મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે કેલેન્ડર પર વીસીનો ફોટો મૂકાતા વિવાદ ઉભો થયો છે. ફોટોજીવી કુલપતિએ ગરિમાને ગીરવે મૂકીને કેમ્પસમાં હાસ્યાસ્પદ બન્યા હોવાનું સેનેટ સભ્યએ જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં પરિણામ સહિતની બાબતોમાં મેનજમેન્ટ ખાડે ગયું છે ત્યારે કુલપતિ પોતાની તાનમાં મશગુલ હોવાના આક્ષેપ પણ સેનેટ સભ્યએ કર્યા હતા.
એમ.એસ.યુનિવર્સિટીના 2023ના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના ફોટાની નીચે એક તરફ ચાન્સેલર રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ તથા બીજી બાજુ વીસી વિજય શ્રીવાસ્તવનો ફોટો મૂકાયો છે. જેના કારણે વિવાદ થયો છે. સેનેટ સભ્ય કપિલ જોશીએ જણાવ્યું છે કે, યુનિવર્સિટીમાં રિઝલ્ટના ઠેકાણા નથી, મકાનોનું સમારકામ ચાલુ હોય ને પરીક્ષાઓ લેવાય છે,
પરીક્ષાના આગલા દિવસે પણ હોલ ટિકિટ ના મળે એવી ડિજિટલ વ્યવસ્થા છે. 90 દિવસ થઈ જાય, ઘણીવાર તો બીજી પરીક્ષા આવે ત્યાં સુધી આગલી પરીક્ષાનું રિઝલ્ટ આવતું નથી. આનું કોઈ તંત્ર ઊભું કરવાનો બદલે ઉપકુલપતિએ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય એમ કેલેન્ડર પર ફોટો લગાવ્યો છે એ પણ મહારાજા સયાજીરાવની સાથે.
અત્યાર સુધી કોઇ કુલપતિએ આવી આત્મમુગ્ધતાનું વરવું પ્રદર્શન નથી કર્યું. કેમ્પસમાં એમનું આ પગલું હસી મજાક વિષય બન્યો છે. આ ફોટોજીવી કુલપતિએ પોતાની ગરિમાને ગીરવે મૂકીને જે ભોપાળું સર્જ્યું છે એ એમની વ્યકિતમત્તાનો પરિચય આપે છે. ભૂતકાળમાં મહારાજા સિવાય કોઈનો ફોટો કેલેન્ડરમાં મૂકવામાં આવ્યો નથી. કેલેન્ડરમાં અંદરની બાજુએ ભારતની અને ગુજરાતની જાણીતી હસ્તિઓના ફોટા અને ફેકલ્ટીના ફોટા મૂકાય છે. સેનેટ મેમ્બર તરીકે સ્વસ્થાપનાનો જે ભદ્દો પ્રયાસ વીસીએ કર્યો છે એ તત્કાળ ફોટો હટાવી લેવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.