વડોદરા:ગણપતિ બાપા મોરયાના જયઘોષ સાથે જુનીગઢી સહિત વિવિધ ગણેશ મંડળોએ સાતમાં દિવસે શ્રીજીનું વિસર્જન કર્યું

વડોદરાએક વર્ષ પહેલા
જુનીગઢીના શ્રીજીનું વિસર્જન
  • દર વર્ષે પોલીસ માટે જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન કરાવવુ પડકારરૂપ હોય છે
  • આ વર્ષે કોરોનાની ગાઇડલાઇનના કારણે જૂનીગઢીના શ્રીજીનું પંડાલ પાસે જ વિસર્જન કરાયું

વડોદરા શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે. ગણેશોત્સવના સાતમાં દિવસે ગણપતિ બાપા મોરયા..પૂઢચ્યા વર્ષી લવકરયા..ના જયઘોષ વચ્ચે અત્યંત સંવેદનશિલ વિસ્તાર ગણાતા પાણીગેટના જુનીગઢીના ગણપતિ સહિત શહેરના વિવિધ ગણેશ મંડળો અને લોકોએ ઘરમાં સ્થાપના કરેલા શ્રીજીનું ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભક્તોએ આજે ભારે હૈયે શ્રીજીને વિદાય આપી
કોવિડ-19ની ગાઇડ પ્રમાણે શહેરમાં ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે. મોટા ગણેશ મંડળો દ્વારા પણ શ્રીજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જન સાદાઇથી કરવામાં આવી રહ્યું છે. કેટલાક મંડળો અને ઘરોમાં સ્થાપના કરવામાં આવેલ શ્રીજીનું પાંચમાં દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ તંત્ર માટે પડકારરૂપ હોય છે તેવા પાણીગેટ જુનીગઢીના શ્રીજી સહિત શહેરના વિવિધ મંડળો અને ઘરોમાં સ્થાપના કરવામાં આવેલા શ્રીજીનું આજે સાતમાં દિવસે ભારે હૈયે અને ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરાયાના જયઘોષ વચ્ચે ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું.

જુનીગઢીના શ્રીજીના વિસર્જનમાં એકત્ર થયેલા ભક્તો
જુનીગઢીના શ્રીજીના વિસર્જનમાં એકત્ર થયેલા ભક્તો

આ વર્ષે વિસર્જન યાત્રા ઉપર પ્રતિબંધ હોવાથી પોલીસ તંત્રને રાહત
ઉલ્લેખનિય છે કે, પાણીગેટ જુનીગઢીના શ્રીજીનું વિસર્જન સાતમાં દિવસે કરવામાં આવે છે. જુનીગઢીના શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ સંપન્ન થઇ જાય ત્યારે પોલીસ તંત્ર હાશકારો અનુભવતી હોય છે. સાતમાં દિવસે જ્યારે જુનીગઢીના શ્રીજીનું વિસર્જન હોય ત્યારે સમગ્ર શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનોનો બંદોબસ્ત જુનીગઢી અને વિસર્જન યાત્રાના માર્ગ ઉપર ગોઠવી દેવામાં આવતો હોય છે, પરંતુ, આ વખતે વિસર્જન યાત્રા ઉપર પ્રતિબંધ હોવાથી પોલીસ તંત્ર માટે રાહત હતી. જોકે, કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શહેર પોલીસ તંત્ર જુનીગઢી સહિત આસપાસના સંવેદનશિલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જુનીગઢીના શ્રીજી
જુનીગઢીના શ્રીજી

લોકોએ ઘર આંગણે શ્રીજીના વિસર્જન સમયે આતશબાજી કરી
શ્રીજીની સાત દિવસ માટે સ્થાપના કરતા કેટલાક મંડળો અને ઘરોમાં સ્થાપના કરતા પરિવારજનો દ્વારા ઘર આંગણે શ્રીજીના વિસર્જન સમયે આતશબાજી પણ કરી હતી. આ સાથે કેટલાક મંડળો દ્વારા ગણપતિ બાપા મોરયા.. પૂઢચ્યા વર્ષી લવકરયા..ના નાદ સાથે ગરબે પણ ઘૂમ્યા હતા અને ડાન્સ પણ કરતા જોવા મળ્યા હતા. શહેરની પોળો અને સોસાયટીઓ આજે ગણેશોત્સવના સાતમાં દિવસે ગણપતિ બાપા મોરયા..મંગલ મૂર્તિ મોરયા...અગલે બરસ તું લવકરયા..ના નાદથી ગૂંજી ઉઠી હતી.

ભક્તોએ ભારે હૈયે શ્રીજીને વિદાય આપી
ભક્તોએ ભારે હૈયે શ્રીજીને વિદાય આપી

પોલીસે ગણેશ વિસર્જન સમયે જાહેરનામાનો ભંગ ન થાય તેની વિશેષ તકેદારી રાખી
નોંધનીય છે કે, ગણેશોત્સવ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર મંડળો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુરૂવારે રાત્રે જાહેરનામાનો ભંગ કરીને ગણેશ વિસર્જન કરનાર ડભોઇ રોડ મહાનગર સોસાયટીના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા આજે સાતમાં દિવસના ગણેશ વિસર્જન સમયે જાહેરનામાનો ભંગ ન થાય તે માટે વિશેષ તકેદારી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...