વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ભૂતિયા કનેક્શન શોધી કાઢવાની ઝુંબેશ દરમ્યાન 238 કનેક્શન બારોબાર લેવાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. પરિણામે હવે આ કનેક્શન કેવી રીતે અપાયા એની તપાસ ચાલી રહી છે. બીજી તરફ ભાજપ અગ્રણી પરાક્રમસિંહ જાડેજાને વિજીએલ દ્વારા ખાસ સુવિધા આપીને લાભ આપવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.
સોમનાથ વિલામાં અપાયેલા બે ગેસ કનેક્શન પૈકી એકના કોઈ પ્રકારના કાગળો વીજીએલ પાસે ઉપલબ્ધ નહિ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે. સામાન્ય રીતે ગેસ લાઇન મેળવવા માટે સૌ પ્રથમ ફોર્મ ભરાય છે, બાદમાં ડીપોઝીટ ભરવી પડે છે અને એની રશીદ મૂકવી પડે છે. બાદમાં એન્જિનિયરની વિઝીટ થાય છે. જેમાં એનું નામ ફોર્મ ઉપર લખેલું હોય છે. બાદમાં કયા કોન્ટ્રાકટરને કામ સોંપાયું એની નોંધ હોય છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કોણે કર્યું, 10 મીટરથી ઉપરના કનેક્શનનો ડિફરન્સ જેવા મહત્વના કાગળો વીજીએલ ઉપલબ્ધજ નહિ હોવાનુ બહાર આવ્યું છે.
બંને કનેક્શનની સ્વીચ ઓન તારીખમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ત્યારે કનેક્શનને રેગ્યુલર કરવા માટે ખાતાએ હાથ ધરેલી મેરેથોન કવાયત બાદ પણ મહત્વના અનેક સવાલોનો જવાબ વીજીએલ પાસે નથી. બે પૈકી એક કનેક્શન 2016થી છે તો 6 વર્ષમાં માત્ર 290 યુનિટનો જ વપરાશ માનવામાં આવે એવો નથી. ખરેખર તો બંને મીટર સિલ કરી એને લેબોરેટરીમાં મોકલી રિપોર્ટ લેવો જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
238 કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ
વીજીએલ દ્વારા શહેરમાં 238 ગેસ કનેક્શન નિયમો વિરુદ્ધ ચાલતા હોવાનું શોધી કાઢ્યું છે. આવક વધારવા અને કનેકશનોમાં ગેરરીતિઓ શોધવા હાથ ધરાયેલી ઝુંબેશમાં ખુદ એમડી જોડાયા હતા અને 238 કનેક્શન શોધી હાલમાં એની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.