સરખેજ ભારતી આશ્રમ વિવાદ:મહામંડલેશ્વર મહંત હરિહરાનંદ ભારતીજી વડોદરાથી ગુમ, કંટાળીને પગલું ભર્યું હોવાનો વીડિયો વાઇરલ

વડોદરા2 મહિનો પહેલા
હરિહરાનંદ ભારતીજી મહારાજે આશ્રમના વિવાદથી કંટાળીને પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. - Divya Bhaskar
હરિહરાનંદ ભારતીજી મહારાજે આશ્રમના વિવાદથી કંટાળીને પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું છે.
  • મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીજી મહારાજ અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે ગયા હતા
  • વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ
  • આશ્રમનું વીલ મારા નામે છે, છતાં મારી પાસે આશ્રમ માગે છે અને દબાણ કરે છેઃ હરિહરાનંદ ભારતીજી

ભારતી આશ્રમના મહંત સ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઇ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ઉલ્લેખનીય હરિહરાનંદ ભારતીનો આ સાથે જ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેઓ અમદાવાદના સરખેજની ગાદીના વિવાદને કારણે આશ્રમ છોડીને જઇ રહ્યા છે તેવુ જણાવી રહ્યા છે.

હરિહરાનંદ ભારતીજીએ લખેલી ચિઠ્ઠી
હરિહરાનંદ ભારતીજીએ લખેલી ચિઠ્ઠી

અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે ગયા હતા
પરમેશ્વર ભારતી (રહે. શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા) એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગત તા. 30 એપ્રિલ 2022ના રોજ બપોરના આશરે 12 વાગ્યે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ ડૉ. રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નિકળ્યા હતા. અને ચેકઅપ કરાવી સાંજના આશરે સાડા પાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નિકળ્યા હતા.

મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી મહારાજની તસવીર
મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી મહારાજની તસવીર

વળતા વડોદરામાં અનુયાયીને ત્યાં રોકાઇ, રસ્તામાંથી ગુમ થયા
વડોદરા આવતા શહેરમાં રહેતા તેમના એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા (રહે. રુદ્રાક્ષ હાઇટ્સ, કપુરાઇ ચોકડી પાસે) રાત્રી ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં રાત્રે આશરે નવ વાગ્યેને તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતા રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલ પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યાર બાદ રાકેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા.

હરિહરાનંદ ભારતીજીની ફાઇલ તસવીર
હરિહરાનંદ ભારતીજીની ફાઇલ તસવીર

કોઇ આશ્રમમાં ભાળ ન મળી
બાદમાં હરિહરાનંદ મહારાજ ગઇકાલ તા. 1 મે 2022ના સવારના 10 વાગ્યા સુધી કેવડિયા આશ્રમે ન પહોંચતા આ અંગે કાળુ ભારતીને ફોન કરી પૂછતા તેમણે હરિહરાનંદ તેમને મળવા જ આવ્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી રાકેશભાઇ ડોડિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે તેમણે તો બાપુને કપુરાઇ ચેકપોસ્ટ પાસે કારમાંથી ઉતાર્યા હતા બાદમાં બાપુ વિશે કંઇ ખબર નથી. જેથી બાપુ અંગે જૂનાગઢ સહિતના વિવિધ આશ્રમોમાં તપાસ કરતા હરિહરાનંદ ભારતીજીની કોઇ ભાળ મળી નથી.

મહંત હરિહરાનંદ ભારતીજી
મહંત હરિહરાનંદ ભારતીજી

કંટાળીને આશ્રમ છોડ્યાનો વીડિયો વાયરલ
હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હરિહરાનંદ બાપુ કહે છે કે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો. એક વર્ષ થયું મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલિન થયા ત્યાર પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસેથી આશ્રમ માંગે છે, વીલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વીલ બનાવ્યા. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું છે. મારી પર એનકેન પ્રકારે કિચડ ઉડ્યાં અને ઉડાડે છે એવા માણસો તૈયાર કર્યા. માણસો પણ કિચડ ઉડાડી મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને કંટાળીને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નિકળી જાઉં.’

વડોદરા પોલીસની ટીમ દ્વારા શોધખોળ શરૂ
વડોદરાના DCP ઝોન-3 હશપાલ જગાણીયાએ કહ્યું હતું કે, ‘હરિહરાનંદ બાપુ ગુમ થવાની અરજી મળ્યા બાદ પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ હરિહરાનંદના સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ વીડિયો કે તેમની ચિઠ્ઠી અંગે અમને કોઇ જાણ નથી. જો કોઇ આવી માહિતી આપશે તો અમે તે અંગે તપાસ કરીશું.’

મહાદેવ બાપુ મારોય ફોન ઉપાડતા નથી
મને પણ હરિહરાનંદ બાપુની ચિંતા થાય છે. અમારા તો ગુરુ થાય છે. હું અત્યારે તો રાણા કંડોરણા છું. અમારે કોર્ટ મેટર ચાલે છે એય યથાવત્ છે. ત્યાંની જવાબદારી મહાદેવ બાપુની છે. પણ તેઓ મારોય ફોન નથી ઉપાડતા. મને તેમના વિશે કાંઇ ખબર નથી. - ઋષિભારતી, શિષ્ય

અન્ય સમાચારો પણ છે...