વડોદરા શહેરના કુખ્યાત બુટલેગર હરિ સિંધીની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. વોન્ટેડ હરિ સિંધીનો તાજેતરમાં જ વીડિયો વાઇરલ થયો હતો. જેમાં અન્ય એક બુટલેગર હરિ સિંધી અને તેના પુત્ર નિર્વસ્ત્ર કરી માર મારી રહ્યો હતો.
ઇન્દિરા બ્રિજ પાસેથી ધરપકડ
વડોદરા PCBને બાતમી મળી હતી કે, દારૂના કેસમાં ફરાર બુટલેગર હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રિય (સિંધી) અમદાવાદ ઇન્દિરા બ્રિજ પાસે ઉભો છે. જેથી પોલીસે તેને અમદાવાદથી બાતમીવાળા જગ્યાએ ઝડપી લીધો હતો. હરિ સિંધી અગાઉ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. તેમજ અમદાવાદ શહેર અને આણંદ જિલ્લામાં નોંધાયેલા દારૂના ગુનાઓમાં નાસતો ફરતો હતો.
હરિ સિંધી સામે 53 ગુના
વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા હરિ સિંધી સામે એક-બે નહીં પરંતુ, દારૂ, પાસા, તડિપાર, આર્મ્સ એક્ટ, મારામારી સહિતના 53 ગુનોઓ વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો નોંધાયેલા છે.
ત્રણ ગુનામાં હાલ તે વોન્ટેડ હતો
હરિ સિંધી છાણી, પાણીગેટ અને આણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસમાં વોન્ટેડ હતો. આ ત્રણેય ગુનાઓમાં તેની પાસેથી 24 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદથી હરિ સિંધીને ઝડપી લેવામાં આવ્યો ત્યારે તેની પાસેથી બે મોબાઇલ અને રોકડા 830 રૂપિયા મળી આવ્યા હતા.
નિર્વસ્ત્ર કરી માર મારવાનો વીડિયો વાઇરલ થયો હતો
અત્રે ઉલ્લેખનયી છે કે, તાજેતરમાં નામચીન બુટલેગર હરિ સિંધી અને તેના પુત્ર અન્ય એક બુટલેગર દારૂના ધંધોનો હિસાબ માંગી બંનેને નિર્વસ્ત્ર કરી માર મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હરિ સિંધી પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને તેનો આવો વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ હતી અને આખરે તેને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.