• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Youth Together With His Mother Started An Edible Spoon, Straw, Fork With A Capital Of Only Rs 4 Lakh, A Turnover Of Rs 5 Crore Per Annum.

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરાના યુવાને માતા સાથે મળીને માત્ર 4 લાખની મૂડીથી ખાઈ શકાય એવાં સ્ટ્રો, ચમચી, ફોર્કનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, વર્ષે 5 કરોડનું ટર્નઓવર

વડોદરા2 મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
પર્યાવરણ બચાવવા માટે કંઈક કરવાના વિચારથી સ્ટાર્ટઅપની શરૂઆત થઈ.
  • અમેરિકાના ઇન્વેસ્ટમેન્ટ શો શાર્ક ટેન્કમાં એન્ટ્રી લઇને 5 લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું

'શહેરના રસ્તાઓ પર પડેલી પ્લાસ્ટિકની ચમચીઓ અને સ્ટ્રો સહિતનો કચરો જોઇને પર્યાવરણ બચાવવા માટે કંઇક કરવાનો વિચાર આવતો હતો. છેવટે ઇટેબલ એટલે કે ખાઇ શકાય એવી ચમચી, સ્ટ્રો અને ફોર્ક સહિતની વસ્તુઓનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં રોકાણના અભાવે 2017માં 4 લાખ રૂપિયાની મૂડીથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જે આજે વાર્ષિક 5 કરોડના ટર્નઓવર સુધી પહોંચ્યું છે. UK અને USA સહિત 32 દેશમાં અમારી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. જોકે દુ:ખની વાત એ છે કે આપણા દેશમાં જ આ પ્રોડક્ટને લઇને અવેરનેસ નથી. જોકે મારે ભારતના ખૂણેખૂણામાં મારી પ્રોડક્ટ પહોંચાડવી છે. આ શબ્દો છે વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિક કૃવિલ પટેલના...

UK અને USA સહિત 32 દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે.
UK અને USA સહિત 32 દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે.

મોટા રોકાણને કારણે શો-રૂમ શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય ક્રૃવિલ રાજેન્દ્ર પટેલે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. કૃવિલને કાર અને બાઇક બનાવવાનો શોખ હતો અને અભ્યાસ પૂર્ણ થયા બાદ કૃવિલને બાઇક કે કારનો શો-રૂમ ખોલવાની ઇચ્છા હતી. જોકે ફાઇનાન્શિયલ પ્રોબ્લમને કારણે તેને શો-રૂમ શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો અને ઓછા ખર્ચ અને વધારે મહેનત થકી કંઇક નવું કરવાનું નક્કી કર્યું હતું. છેવટે તેણે ખાઇ શકાય એવી ચમચી સહિતની વસ્તુઓ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતના ખૂણેખૂણામાં પ્રોડક્ટ પહોંચાડવા પ્રયાસ.
ભારતના ખૂણેખૂણામાં પ્રોડક્ટ પહોંચાડવા પ્રયાસ.

વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા
વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિક કૃવિલ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મારી પાસે પૂરતાં નાણાં નહોતાં, જેથી મારી પોકેટ મની, મિત્રો અને સંબંધીઓની મદદથી મેં 4 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા અને નાનકડી ઓફિસ ભાડે રાખીને નાના મશીનથી ખાઇ શકાય એવી વસ્તુઓનું નાના પાયે પ્રોડક્શન શરૂ કર્યું હતું. મારી આ પ્રોડક્ટ્સ મેં સોશિયલ મીડિયામાં મૂકતાં એનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો અને વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા હતા. જોકે આ ઓર્ડરને અમે પૂરા કરી શકીએ એમ નહોતા. જેથી મેં સરકારની સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમમાંથી 70 લાખ રૂપિયાની લોન લીધી હતી અને મારાં મમ્મી મીનાક્ષીબેન સાથે મળીને 'ત્રિશુલા ઇન્ડિયા' સ્ટાર્ટઅપને આગળ વધાર્યું હતું. હવે અમે 'ઇટ મી' નામથી ગ્લોબલી પ્રમોટ કરી રહ્યા છીએ.

