધ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગુજરાત ટ્રેક્ટર કંપની પાસે રહેતો દર્શન પંચાલ ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને તેના પિતા ચીમનભાઈ શાકભાજીની લારી ચલાવે છે. દર્શન પંચાલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે હું મિત્રના લગ્ન પ્રસંગ હોવાથી જાનમાં ખોડિયારનગર સ્થિત વ્હાઇટ વુડાના મકાન ખાતે પરિવાર સાથે ગયો હતો. વરઘોડામાં ડાન્સ સમયે ધક્કામુક્કી થતાં મારા પિતા જમીન પર પટકાયા હતા. જેથી જે લોકોએ ધક્કામુક્કી કરી હતી તેની સાથે મારા પિતાની બોલાચાલી થઈ હતી. આ દરમિયાન શખસોએ મારા પિતાને ગડદાપાટુનો માર માર્યો હતો.
બનાવની જાણ થતા હું પણ ત્યાં દોડી ગયો હતો. જ્યાં કેટલાક લોકો હાથમાં દંડા સાથે ઊભા હતા અને ઉશ્કેરાઇને અપશબ્દો બોલી અમારી ઉપર પથ્થરમારો કરી દંડા વડે હુમલો કર્યો હતો. જેમાં મને, મારા પિતાને તથા મારા મિત્ર સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી. પોલીસ આવી જતાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ દરમિયાન હુમલાખોરોમાં રાહુલ ભીમાભાઇ સોલંકી, સૂર્યા ગબ્બર સોલંકી, ભરત ગબ્બર સોલંકી તથા કરણ ગબ્બર સોલંકીની ઓળખ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.