તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મશાલ યાત્રા:1971ના યુદ્ધના 50માં વિજય વર્ષની ઉજવણી લઇને દેશભરમાં નીકળેલી વિજય મશાલનું વડોદરામાં સ્વાગત, ભારત-પાક યુદ્ધના યોદ્ધાઓએ સલામી આપી

વડોદરા23 દિવસ પહેલા
1971ના ગૌરવશાળી યુદ્ધ વિજયને વધાવવા દેશની ચાર દિશાઓમાં ચાર વિજય મશાલો હાલમાં ફરી રહી છે
  • વડોદરામાં 3 દિવસના કાર્યક્રમો પછી વિજય મશાલને કેવડિયા ખાતે લઇ જવાશે

ભારતીય સેનાની શૂરવીરતાથી પાકિસ્તાનના 93 હજાર સૈનિકોના આત્મસમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા 1971ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા ચાર વિજય મશાલ દેશની સૈનિક છાવણીઓ અને શહેરોની મુલાકાત લઈ રહી છે. ભારત સરકાર દ્વારા 2020માં યુદ્ધ પુરુ થયાની તારીખ 16 ડિસેમ્બરથી 50માં વિજય વર્ષની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વિજય મશાલ યાત્રાના દુમાડ ચોકડીથી વડોદરા શહેરમાં પ્રવેશ સમયે આદરપૂર્વક સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવના પ્રતીકરૂપ વિજય આવકાર આપવામાં આવ્યો હતો અને માંજલપુર સ્થિત વડોદરાના સેના મથક ખાતે મશાલ લાવવામાં આવી હતી.

યાદ રહે કે, 1971ના ગૌરવશાળી યુદ્ધ વિજયને વધાવવા દેશની ચાર દિશાઓમાં ચાર વિજય મશાલો હાલમાં ફરી રહી છે. આ વિજય મશાલ યાત્રાનો હેતુ 1971ની લશ્કરી કાર્યવાહીમાં શૂરવીરતા દાખવીને દેશને ભવ્ય વિજય અપાવનારા જવામર્દ સેનાકર્મીઓને યાદ કરીને આદર આપવાનો છે. આ વિજય મશાલ અમદાવાદમાં 6 દિવસના રોકાણ પછી વડોદરા આવી છે. અહીં ત્રણ દિવસના કાર્યક્રમો પછી વિજય મશાલને કેવડિયા ખાતે વિશ્વની સહુથી વિશાળ સરદાર પ્રતિમાના સ્થળે લઈ જવાનું આયોજન છે.

વડોદરામાં 3 દિવસના કાર્યક્રમો પછી વિજય મશાલને કેવડિયા ખાતે લઇ જવાશે
વડોદરામાં 3 દિવસના કાર્યક્રમો પછી વિજય મશાલને કેવડિયા ખાતે લઇ જવાશે

સેના મથકે વિજય મશાલના આગમન પછી મથકના સેનાપતિ અને 1971નું યુદ્ધ લડેલા ભૂતપૂર્વ સૈનિક યોદ્ધાઓ તેને આદર પૂર્વક સાંબા રેજીમેન્ટના યુદ્ધ સ્મારક ખાતે લઈ ગયા હતા. યાદ રહે કે, પડોશી દેશ સાથેની એ લડાઈ દરમિયાન સાંબા રેજીમેન્ટના શૂરવીરોએ 7 ડિસેમ્બર,1971ના રોજ સાંબા સેક્ટરમાં દુશ્મન દેશના 11 યુદ્ધ વિમાનોનો ખાત્મો બોલાવી અનેરી શૂરવીરતા અને યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

1971ના યુદ્ધના 50માં વિજય વર્ષની ઉજવણી લઇને દેશભરમાં નીકળેલી વિજય મશાલનું વડોદરામાં સ્વાગત
1971ના યુદ્ધના 50માં વિજય વર્ષની ઉજવણી લઇને દેશભરમાં નીકળેલી વિજય મશાલનું વડોદરામાં સ્વાગત

આ અપૂર્વ શૂરવીરતા માટે હાલમાં જે વડોદરા સ્થિત છે તેવી 29મી એર ડિફેન્સ રેજીમેન્ટને સાંબા ઓનરનું ટાઇટલ અને આ ટુકડીના લાંસ હવાલદાર બલ બહાદુર અને ગનર ભદ્રેશ્વર પાઠક(મરણોત્તર)ને અભૂતપૂર્વ શૌર્ય માટે વીર ચક્ર પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં જે વિજય મશાલો દેશની યાત્રા કરી રહી છે તેમને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલમાંથી પ્રગટાવવામાં આવી છે. આ મશાલોને એ યુદ્ધમાં અપૂર્વ શૂરવીરતાનું પ્રદર્શન કરનારા સૈનિકોના ગામોમાં પણ લઈ જવામાં આવી રહી છે.

વિજય મશાલ યાત્રાના દુમાડ ચોકડીથી વડોદરા શહેરમાં પ્રવેશ સમયે આવકાર આપવામાં આવ્યો હતો
વિજય મશાલ યાત્રાના દુમાડ ચોકડીથી વડોદરા શહેરમાં પ્રવેશ સમયે આવકાર આપવામાં આવ્યો હતો

આ પ્રસંગે 1971ના યુદ્ધમાં ભાગ લઈને અપ્રતિમ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કરનારા પૂર્વ સૈનિકો/સેનાધિકારીઓ કર્નલ વિનોદ ફલનીકર, મેજર જનરલ એ.ડી. નારગોલવાલા(વી.એસ.એમ), મેજર સુબોધ દેસાઈ, સ્ક. લીડર નવીન એમ. દવે અને સિપાહી કરમ સિંહનું રેજીમેન્ટ સેનાપતિ બ્રિગે. બી. એસ.પોસ્વાલ(સેના મેડલ)ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ભારત-પાક યુદ્ધના યોદ્ધાઓએ સલામી આપી
ભારત-પાક યુદ્ધના યોદ્ધાઓએ સલામી આપી

સાંબા રેજીમેન્ટના સેનાપતિ બ્રિગેડિયરે વિજય મશાલના સ્વાગત કર્યું હાલમાં વડોદરા સ્થિત સાંબા રેજીમેન્ટના સેનાપતિ બ્રિગેડિયર બી. એસ.પોસવાલને આ એકમનું સુકાનીપદ સંભાળ્યાનાં પહેલા દિવસે જ વિજય મશાલના સ્વાગતનો ગૌરવ અવસર મળ્યો હતો. તેની ખુશી પ્રદર્શિત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બીજા વિશ્વ યુદ્ધ પછી 1971ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ સૌથી મોટું આત્મ સમર્પણ ભારતની સેના સમક્ષ કર્યું હતું. ભારતીય સેનાનો એ ખૂબ ઉત્તમ વિજય હતો. આ મશાલ સ્વાગત સમારોહમાં જોડાવું એ પરમ ગૌરવની વાત છે. એ યુદ્ધમાં આપણા પક્ષે 2000 જેટલા સર્વોચ્ચ બલિદાનો વીર નર અને વીર નારીઓએ આપ્યા હતા. એ સહુને હૃદયપૂર્વક વંદન કરું છું.

અન્ય સમાચારો પણ છે...