જમીન દલાલને લૂંટનાર ઝડપાયા:વડોદરાના કોંગ્રેસના પૂર્વ ખજાનચીને લૂંટનાર ટોળકીના 2ને વાઘોડિયા પોલીસે પકડ્યા, સોનાની ચેઈન સહિતનો મુદ્દામાલ જપ્ત

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે - Divya Bhaskar
વાઘોડિયા પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે
  • 79 હજારની લૂંટ ચલાવીને ટોળકીએ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી

શહેર કોંગ્રેસના પૂર્વ ખજાનચીને ટોળકીએ લૂંટી લીધા હતા. જેને વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકમાં જ પકડી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, સોનાની ચેઈન, ઈયરબડ તેમજ રોકડને કબજે કરી છે.

પૂર્વ ખજાનચીએ તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી કરનાર તેમજ જમીન લે વેચવાનુ કામ કરતા નિર્મલ ઠક્કરને લૂંટારૂ ટોળકીએ જમીન વેચવાના બહાને બોલાવ્યા હતાં. બાદમાં તેઓને મારમારી રૂપિયા 79 હજારની લૂંટ ચલાવી કઢંગી હાલતમાં તેમના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગણીનો બનાવ વાઘોડિયા પોલીસ મથકે નોંધાયો છે.

આરોપીઓ પાસેથી રોકડ અને સોનાની ચેઈન કબ્જે કરી છે
આરોપીઓ પાસેથી રોકડ અને સોનાની ચેઈન કબ્જે કરી છે

એપ્લિકેશનના માધ્યમથી જમીન જોવા ગયેલા
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની 66, દીપિકા સોસાયટીમાં નિર્મલભાઇ વિનોદચંદ્ર ઠક્કર રહે છે. જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. શુક્રવારે બપોરે તેઓથી બ્લુ નામની પોતાના મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઇ ગઇ હતી. આ એપ્લિકેશનના માધ્યમથી વડોદરા પાસે અણખોલ ગામ નજીક રોડ ટચ જમીન વેચવા અંગેનો મેસેજ આવ્યો હતો. જેથી વાતચીત બાદ તેઓ નર્મદાપુરા ગામના બોર્ડ પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે જમીન થોડીક અંદર છે. કાર જશે નહીં ઉબડખાબડ રસ્તો છે. જેથી નિર્મલભાઇ તેમની સ્કૂટરની પાછળ બેસી રવાના થયા હતા, અને અજાણ્યા યુવકે ધીરજ હોસ્પિટલથી થોડે દુર રોડ ટચ ખેતર બતાવ્યું હતું.

માર મારી ઘડિયાળ રોકડાની લૂંટ ચલાવી
થોડીવારમાં અન્ય બીજા બે વ્યક્તિ આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, અમારા ખેતરમાંથી રૂપિયા 80 હજારની કિંમતની બે ગાયો ચોરી થઈ છે. તમે ચોર છો, ચોરી કરવા આવ્યા છો.. તેમ કહી ફેટ પકડી ખેતરમાં અંદર ખેચી ગયા હતા અને નિર્મલભાઇ એ પહેરેલી રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેન, મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 8000ની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ વધુ એક લાખની માંગ કરી હતી. વધુ પૈસા ન હોવાનું જણાવતાં લૂંટારુએ તેમના કપડાં કાઢી મારમારી કઢંગી ફોટા પાડી ખેતરમાં ઢસડી ગયા હતા, અને વધુ નાણાંની માંગણી કરી હતી.

મોબાઈલ ફોન પર પોલીસે કબ્જે કર્યા છે
મોબાઈલ ફોન પર પોલીસે કબ્જે કર્યા છે

50 હજારની માગ કરાઈ હતી
નિર્મલભાઇએ પત્ની પાસે વધુ રૂપિયા 12 હજાર રોકડા મંગાવી લૂંટારૂઓને આપ્યા હતાં. આમ છતાં, લૂંટારુઓની માંગ ન સંતોષાતા વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જેથી નિર્મલભાઇ બે દિવસ પછી આપવાનું જણાવતાં તેમનો છુટકારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, શહેર કોગ્રસ અગ્રણી નિર્મલભાઇ ઠક્કર સાથે બનેલા બનાવે શહેરના રાજકીય મોરચે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે લૂટારુ ટોળકીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. ટોળકી ઝડપાયા બાદ અનેક લૂટના બનાવોનો ભેદ ખૂલે તેવી શક્યતા છે. એવી પણ માહિતી મળી છે કે, કોંગ્રેસ અગ્રણીને લૂટનાર ટોળકી પોલીસની હાથવેંતમાં છે.