• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Victory Of The Chemical Engineer Girl As Sarpanch In Hanumanpura Village Of Vadodara Defeat Of The Sarpanch Elected For 25 Years In Talsat.

યુવા સરપંચ:વડોદરાના હનુમાનપુરા ગામમાં કેમિકલ એન્જિનિયર યુવતીનો સરપંચપદે વિજય, તલસટમાં 25 વર્ષથી ચૂંટાતા સરપંચની હાર

વડોદરાએક મહિનો પહેલા
ઉચ્ચ શિક્ષિત ઉમેદવાર નિયતીબહેન પટેલનો વિજય
  • ડેસરમાં મતપેટીઓમાંથી પ્રેશર કુકરના નિશાનોવાળી 10 અને 50ની ચલણી નોટો નીકળી

વડોદરા જિલ્લાના 260 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વાઘોડિયા તાલુકાના હનુમાનપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે બી.ઇ. કેમિકલ એન્જિનિયર યુવતીનો ભવ્ય વિજય થયો હતો. તો વાઘોડિયા તાલુકામાં બાકરોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના બે ઉમેદવારોને એક સરખા મત પડતા ચિઠ્ઠી ઉછાળીને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તો વડોદરા તાલુકાના તલસટ ગામમાં 25 વર્ષથી ચૂંટાઇને આવતા સરપંચને હારનો સામનો કરવો પડ્યો હતો. ડેસરની હિંમતપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતપેટીઓમાંથી ઉમેદવારોના પ્રેશર કુકરના નિશાનોવાળી રૂપિયા 10 અને 50ની ચલણી નોટો નીકળતા મતોની ગણતરી કરતા કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. પ્રેશર કુકરના નિશાનવાળા ઉમેદવાર હારી ગયા હતા.

ગામ લોકોએ મને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના હનુમાનપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉચ્ચ શિક્ષિત ઉમેદવાર નિયતીબહેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. પ્રથમ વખત જ ગ્રામ પંચાયતની ચૂંટણી લડેલા નિયતીબહેન વિજેતા થયા હતા. ગામ લોકોએ મને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી છે. હવે ગામનો અને ગામ લોકોના વિકાસ માટે મારે મહેનત કરવાની છે. ગામ લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે તે માટે હું ગામ લોકોની આભારી છું. હું ગામના વિકાસ માટે ગામ લોકોને ફરિયાદ કરવાની તક નહીં આપુ. તેવી ખાતરી આપું છું.

નિયતીબહેન પટેલ
નિયતીબહેન પટેલ

બાકરોલમાં ટાઇ પડી
વાઘોડિયા તાલુકાના બાકરોલ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે હાથ ધરાયેલી મતગણતરીના અંદે હરીફ ઉમેદવારો કનકભાઇ નાયકા અને અને રમેશભાઇ નાયકાને એક સરખા 401 મત મળ્યા હતા. એક સરખા મત મળતા બંને ઉમેદવારોએ રીકાઉન્ટીંગને બદલે ચિઠ્ઠી ઉછાળી પરિણામ સ્વીકારી લેવાની તૈયારી બતાવી હતી. દરમિયાન મતગણતરી અધિકારીની ઉપસ્થિતીમાં એક સરખા મત મેળવનાર બંને ઉમેદવારો માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં કનુભાઇ નાયકાનું નસીબ જોર કરતા સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

મેઢાદમાં 5 મતોથી વિજય
પાદરા તાલુકાના મેઢાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે કાંટે કી ટક્કર હતી. આજે મતગણતરીના અંતે સંદિપ પટેલને વધુ 5 મળ્યા હતા. જોકે, હરીફ ઉમેદવારે 5 મતનો તફાવત આપતા રિકાઉન્ટીંગ માંગ્યું હતું. પુનઃ મતોની ગણતરી કરવામાં આવી હતી. જોકે, રિકાઉન્ટીંગમાં પણ સંદિપ પટેલને વધુ 5 મત મળતા વિજેતા જાહેર થયા હતા. માત્ર 5 મતોથી વિજય થયેલા સંદિપ પટેલના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે 5 મતથી હારી ગયેલા હરીફ ઉમેદવારની છાવણીમાં નિરાશા ફેલાઇ ગઇ હતી.

ડેસરમાં મતપેટીઓમાંથી પ્રેશર કુકરના નિશાનોવાળી 10 અને 50ની ચલણી નોટો નીકળી
ડેસરમાં મતપેટીઓમાંથી પ્રેશર કુકરના નિશાનોવાળી 10 અને 50ની ચલણી નોટો નીકળી

તલસટમાં 25 વર્ષથી ચૂંટાતા સરપંચની હાર
વડોદરા તાલુકાના તલસટ ગામમાં છેલ્લી પાંચ ટર્મથી એટલેકે 25 વર્ષથી સતત ચૂંટાતા આવેલા સુખદેવ ઠાકોરને આ વખતે તેમના હરીફ ઉમેદવાર નવનીત ઠાકોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તલસટ ગ્રામ પંચાયતના લોકોએ આ વખતે ચૂંટણી પહેલાંજ પરિવર્તન લાવવાનો નિર્ધાર કરી લીધો હતો. પરિણામ સ્વરૂપ ગામ લોકોએ નવનીત ઠાકોરને મત આપીને જીતાડ્યા હતા. અને ગામના વિકાસની અપેક્ષાએ ગામ લોકો પરિવર્તન લાવ્યા હતા.

પ્રેશર કુકરના નિશાનોવાળી 10 અને 50ની ચલણી નોટો નીકળી
ડેસર તાલુકાની 14 ગ્રામ પંચાયતોની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઇ હતી. એક પછી એક મત પેટીઓ ખોલતા કેટલીક મત પેટીઓમાંથી રાજકીય અગ્રણીઓને વિકાસ કામો કરવાની ટકોર કરતી ચિઠ્ઠીઓ મળી હતી. તો એક મત પેટીમાંથી ઉમેદવારના ચિન્હના સિક્કા મારેલી રૂપિયા 10ની બે ચલણી નોટ અને રૂપિયા 50ની એક ચલણી નોટ નીકળી હતી. મત પેટીમાંથી ચલણી નોટ નીકળતા કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...