ગરબા રમવા ઝઝૂમતું વડોદરા ઝૂમ્યું...:ઉત્સાહની પહેલી તસવીર: બે વર્ષ પછી વડોદરાના ચોકમાં ગરબો જામ્યો, 400ની મર્યાદા સાથે રાત્રી બીફોર નવરાત્રી યોજાઈ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે શહેરમાં છેલ્લાં 2 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. જાેકે હવે કોરોનાના કેસો ઘટી જતાં આ વર્ષે 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પરવાનગી અાપવામાં આવી છે. જેને કારણે છેલ્લાં 2 વર્ષથી ગરબા રમવાની કાગડોળે રાહ જોઈ રહેલા વડોદરાના ખેલૈયાઓના પગ અત્યારથી જ થીરકવા લાગ્યા છે. બીજી તરફ નોરતાના ઉત્સાહ અને ગરબે ઘૂમવાના ઉમંગની પહેલી તસવીર રાત્રી બીફોર નવરાત્રી હેઠળ યોજવામાં આવેલા ગરબા દરમિયાન ક્લિક થઈ હતી.

વૈષ્ણવ ઇનરફેથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા શનિવારના રોજ રાત્રે વેવ્સ ક્લબ ખાતે રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી અને શરણમ કુમારની નિશ્રામાં વિપો અલકાપુરી અકોટા દ્વારા ભાયલી ખાતે યોજવામાં આવેલા ગરબામાં અતુલ પુરોહિત દ્વારા રમઝટ જમાવવામાં આવી હતી. જેને પગલે જાણે નોરતાની અસલ જમાવટ થઈ ગઈ હોય તેમ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થયેલા ખેલૈયાઓ ઉત્સાહભેર ઝૂમી ઊઠ્યા હતા.

રવિવારની રજાના દિવસે નવાબજારમાં ચણિયાચોળી સહિતની ખરીદી માટે લોકો ઊમટી પડ્યા હતા.
રવિવારની રજાના દિવસે નવાબજારમાં ચણિયાચોળી સહિતની ખરીદી માટે લોકો ઊમટી પડ્યા હતા.

ચણિયાચોળીનાં બજારો જીવંત બન્યાં, ખરીદી કરવા ભીડ જામી
નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે નોરતાં પહેલાંના છેલ્લા રવિવારે નવાબજાર સહિત ચાર દરવાજા વિસ્તારમાં ચણિયાચોળી અને કેડિયાની ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યાં હતાં. ચણિયાચોળી અને કેડિયાનું વેચાણ કરતા નવાબજારમાં ઠેરઠેર પથારાવાળા તેમજ 50 જેટલી દુકાનો સહિત 100 જેટલા સ્થળ પર ચણિયાચોળી-કેડિયા, ઝભ્ભા તેમજ ઈમિટેશન જ્વેલરીનું વેચાણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...