ભાસ્કર વિશેષ:વૃશ્ચિકમાં શુક્ર-કેતુની યુતિ તહેવારોની રંગત વધારશે, સોનું-ચાંદી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તી થશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્ર ગ્રહના વૃશ્ચિકમાં પ્રવેશના બીજા દિવસે બુધ ગ્રહ કન્યા રાશિમાં વક્રી થયો

શુક્ર ગ્રહનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ અને બુધ ગ્રહ કન્યા રાશિમાં વક્રી થઈ રહ્યો છે. ગ્રહ પરિવર્તનમાં શુક્ર-કેતુની યુતિ સર્જાતાં સોનું-ચાંદી, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ સસ્તી થશે, વિદેશ પ્રવાસમાં વધારો થશે તેમજ પ્રજાજનો આનંદથી આવનાર તહેવારો ઊજવી શકશે.

શાસ્ત્રી નયન જોશીએ જણાવ્યું હતું કે, શુક્ર ગ્રહ 2 ઓક્ટોબરના રોજ સવારે 9:35 કલાકથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યારે બુધ ગ્રહ કન્યા રાશિમાં 3 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:23 કલાકથી વક્રી અવસ્થામાં ગોચર થશે. 18 ઓક્ટોબરથી બુધ ગ્રહ કન્યા રાશિમાં માર્ગી થશે. બુધ અને શુક્ર ગ્રહનું આ પરિવર્તન બારેય રાશિ માટે મહત્ત્વનું રહેશે.

શુક્ર ગ્રહ કપડાં, જ્વેલરી, ખાદ્ય સામગ્રી, મોજશોખ અને ગ્લેમરનો કારક ગ્રહ છે. જેનું રાશિ પરિવર્તન ખૂબ મહત્ત્વનું ગણાય છે. મંગળ ગ્રહની વૃશ્ચિક રાશિ જ્યાં પહેલેથી કેતુ ગ્રહ બિરાજમાન છે, ત્યાં શુક્ર ગ્રહ સાથે આવવાથી શુક્ર-કેતુની યુતિ સર્જાઈ છે. જેનાથી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સસ્તી થશે. કપડાં તેમજ સોનું-ચાંદી જેવી ધાતુ સસ્તી થશે. વિદેશ પ્રવાસ વધશે. આ સાથે પ્રજાજનો આનંદથી તહેવારો ઊજવી શકશે. વાતાવરણ પણ સ્વચ્છ થશે. શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં 30 ઓક્ટોબર સુધી રહેશે. બુધ ગ્રહ કન્યા રાશિમાં સ્વગૃહી થતાં વેપાર, વાણિજ્ય અને સરકારી યોજનાઓ સુવ્યવસ્થિત રીતે અમલમાં મુકાશે. આ ઉપરાંત વરસાદનું પ્રમાણ ઘટશે.

30મી સુધી બારેય રાશિ પર થનારી અસર
મેષ :
આરોગ્યની કાળજી રાખવી, શુક્રવારે સૌથી પહેલાં દહીં આરોગવું.
વૃષભ : વિવાહ-લગ્નના યોગ ઉદભવે, રિમ શુક્રાય નમ: મંત્ર જાપ કરવા.
મિથુન : વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય, કુવારીકાઓને ભોજન કરાવવું.
કર્ક : પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય, શુક્રવારે કૂળદેવીને સફેદ ફૂલ ચઢાવવું.
સિંહ : મકાન-વાહન યોગ ઉદભવે, શ્રી સુક્તમનો પાઠ કરવો.
કન્યા : માન-સન્માનમાં વધારો થાય, લક્ષ્મીપૂજા કરવી શુભ રહેશે.
તુલા : વાણીથી પ્રભાવિત કરી કાર્ય કરી શકશો, શિવ-શક્તિના દર્શન કરવા.
વૃશ્ચિક : અપરિણીત માટે શુભ સમય, શુક્રવારે ગરીબોને વસ્ત્રદાન કરવું.
ધન : વિદેશ સંબંધી કાર્યમાં સફળતા મળે, શુક્રવારે શેરડીનું દાન કરવું.
મકર : આવકમાં વૃદ્ધિ થશે, દુર્ગા સપ્તસદીનો પાઠ કરવો.
કુંભ : નવા વેપાર-ધંધાની શરૂઆત થાય, ગાયને ઘાસ ખવડાવવું.
મીન : ભાગ્ય સાથ આપે, કેસરયુક્ત દૂધ પીવું.

અન્ય સમાચારો પણ છે...