હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં શુક્રવારથી યોજાવાનો છે. આ શો અંતર્ગત આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી. જેમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 75 કાર સામેલ થઈ હતી.
આ વિશાળ કાર ડ્રાઈવમાં હેરિટેજ કાર્સની એન્ટ્રી અને જમાવડાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર્યટકોને આશ્ચર્ય ચકિત કરીને પર્યટકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી કાર હતી, જે પર્યટકોએ પહેલી વાર જોઈ હતી. આવા આયોજનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાનિકો સહિત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે.
પર્યટનને પ્રોત્સાહન
આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ રેલીમાં જોડાઈ હતી.
ઉદ્યોગપતિઓની ગાડીઓ
આ ઉદ્યોગપતિઓમાં ગૌતમ સિંઘાનિયા( પેકાર્ડ 1107 કૂપ રોસ્ટર), હર્ષ પતિ સિંઘાનિયા, હર્ષવર્ધન રૂઇઆનો સમાવેશ થાય છે. દિલ્હીના જાણીતા એડવોકેટ અને કાર કલેક્ટર દિલજિત ટિટસની પણ કાર આ રેલીમાં જોડાઈ. આ ઉપરાંત ગુજરાતની પણ કેટલીક કાર્સ, જેમાં જામનગરના ડી.એમ.જાડેજાની સનબીમ રેપિયર, એન.કે. પટેલ, જતીન પટેલની કાર્સ પણ જોડાઇ હતી. આ ઉપરાંત 1938ની રોલ્સ રોયસ, 1948ની હમ્બર, 1936ની ડોજ-ડી-2 આ હેરિટેજ કાર રેલીમાં સામેલ થઈ, જેનું પ્રસ્થાન વડોદરના પોલીસ કમિશનર શમશેર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરના પોલીસ કમિશનર શમશેર સિંહે જણાવ્યું હતું કે આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી બધી એવી કાર છે, જે મેં પણ પહેલીવાર જોઈ છે.
90 કિમીનું અંતર કાપીને રેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચી
મદનમોહને વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી પ્રસ્થાન કરી 90 કિલોમીટરનું અંતર કાપીને આ રેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચી છે. વિશ્વના 27 દેશોથી આવેલા 35 જજીસ, તેમના પ્રતિનિધિ તેમજ દેશના ખૂણે-ખૂણાથી આવેલી આ વિશેષ કાર્સ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં પહોંચી છે. જે પર્યટન ક્ષેત્રે એક અલગ જ કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. જેને વધુ પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન કર્યુ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરનું આ મનમોહક દ્રશ્ય વિશ્વભરને એકતાનો સંદેશો પહોંચાડશે.
લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે 6થી 8 જાન્યુઆરી કાર પ્રદર્શન
કાર રેલીના આયોજક અને દેશના જાણીતા હેરિટેજ કાર કલેક્ટર મદનમોહને જણાવ્યું હતું કે આ રેલી કેવડિયા ખાતે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફરશે. જ્યાર બાદ 6થી 8 જાન્યુઆરી આ ગાડીઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે લોકોને જોવા મળશે.
75 વિન્ટેજ કારની પરેડ દર્શાવી
21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર રેલીમાં ઐતિહાસિક ડ્રાઇવમાં હેરિટેજ કાર ધરાવનાર ઉદ્યોગપતિ તથા રાજવી પરિવાર કે તેમના સબંધીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં વિન્ટેજ કાર ડ્રાઈવના આયોજનની સરાહના કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અહીં 75 વિન્ટેજ કારની પરેડ દર્શાવવામાં આવી હતી.
સૌથી જૂની કાર 1902ની છે
આ પ્રદર્શનમાં 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, 1932ની લોન્સિયા અસ્ટુરા પિનિનફેરિના, 1930ની કેડિલેક વી-16, 1928ની ગાર્ડનર વગેરે કાર જોવા મળશે. હેરિટેજ કાર્સમાં અમેરિકા, સ્વિટઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સથી આવેલી કાર્સ સામેલ થશે. જેમાં વેટરન અને એડવાર્ડિયન ક્લાસની દુર્લભ કાર જેમાં કોન્ફોર્સમમાં ભાગ લેતી સૌથી જૂની કાર 1902ની છે. આ કેન્ફોર્સમાં યુદ્ઘ પહેલાની અમેરિકન, યુરોપિયન તેમજ વિશ્વ યુદ્ઘ બાદની રોલ્સ રોયસ અને બેન્ટલી વિન્ટેજ બ્યુટીઝ, પ્લોબોય કાર, બોલિવુડ, ટોલિવુડ, મોલિવુડ અને ઘણી બધી સ્પેશિયલ કારનો સમાવેશ થાય છે.
કઈ કઈ હેરિટેજ કાર સામેલ થઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.