• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vigilant Police Raids After Lattakkad; 21 Cases Of Country Liquor Made, Shipment Of Country Liquor From Villages Including Dumad Dena To The City Early In The Morning

સસ્તો નશો મોંઘું જોખમ:લઠ્ઠાકાંડ બાદ જાગેલી પોલીસના દરોડા; દેશી દારૂના 21 કેસ કર્યા, દુમાડ-દેણા સહિતનાં ગામોમાંથી શહેરમાં વહેલી સવારે દેશી દારૂની ખેપ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં રોજ હજારો લિટર દેશી દારૂનો જથ્થો ઘુસાડાય છે. ખુદ પોલીસ દ્વારા રોજ જાહેર થતી અખબારી યાદીમાં દેશી દારૂ ઝડપાયો હોવાનું જણાવાય છે. જોકે પોલીસની કામગીરી માત્ર દેખાડા પૂરતી થતી હોવાનું માનવામાં આવે છે, કારણ કે નિયમિત રીતે દારૂ ઝડપી સંતોષ માનતો પોલીસ વિભાગ જથ્થો ક્યાંથી લવાય છે અને કોણ લાવે છે તેની જડ સુધી જતો જ નથી. જેથી શહેરમાં પણ ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું જાણકારોનું માનવું છે.

હાલમાં જ શહેર મોટા પ્રમાણમાં દેશી દારૂ પૂરું પાડતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટેટ સેલે દરોડા પાડ્યા હતા, જેમાં મિનિ ફેક્ટરીઓ ધમધમતી હોવાનું ઝડપી જરોદ નજીકથી દેશી દારૂ તૈયાર કરવામાં વપરાતી સામગ્રી મોટા પ્રમાણમાં ઝડપી પાડી હતી. શહેર નજીક આવેલા ઉદ્યોગો અને જીઆઇડીસીમાં મિથેનોલનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. બરવાળા તાલુકાનાં ગામોમાં થયેલા લઠ્ઠાકાંડમાં તેમાં મિથેનોલ જ વપરાયું હતું.

બરવાળાની ઘટના બાદ સફાળી જાગેલી શહેર પોલીસે વહેલી સવારથી દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ પર પહોંચી ગઈ હતી અને દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. જેમાં મકરપુરા, માંજલપુર, બાપોદ, જવાહરનગર, નંદેસરી, સમા, છાણી, રાવપુરા, નવાપુરા જેવાં પોલીસ મથકની ટીમોએ દરોડા પાડી બૂટલેગરોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

સવારના સમયે પોલીસે 21 કેસ કર્યા હતા. પોલીસે ચેંકિગની સઘન બનાવી મળસ્કે ગામડામાંથી આવતા લોકો પર વોચ રાખી રહી છે. સૂત્રો અનુસાર શહેરમાં રોજ હજારો લિટર દેશી દારૂ નજીકમાં ગ્રામ્ય વિસ્તાર દુમાડ, દેણા, આજોડ, દશરથ, જરોદ, વાઘોડિયા, ધનયાવી, પોર, રતનપુર, વરણામા, ભાલિયા, ચાપડ જેવાં ગામોમાંથી વહેલી સવારે પલ્સર જેવી હાઈ સ્પીડ બાઈક પર જોખમી રીતે લવાય છે. આ અંગે પોલીસ પણ માહિતી ધરાવતી હોવા છતાં કેમ અનદેખી કરે છે તે સવાલ ઊભો થયો છે.

વડોદરામાં 1989માં લઠ્ઠાકાંડમાં 135ના જીવ ગયા હતા
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 35 જણાંએ જીવ ગુમાવ્યો છે ત્યારે 4 માર્ચ,1989ના રોજ શહેરમાં થયેલા લઠ્ઠાકાંડમાં સત્તાવાર મોતનો આંક 135 હતો, જ્યારે બિનસત્તાવાર આંક 250 ઉપરાંત હોવાનું મનાતું હતું. આ પ્રકરણમાં સેન્ટ્રલ એક્સાઈઝ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી.

દેશી દારૂની ભઠ્ઠીનો વીડિયો વાઇરલ થયો
બરવાળા લઠ્ઠાકાંડ બાદ સોશિયલ મીડિયામાં દેશી દારૂની ભઠ્ઠીનો વીડિયો વાઇરલ થયો હતો, જે કથિત રીતે સમા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જોકે આ બાબતે સમા પીઆઈ ભાવના પટેલે જણાવ્યું હતું કે, આ વીડિયો મારા પોલીસ સ્ટેશનની હદમાં નથી આવતો. આ વિસ્તાર સમા પોલીસ સ્ટેશનથી પણ 2 કિલોમીટરના અંતરે છે. છાણી કે ફતેગંજ વિસ્તારનો આ વીડિયો હોઈ શકે છે.

દૂષણ ડામવા દિવસ- રાત પોલીસનું ચેકિંગ
બોટાદની ઘટના બાદ પોલીસ લિસ્ટેડ બૂટલેગરો પર ખાસ નજર રાખી રહી છે અને સરપ્રાઇઝ ચેકિંગ ગહન બનાવાયું છે. દેશી દારૂના દૂષણને ડામવા રાત્રે અને વહેલી સવારે પણ ચેકિંગ કરાઇ રહ્યું છે. વહેલી સવારના 3-4 વાગ્યે ગામડાંથી આવતાં લોકો પર વોચ વધારાઈ છે અને તેમનું ચેકિંગ કરાઇ રહ્યું છે. - ડો.શમશેરસિંઘ, પોલીસ કમિશનર

31નો ભોગ લેનાર કેમિકલ કાંડ છે : રાજીવ પટેલ
રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવા લડત ચલાવતા પ્રોહિબિશન ફ્રી ગુજરાત સંગઠનના સ્થાપક રાજીવ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધી યથાવત્ રાખવા કેટલાક ભ્રષ્ટાચારી નેતા, દેશદ્રોહીઓ કાર્યરત છે. બરવાળામાં બનેલી ઘટના લઠ્ઠાકાંડ નથી, પરંતુ દારૂના નામે વેચાતું ઝેરી કેમિકલ કાંડ છે. કાશ્મીરમાં આતંકથી જેટલા નથી મરતા, તેના કરતાં વધારે લોકો ઝેરી દારૂથી રાજ્યમાં મરે છે. દારૂબંધીને કારણે રાજ્યને વર્ષે એક લાખ કરોડની આવકનું નુકસાન થઈ રહ્યું છે, એમ ઉમેરી તેમણે દારૂબંધી ઉઠાવી લેવા પર પુનઃ ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...