કાર કંપનીઓમાં મૂકી કાર માલિકોને ઊંચુ ભાડુ આપવાની લાલચ આપી કાર લીધા બાદ ભાડુ ન ચુકવી તેમજ 150 જેટલી કાર લઈને રફૂચક્કર થઇ જનાર ભેજાબાજ સામે ભોગ બનેલા કાર ચાલકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
નોંધનીય છે કે, ભેજાબાજ કાર ચાલક સામે અગાઉ પાણીગેટ પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઇ છે. ભેજાબાજ સામે ફરિયાદ નોંધાયા બાદ ભોગ બનેલા અન્ય કાર માલિકોએ પણ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉંચા ભાડાની લાલચમાં કાર મૂકી
આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના ડભોઇ રોડ ઉપર 23, રત્નદીપ ગ્રીન સોસાયટીમાં મનિષ અશોક હરસોરા રહે છે. અને તેજ ઘરમાં કાર ભાડે લઈ કંપનીમાં મૂકવા માટેની ઓફિસ ચાલુ કરી હતી. તેણે પોતાની ઓફિસ બહાર કાર ભાડે મૂકો અને ઊંચુ ભાડુ મેળવો. તેવા બોર્ડ લગાવ્યા હતા. ઉપરાંત તેને પોતાની એજન્સીમાં કાર ભાડે મુકનારાઓ દ્વારા માર્કેટીંગ કર્યું હતું. એક પછી એક અનેક લોકો નવી તેમજ 2018થી ઉપરની કાર ભાડે લઇને પોતાની કારો ઉંચા ભાડાની લાલચમાં મૂકી હતી.
ભાડાના મકાનમાં ઓફિસ
મળેલી માહિતી પ્રમાણે થોડા માસ સુધી ભેજાબાજ મનિષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું પણ ચુકવ્યું હતું. પરંતુ, મોટા ભાગના કાર માલિકોને ભાડુ ચૂકવવાનું બંધ કરતા ભેજાબાજનો ભાંડો ફૂટ્યો હતો. જે પૈકી એક કાર માલિકે તાજેતરમાં પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પાણીગેટ પોલીસ મથકમાં મનિષ હરસોરા સામે ફરિયાદ નોંધાતા અન્ય કાર માલિકો ચોંકી ઉઠ્યા હતા. અને મનિષ હરસોરાનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેને આપેલા સરનામા ઉપર મળી આવ્યો ન હતો. અને કાર ભાડે મૂકનારાઓએ તપાસ કરતા મનિષે જે ઘરમાં ઓફિસ ચાલુ કરી હતી. તે મકાન ભાડાનું હતું.
ભોગ બનનાર પોલીસ ભુવન આવ્યા
દરમિયાન ભોગ બનેલા કાર માલિકોએ મનીષ હરસોરાનો ટેલિફોનીક સંપર્ક સાધ્યો હતો. પરંતુ, તેનો ફોન પણ બંધ બતાવતા ભોગ બનેલા કાર માલિકોને પોતે છેતરાયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન આજે ભોગ બનેલા તમામ કાર માલિકો પોલીસ ભુવન આવી પહોંચ્યા હતા. અને મનિષ હરસોરાની ધરપકડ કરી કાર પરત કરાવવા માટે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.
ફોન બંધ કરી દીધો
ભેજાબાજ મનીષ હરસોરાનો ભોગ બનેલા કાર માલિક નયનભાઇ બાલુભાઇ રાવળે (રહે. સોમનાથ સોસાયટી, તરસાલી. હાલ રહે. આમોદ, ભરૂચ) જણાવ્યું હતું કે, મેં 2021માં ઇકો કાર મનીષ હરસોરાને ભાડે મૂકવા માટે આપી હતી. અને માસિક રૂપિયા 28000 ભાડૂ નક્કી કર્યું હતું. શરૂઆતના થોડા માસ મને ભાડૂ ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ, છેલ્લા કેટલાંક માસથી મને ભાડૂ ચૂકવવામાં આવ્યું ન હતું. આથી તેની ઓફિસમાં તપાસ કરતા તે મળી આવ્યો નથી. અને ફોન ઉપર સંપર્ક કરતા ફોન બંધ બતાવે છે. મારા ગૃપના 50 જેટલા લોકોએ વિવિધ કંપનીની કાર ભાડે આપી છે. તેઓને ભાડૂ પણ મળતું નથી. અને કાર પણ મનિષ હરસોરા પરત કરતો નથી.
150 કાર સગેવગે કરી છે
ભોગ બનનાર આર.એમ. રાવલે જણાવ્યું હતું કે, મેં આઇ-20 કાર ભાડે મૂકી હતી. મને એક-બે માસ ભાડૂ આપ્યું હતું. તે બાદ ભાડૂ આપવાનું બંધ કરી દીધું છે. હાલમાં મનિષ હરસોરાનો કોઇ અતોપતો નથી. મારા ગૃપના 7 લોકોએ કાર ભાડે આપી હતી. આજે અમો પોલીસ કમિશનરને મનિષ હરસોરા સામે રજૂઆત કરવા માટે આવ્યા છે. અગાઉ તેના ઉપર પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. અમે પણ ફરિયાદ કરવાના છે. તેને અમારા ધ્યાનમાં આવ્યું છે કે, મનીષ હરસોરાએ 150 જેટલી કાર ભાડે લઇને સગેવગે કરી કરી ફરાર થઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.