નાનકડી ઓફિસ ભાડે રાખીને નાના મશીનથી ખાઈ શકાય એવી વસ્તુઓનું નાના પાયે પ્રોડક્શન શરૂ કર્યું.
નાનકડી ઓફિસ ભાડે રાખીને નાના મશીનથી ખાઈ શકાય એવી વસ્તુઓનું નાના પાયે પ્રોડક્શન શરૂ કર્યું.

જમ્યા પછી તમે ચમચી ખાઇ શકો છો
તેણે વધુમાં જણાવ્યું હતું કે અમારી ચમચી સહિતની વસ્તુઓ એવી છે, જેને જમ્યા પછી તમે ખાઇ શકો છો. જો તમે કચરામાં ફેંકી દો, તો કીડી, મકોડા સહિતના જીવ તેને ખાઇ જશે અને ફેંકવી ન હોય તો તમે એને ક્રશ કરીને ખાતરના રૂપમાં પણ પરિવર્તિત કરી શકો છો. આમ, મારી આ પ્રોડક્ટ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે. અમારી કંપનીમાં પણ પ્રોડક્ટનો જીરો વેસ્ટ થાય છે. જે વેસ્ટ થાય છે એની અમે ગોળીઓ બનાવીને તળાવમાં માછલીઓના ભોજન માટે નાખીએ છીએ અને તૂટી ગયેલી ચમચીઓ સહિતની વસ્તુઓ અમે પશુપાલકોને ગાયને ખવડાવવા માટે નિઃશુલ્ક આપી દઇએ છીએ. અમારી પ્રોડક્ટ બાજરી, ઘઉં, ચોખા, જુવાર અને મકાઇના લોટમાંથી બને છે. આગામી દિવસોમાં ખાઇ શકાય તેવી થાળી, વાટકી અને ગ્લાસ બનાવવા પર હાલ અમારી કંપની કામ કરી રહી છે.

મમ્મી મીનાક્ષીબેન સાથે મળીને 'ત્રિશુલા ઇન્ડિયા' સ્ટાર્ટઅપને આગળ વધાર્યું.
મમ્મી મીનાક્ષીબેન સાથે મળીને 'ત્રિશુલા ઇન્ડિયા' સ્ટાર્ટઅપને આગળ વધાર્યું.

70 લોકોને રોજગારી આપે છે
તેણે આગળ ઉમેર્યું હતું કે અમારી આ પ્રોડક્ટથી પર્યાવરણ અને પાણીનો બચાવ થાય છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ પ્રોડક્ટ ખૂબ ઉપયોગી છે. અમે અમારી પ્રોડક્ટના લેબ ટેસ્ટ કરાવ્યા છે અને પેટન્ટ પણ મેળવી છે. શરૂઆતમાં મારા માટે આ બિઝનેસ નવો હોવાથી 7 દિવસની તાલીમ પણ લીધી હતી. હાલ વડોદરા નજીક લામડાપુરા ખાતે અમારો પ્લાન્ટ કાર્યરત છે અને અમે 70 લોકોને રોજગારી આપીએ છીએ. આવનારા દિવસોમાં બીજો પ્લાન્ટ પણ ઊભો કરવાની દિશામાં પ્રયાસરત છીએ.

સરકારની સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમમાંથી 70 લાખ રૂપિયાની લોન લીધી.
સરકારની સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમમાંથી 70 લાખ રૂપિયાની લોન લીધી.

પરિવાર અને મિત્રોએ મદદ કરી
તેણે ઉમેર્યું હતું કે મારા પિતા કેમિકલ બિઝનેસ સાથે સંકળાયેલા છે, જેથી શરૂઆતમાં તેમણે મારા સ્ટાર્ટઅપને લઇને તૈયારી બતાવી નહોતી, પરંતુ મારી સફળતા જોઇને તેમને હવે મારા પર ગર્વ થાય છે અને મને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ઉપેન્દ્રભાઇ મિસ્ત્રી અને શીતલભાઇ અમીને પણ પોડક્ટની ડિઝાઇન સહિતની બાબતોને લઇને ખૂબ સપોર્ટ કર્યો છે.

