વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ભાજપા દ્વારા માંજલપુર બેઠક ઉપર અને કોંગ્રેસ દ્વારા વડોદરા શહેર (અ.જા.) બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. બંને પક્ષ દ્વારા ચાર બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. અને તેઓએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. મોડી રાત્રે ભાજપા દ્વારા વડોદરાની સયાજીગંજ બેઠક ઉપર કહેવાતા પ્રબળ દાવેદારોના પત્તા કારીને વડોદરાના મેયરને ઉમેદવાર તરીકે જાહેર કરતા દાવેદારોમાં સન્નાટો વ્યાપી ગયો છે. હવે સયાજીગંજ બેઠક ઉપર વડોદરા મહાનગર સેવા સદનના મેયર કેયુર રોકડીયા અને કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવત વચ્ચે જંગ જામશે.
વૈષ્ણવ સમાજ ખૂશ
વડોદરાની સયાજીગંજ બેઠકના વર્તમાન ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ સ્વૈચ્છીક રીતે ચૂંટણી ન લડવાની જાહેરાત કરાયા બાદ આ બેઠક ઉપર ટિકીટ મેળવવા માટે દિગ્ગજ હોદ્દેદારોની હોડ જામી હતી. જેમાં વડોદરાના મેયર કેયુર રોકડીયા બાજી મારી ગયા હતા. બીજી બાજુ વૈષ્ણવ સમાજ દ્વારા પણ વડોદરાની પાંચ બેઠકો પૈકી એક બેઠક વૈષ્ણવ સમાજને આપવા માટે પ્રબળ માંગ ઉઠી હતી. જે માંગ ભાજપા દ્વારા પૂરી કરી દેવામાં આવતા વૈષ્ણવ સમાજમાં પણ ખૂશીની લહેર છે.
સૌથી વધુ મતદારો OBC
વડોદરાની સયાજીગંજ બેઠકમાં કોર્પોરેશનનો ચૂંટણી વોર્ડ નંબર 1, 2,9 અને 10 નો સમાવેશ થાય છે. વોર્ડ નંબર-1માં કોંગ્રેસના તમામ ચાર કાઉન્સિલરો છે. જ્યારે અન્ય વોર્ડમાં ભાજપાના કાઉન્સિલરો છે. આ સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં જ્ઞાતીના વોટરોની વાત કરીએ તો 2,43,577 કુલ મતદારો છે. જેમાં 24571 બ્રાહ્ણણો (10.09 ટકા), 18445 વૈષ્ણવ (7.57 ટકા), 34015 પટેલ (13.96 ટકા), 19.06 ટકા), 46417 ઓ.બી.સી., 14008 એસ.સી. (5.75 ટકા), 26005 એસ.ટી. (10.68 ટકા), 31264 મરાઠા (12.84 ટકા) અને 17715 મુસ્લીમ (7.27 ટકા) મતદારો છે. આમ આ વિસ્તારમાં સૌથી મતો 19.06 ટકા મતદારો ઓ.બી.સી. છે.
નારાજગી ચોક્કસ છે
નોંધનીય છે કે, વડોદરાની પાંચ બેઠકો ઉપર જ્ઞાતીવાદનું સમીકરણ મતદાનમાં રહેતું નથી. ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતીવાદની મહત્વની ભૂમિકા રહે છે. જેના કારણેજ ભાજપાને સયાજીગંજ બેઠક ઉપર વૈષ્ણોવ સમાજની પ્રબણ માંગના કારણે વણિક ખડાયતા વૈષ્ણવ અને વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પરિચીત ચહેરો એવા મેયર કેયુર રોકડીયા ઉપર પસંદગી ઉતારી છે. કેયુર રોકડીયાનો જાહેરમાં કોઇ વિરોધ નથી. પરંતુ, ટિકીટ ન મળતા નારાજ થયેલા દિગ્ગજ દાવેદારો અને તેમના કાર્યકરોમાં નારાજગી ચોક્કસ જોવા મળી રહી છે.
ભાજપા કાર્યકરો ચોંકી ઉઠ્યા
કહેવાય છે કે, સયાજીગંજ બેઠક ઉપર ટિકીટ મેળવવા માટે પૂર્વ મેયર ભારત ડાંગરે એડીચોટીનું જોર લગાવ્યું હતું. સર્વત્ર ભરત ડાંગરનું નામજ ચર્ચાતુ હતું. તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પણ અંગત મનાતા હતા. તેઓ વડોદરા શહેર-જિલ્લા સહિત આસપાસના જિલ્લામાં સી.આર. પાટીલ આવે ત્યારે તેઓના નજીકમાં રહેતા હતા. અને તેમની તમામ પ્રકારની સરભરામાં રહેતા હતા. છતાં, ભાજપા મોવડી દ્વારા તેમનું પત્તુ કાપી વડોદરા શહેરના મેયર કેયુરને ઉમેદવાર તરીકે જારેર કરતા દાવાદોરમાં તો ઠીક ભાજપા કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા.
ફાઇટ આપી શકશે નહિં
સયાજીગંજ બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા સ્વેજલ વ્યાસને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સ્વેજલ વ્યાસ એક પાયાના સામાજિક કાર્યકર છે. પરંતુ, તેઓ તેમના વિસ્તારમાં ચોક્કસ ભાજપા-કોંગ્રેસના મતદારો ઉપર અસર કરશે. આ બેઠક ઉપર ત્રિ-પાંખીયો જંગ ચોક્કસ છે. પરંતુ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસરકારક ફાઇટ આપી શકે તેમ લાગતું નથી. આથી બે મુખ્ય પક્ષો વચ્ચેજ જંગ જામશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દૂધપાક જેવા પુરવાર થશે.
વચનો અને વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ
ઉલ્લેખનિય છે કે, સયાજીગંજ બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર થયેલા કેયુર રોકડીયાએ મેયર પદેથી આપેલા વચનો પૈકી એક પણ વચનમાં ખરા ઉતર્યા નથી. વડોદરાનો સૌથી મોટો ગાયોનો પ્રશ્ન 15 દિવસમાં હલ કરવાની વાત કરી હતી. પરંતુ, આજે પણ ગાયોનો પ્રશ્ન યથાવત છે. આવા અનેક વચનો આપેલા છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓની વિપક્ષ તરીકેની ભૂમિકા કોંગ્રેસ કાર્યકરોમાં ચર્ચાસ્પદ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.