દિવ્યાંગો સાથે ઉજવણી:વડોદરાની શ્રવણ સેવાના કાર્યકરોએ 3 પ્રજ્ઞાચક્ષુને મોલમાં લઈ જઈને ખરીદી કરાવી, 1 વર્ષથી ફૂટપાથ પર જીવતા લોકોને ભોજન પહોંચાડે છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરે છે, ત્યારથી દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. આજે પણ દિવાળીની ઉજવણીને લઇને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. દિવાળીની ઉજવણી કેવી રીતે કરીશું, દિવાળીમાં કેવા કપડાં પહેરીશું, દિવાળીમાં કોને મળવા જઇશું અને કોને મળવા બોલાવીશું આ બધી તૈયારીઓ મહિના પહેલા શરૂ થઇ જાય છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે તેમની માટે દિવાળી શું અને હોળી શું ! રસ્તા પર નિરાધાર બનીને ફુટપાથ પર એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોની છેલ્લા એક વર્ષથી મદદ કરી રહ્યું છે શ્રવણ સેવા. ચાલુ વર્ષે શ્રવણ સેવા દ્વારા મહિલા તથા 2 પુરૂષ મળીને ત્રણ પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ઉજાસ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. જે ખરેખર સરાહનીય છે.

શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અકલ્પનીય ઉજવણી અંગે સંસ્થાના ફાઉન્ડર નિરવ ઠક્કર જણાવે છે કે, અમારી સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ફુટપાથ પર જીવન વિતાવતા વૃદ્ધો માટે નિયમીત ભોજન તથા તેમને સ્વચ્છ રાખવા માટે કામ કરવામાં આવે છે. ગત દિવાળીએ અમારી સંસ્થા દ્વારા 30 જેટલા નિ:સહાય વૃદ્ધોના વાળ કાપી, તેમના નવડાવી, તેમના નખ કાપી આપી, નવા વસ્ત્રો પહેરાવ્યા હતા. દિવાળીના દિવસે તેમનો કાયાકલ્પ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે દિવાળી પહેલા અમારા દ્વારા ચક્ષુ દિવ્યાંગ મહિલા તથા પુરૂષ મળી ત્રણનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે.

નિરવ ઠક્કર વધુમાં જણાવે છે કે, દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ અતુલભાઇ ભાસ્કરરાવ ઉપાસનીક, મુસ્તાકભાઇ શેખ તથા મહિલા અર્ચનાબેન જેસલેને શ્રવણ સેવા દ્વારા નિયમીત ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે. દિવાળી પહેલા ત્રણેય દિવ્યાંગ ચક્ષુને જીવનમાં પ્રથમ વખત મોલમાં શોપિંગ કરાવવા માટે શ્રવણ સેવાના વોલિન્ટિયર્સ લઇ ગયા હતા. પુરૂષોને ચપ્પલ, પેન્ટ, શર્ટ, રૂમાલની નવી નક્કોર જોડી તથા મહિલાને સાડીનો આખો સેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. દિવ્યાંગ ચક્ષુઓએ પ્રથમ વખત તેમના અંતકરણથી મોલનો માહોલ નિહાળ્યો હતો. અને તેમની ખરીદી વખતે કયા કલરના કપડા લેવા તેના એકબીજાને સજેશન આપતા જોવા મળ્યા હતા. તેમણે હાથ અને મનની આંખોથી કપડાની પસંદગી કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, મોલના માહોલને અહેસાસ જીવનભર તેમની યાદોમાં રહેશે. ત્રણેય ચક્ષુ દિવ્યાંગોએ શ્રવણ સેવાની ટીમને મનભરીને આશિર્વાદ આપ્યા હતા. દિપાવલી પર્વ પહેલા શ્રવણ સેવા દિવ્યાંગ ચક્ષુઓના જીવનમાં કંઇક અનોખો નવો અને યાદગાર અનુભવ કરાવવામાં સફળ રહી તે વાતનો આનંદ અમને છે. અને આજીવન આ અનુભવ અમારી સાથે રહેશે. અમારા માટે તમામ નિઃસહાય વૃદ્ધો ખાસ છે. આ દિવાળી પર તમામને નવા વસ્ત્રો સાથે મિઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવશે. અમારી હૂંફ મેળવીને નિસહાય વૃદ્ધો અમને મન ભરીને આશિર્વાદ આપે છે. આ જ અમારી જીવનની ખરી મૂડી છે. શ્રવણ સેવા જે નિઃસહાય વૃદ્ધોને ભોજન સેવા પૂરી પાડે છે તમામ સાથે દિલથી દિવાળી ઉજવશે.

શ્રવણ સેવા સંસ્થા દ્વારા રોજ 100થી વધુ નિઃસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે. તેની સાથે અમે નિયમીત રીતે બ્રશ, નાહવાનો સાબુ, શેમ્પુ, હેન્ડ સેનેટાઇઝર જેવી વસ્તુઓ ભેગી કરીને બનાવેલી હાઇજીન કીટ પણ આપીએ છીએ. અમારી સંસ્થા તમામ તહેવારોની ઉજવણી નિસહાય વૃદ્ધો સાથે કરે છે. અમે આજીવન નિસહાય વૃદ્ધોને સેવાના સમર્પિત છીએ.

અન્ય સમાચારો પણ છે...