વડોદરા મહાનગર પાલિકામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમણે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, વડોદરા શહેરના લોકોના પ્રશ્નો કેન્દ્ર સ્થાને રહેશે. તેમજ વડોદરા રહેવા લાયક અને ફરવા લાયક શહેર કેવી રીતે બની શકે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આજે મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ લીધા બાદ વિપક્ષી નેતાએ તેમની શુભેચ્છા મુલાકાત પણ કરી હતી અને રખડતા ઢોરોના પ્રશ્ન સહિત શહેરીજનોના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી.
ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મેં પદભાર સંભાળ્યો છે. વડોદરા શહેર સંસ્કાર નગરી છે. વડોદરાને વારસામાં ઇન્ફ્રાસ્ટ્રકચ સહિત ઘણું બધું મળ્યું છે. અને ભવિષ્યમાં વડોદરા દેશમાં શ્રેષ્ઠ લિવેબલ સિટી થાય તે પ્રમાણે કામ કરીશું. વડોદરામાં વધારેમાં વધારે પબ્લિક પ્લેસીસમાં ચાર્જિંગ સ્ટેશન બને તેવા પ્રયાસો કરવામાં આવશે. એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન દ્વારા વડોદરાનો વિકાસ કેવી રીતે થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉભી કરવામાં આવશે. વડોદરા સ્વચ્છતામાં દેશમાં 1થી 3 નંબરમાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ વડોદરાનો વિકાસ કેવી રીતે થાય તેવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ખેલાડીઓ માટે સુવિધા ઉભી કરાશે
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલ નેશનલ ગેમ્સ ચાલી રહી છે. નેશનલ ગેમ્સમાં રાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો છે, ત્યારે આવનારા દિવસોમાં ખેલાડીઓને કેવી રીતે વધુમાં વધુ સુવિધા આપી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વડોદરા શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનને પાણી મળે રહે તે માટે એકશન પ્લાન્ટ બનાવી ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવશે. તે સાથે પોર્ટેબલ વોટર છે જે આગામી 50 વર્ષ સુધી વડોદરામાં પાણીની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય તે માટે પણ એકશન પ્લાન બનાવવામાં આવશે. તેમજ ડિસ્ટ્રીબ્યુશન માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે.
નાગરીકો પારાવાર મુશ્કેલીમાં છે
વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે શુભેચ્છા મુલાકાત કરીને લેખિત રજૂઆત કરી હતી કે, વિકાસની આંધળી દોડમાં અને કાગળ પરની સ્માર્ટ સિટીની ફક્ત વાતોથી વડોદરા એક વખતનું શ્રેષ્ઠ શહેર તેની અસલી ઓળખ ભૂલી ગઈ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરજ ભૂલી રહ્યા છે. તેમનો સમાજમાં ક્યાંય અવાજ સંભળાતો નથી. વડોદરાવાસીઓની મુખ્ય સમસ્યાઓ ન ઉકેલાતા નાગરિક પારાવાર મુશ્કેલીમાં છે.
વડોદરાની ઓળખ પાછી અપાવો
વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં પ્રાથમિક સુવિધાનો ખૂબ અભાવ છે. શહેરમાં બે ટાઇમ શુદ્ધ પીવાનું પાણી મળે, વરસાદમાં રોડ પરના ખાડામાં પડી જવાથી યુવાન પુરુષનું અને મહિલાનું મૃત્યુ થયું છે. રખડતા ઢોરનો કાયમી ઉકેલ આવ્યો નથી. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન આર્થિક રીતે ખૂબ મુશ્કેલીમાં છે. કર્મચારીઓનો પગાર 2થી 3 મહિને થાય છે. એક વખતનું સુંદર અને શ્રેષ્ઠ શહેર જે આ વિકાસની આંધળી દોડમાં અને કાગળ પરની સ્માર્ટ સિટીની ફક્ત વાતોથીથી એક અવિકસિત ગામડા જેવું બની ગયું છે. જેથી શહેરની ઓળખ પાછી અપાવવા તેમજ નાગરિકોને પ્રાથમિક સુવિધાની મુશ્કેલીમાથી બહાર લાવો તેવી અપેક્ષા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.