• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara's Sayaji Hospital Equipped With More Than 15 bed Ward With ICU For Treatment And Delivery Of Infected Pregnant Women In Koro

કોરોનાની ત્રીજી લહેરની તૈયારી:વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ માટે સજ્જ બની, ICU સાથે 15થી વધુ બેડનો વોર્ડ શરૂ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલી અને બીજી લહેરોનો અનુભવ અને સાવચેતી ત્રીજી લહેરના પડકારોનો સામનો કરવામાં ઉપયોગી બનશે: ડો.આશિષ ગોખલે
  • 2021ના વર્ષમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં અંદાજે 6500થી વધુ પ્રસૂતિ કરવામાં આવી હતી

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને વડોદરાની સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગે પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની યોગ્ય સારવાર અને પ્રસૂતિના સમયે જ સંક્રમિત જણાય તો સલામત સુવાવડ કરાવવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ તકેદારીના ભાગરૂપે કરી લીધી છે. ICU સાથે 15થી વધુ બેડનો વોર્ડ શરૂ કરાયો છે. કોરોનાની વડોદરા શહેરમાં શરૂઆત થઈ ત્યારે પહેલા કેસોમાં જ સગર્ભાઓનો સમાવેશ થતો હતો અને આ રોગ સાવ અજાણ્યો હતો, ત્યારે જ સંક્રમિત મહિલાઓની સારવાર અને સુવાવડનો પડકાર આ વિભાગે ઝીલ્યો હતો.

આઇસોલેશન વોર્ડ, ICU સહિતની આવશ્યક સુવિધાઓ તૈયાર
હવે પહેલી અને બીજી લહેરોનો અનુભવ અને સાવચેતી સંભવિત ત્રીજી લહેરના સંક્રમિત બહેનોની સલામત પ્રસૂતિ કરાવવાના પડકારોને પહોંચી વળવામાં ચોક્કસ મદદરૂપ બનશે તેવી લાગણી સયાજી હોસ્પિટલના સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો.આશિષ ગોખલેએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, માનવ સંપદાને તાલીમ, લેબર રૂમ, ઓટી, આઇસોલેશન વોર્ડ, ICU સહિતની આવશ્યક સુવિધાઓ તૈયાર છે.

સયાજી હોસ્પિટલમાં ICU સાથે 15થી વધુ બેડનો વોર્ડ શરૂ કરાયો છે
સયાજી હોસ્પિટલમાં ICU સાથે 15થી વધુ બેડનો વોર્ડ શરૂ કરાયો છે

સદભાગ્યે અત્યાર સુધી એક પણ સગર્ભા સંક્રમિત થઈ નથી
તેમણે જણાવ્યું કે હાલમાં ડેલ્ટા અને ઓમિક્રોન એમ બે વેરિયન્ટ છે. પણ બંનેની સિમ્પટોમેટોલોજી અને પ્રોટોકોલમાં વિશેષ ફરક નથી. નિર્ધારિત ચેપ નિવારક તકેદારીઓ બંનેમાં રાખવાની છે. સદભાગ્યે અત્યાર સુધી એક પણ સગર્ભા સંક્રમિત થઈ નથી.

15થી વધુ બેડની સુવિધા તૈયાર
અમે પ્રસૂતિ વિભાગના ભોંય તળિયે 15થી વધુ પથારીઓની આ માટે જુદી સુવિધા રાખી છે. આઇસીયુ અને લેબર રૂમની પણ અલાયદી સગવડ છે અમે નોન કોવિડ પ્રસૂતિની કામગીરી ચાલુ રાખીને કોવિડ પ્રસૂતિને પણ હેન્ડલ કરીએ છે. અમારી પાસે અનુભવી અને સમર્પિત તબીબો, નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફની ટીમ છે. લક્ષણો સાથે કોઈ સગર્ભા આવે તો તુરંત જ પ્રોટોકોલ અનુસરી સંપૂર્ણ સાવચેતી સાથે સ્ક્રિનિંગથી લઈને સારવાર શરૂ કરવામાં આવશે.

લેબર રૂમ, ઓટી, આઇસોલેશન વોર્ડની સુવિધાઓ ઉભી કરાઇ છે
લેબર રૂમ, ઓટી, આઇસોલેશન વોર્ડની સુવિધાઓ ઉભી કરાઇ છે

કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોએ પ્રસૂતિમાં સારી કામગીરી કરી
યાદ રહે કે, કોવિડની પહેલી બે લહેર દરમિયાન સંક્રમિત સગર્ભાઓની સારવાર અને સલામત સુવાવડની ખાનગી દવાખાનાઓમાં સુવિધા લગભગ હતી જ નહીં. આવા કેસોમાં સરકારી સયાજી અને ગોત્રી હોસ્પિટલ સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. બીજી લહેરના અંત ભાગે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તેની સુવિધા ઉપલબ્ધ થઈ. જો કે, તે સામાન્ય પરિવારોને પોષાય તેવી ન હતી. જ્યારે ઉપરોક્ત બંને સરકારી દવાખાનાઓમાં લગભગ વિનામૂલ્યે સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પિતતા સાથે કરવામાં આવી છે જેની અવશ્ય નોંધ લેવી પડે.

2021માં સરકારી આરોગ્ય કેન્દ્રમાં 6500થી વધુ સુવાવડ કરવામાં આવી
તાજેતરમાં પૂરા થયેલા વર્ષ-2021ના વર્ષમાં આ સરકારી આરોગ્ય કેન્દ્રમાં અંદાજે 6500થી વધુ સુવાવડ કરાવવામાં આવી છે. મોટેભાગે મધ્યમ અને ગરીબ વર્ગોના પરિવારો માટે અહીંની સુવિધા આશીર્વાદ રૂપ છે.

અન્ય સમાચારો પણ છે...