ચમચી, સ્ટ્રો અને ફોર્ક સહિતની વસ્તુઓનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
ચમચી, સ્ટ્રો અને ફોર્ક સહિતની વસ્તુઓનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.

32 દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે
તેણે વધુમાં જણાવ્યું હતું કે અમારી પ્રોડક્ટ હાલ UK, USA, જર્મની, સ્પેન, નોર્વે, દુબઇ, કેનેડા, કુવૈત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત 32 દેશમાં એક્સપોર્ટ થાય છે. જોકે ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને લઇને ત્યાં એક્સપોર્ટ કરતા નથી. પાકિસ્તાનથી ઘણા ઓર્ડર આવે છે, પણ અમે તેમને અમારી પ્રોડક્ટ વેચતા નથી. જ્યાં સુધી બંને દેશના સંબંધ ન સુધરે ત્યાં સુધી અમે તેમને માલ સપ્લાય નહીં કરીએ.

કંપનીમાં પણ પ્રોડક્ટનો જીરો વેસ્ટ થાય છે.
કંપનીમાં પણ પ્રોડક્ટનો જીરો વેસ્ટ થાય છે.

5 લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવ્યું
તેણે જણાવ્યું હતું કે અમારા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટના સ્ટાર્ટઅપ ત્રિશુલા ઇન્ડિયાએ અમેરિકાના વિશ્વવિખ્યાત સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ શો શાર્ક ટેન્કમાં એન્ટ્રી લઇને 5 લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવ્યું છે. શાર્ક ટેન્ક શોમાં એન્ટ્રી લેવી અધરું કામ હતું, કારણ કે તેમના ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ ખૂબ જ અઘરા છે અને એમાં જઇને ઇન્વેસ્ટમેન્ટ લાવવું એ ખૂબ મુશ્કેલ કામ છે. અમારી કંપનીએ શાર્ક ટેન્કના 13માં સીઝનમાં એન્ટ્રી લીધી હતી અને ત્રીજા શોમાં અમે અમારું પ્રેઝન્ટેશન આપીને સિલેક્ટ થયા હતા. સિલેક્શન બાદ અમારી કંપનીમાં 5 લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ આવશે, જેને કંપનીના વિસ્તરણમાં ઉપયોગમાં લેવામાં આવશે.

પ્રોડક્ટ હાલ UK, USA, જર્મની, સ્પેન, નોર્વે, દુબઇ, કેનેડા, કુવૈત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત 32 દેશમાં એક્સપોર્ટ થાય છે.
પ્રોડક્ટ હાલ UK, USA, જર્મની, સ્પેન, નોર્વે, દુબઇ, કેનેડા, કુવૈત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત 32 દેશમાં એક્સપોર્ટ થાય છે.

અમેરિકામાં ઇન્ક્રેડિબલ ઇટ્સ નામની કંપની સ્થાપી
તેણે ઉમેર્યું હતું કે મેં અને મારા પાર્ટનર દિનેશ તડીપલ્લીએ સાથે મળીને અમેરિકામાં ઇન્ક્રેડિબલ ઇટ્સ નામની કંપની સ્થાપી છે, જેના માધ્યમથી અમે અમેરિકા સહિતના દેશોમાં એડિબલ સ્પૂન સહિતની પ્રોડક્ટસ વેચી રહ્યા છે. મારા નામે 20 જેટલી પેટન્ટ અમેરિકામાં રજિસ્ટર્ડ છે.

ચમચીઓ સહિતની વસ્તુઓ પશુપાલકોને ગાયને ખવડાવવા માટે નિઃશુલ્ક આપવામાં આવે છે.
ચમચીઓ સહિતની વસ્તુઓ પશુપાલકોને ગાયને ખવડાવવા માટે નિઃશુલ્ક આપવામાં આવે છે.

યુવા ઉદ્યોગ સાહસિક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા
વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિક કૃવિલ પટેલે અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરીને મેળવેલી સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. આવનારા દિવસોમાં કૃવિલ ભારતમાં પણ પોતાની પ્રોડક્ટને આગળ જઇ જવા માટે કટિબદ્ધ છે.