છેતરપિંડી:સિંગાપોરમાં રૂ.1.30 લાખના પગારની નોકરીની લાલચમાં વડોદરાના યુવાને 2.20 લાખ રૂપિયા ગુમાવ્યા, ત્રિપુટી સામે પોલીસ ફરિયાદ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતા અને પત્નીના દાગીના ફાઈનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને યુવકે રકમ એકત્ર કરી હતી
  • ત્રિપુટીએ નાણાં પડાવ્યા બાદ યુવકને ડુપ્લિકેટ વિઝા આપ્યા, અન્ય એક વ્યક્તિને પણ શિકાર બનાવ્યો

વડોદરાના યુવકને સિંગાપોરમાં 1.30 લાખ પગારની લાલચ આપીને ખર્ચ પેટે 2.20 લાખ પડાવી લઇને ત્રિપુટીએ ડુપ્લિકેટ વિઝા પધરાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે મકરપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. અત્રે નોંધનીય છે કે, યુવકે માતા અને પત્નીના દાગીના ગીરવે મૂકીને વિદેશ જવા રકમ એકત્ર કરી હતી.

સિંગાપુરમાં 1.30 લાખ પગારની નોકરીની લાલચ આપી
વડોદરા શહેરના મકરપુરા ગામમાં રહેતા સુરસિંગ મંજુસર જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વિદેશમાં નોકરી અર્થે જવાની ઇચ્છા ધરાવતા હોવાથી આશિષ બારોટ(રહે, સંસ્કાર દર્શન સોસાયટી, જાંબુઆ બાયપાસ, વડોદરા)નો સંપર્ક સાધ્યો હતો. જ્યાં આશિષ બારોટે જણાવ્યું હતું કે, સિંગાપુરમાં 1.30 લાખનું વેતન મળશે અને જવાનો ખર્ચ 2.50 લાખ થશે. રકમ વધુ હોવાથી તેમણે ઇનકાર કર્યો હતો.

ત્રિપુટીએ નાણાં પડાવ્યા બાદ યુવકને ડુપ્લિકેટ વિઝા આપ્યા
ત્યારબાદ આશિષ બારોટ અને હાર્દિક ત્રિવેદી(રહે, શ્રી કુંજ રેસીડેન્સી, આલમગીર, વડોદરા) ખર્ચની રકમ બે મહિનામાં વસુલ થઇ જવાની લાલચ આપતા પત્નીના તથા માતાના ઘરેણા મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મૂકીને ટુકડે-ટુકડે 2.20 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ મોબાઈલ ફોનમાં મોકલેલા સિંગાપુર માટેના વિઝાની ઓનલાઇન ચકાસણી દરમિયાન વિઝા ડુપ્લિકેટ હોવાનું બહાર પર આવ્યું હતું.

અન્ય એક વ્યક્તિને પણ શિકાર બનાવ્યો
આ દરમિયાન બિઝનેસ પાર્ટનર તરીકેની ઓળખ આપનાર હર્ષ રાવલ(રહે, ક્રિશ સોસાયટી, સુંદરપુરા રોડ, વડોદરા) એ વિઝા ઓરીજનલ હોવાની ખાતરી આપી હતી. ત્યારબાદ રૂપિયા પરત ના આપીને ખોટા વાયદા કર્યાં હતા. આ ઉપરાંત અન્ય એખ વ્યક્તિ સાથે પણ આ ત્રિપુટીએ સિંગાપુર મોકલવાના બહાને 60 હજાર પડાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોતે છેતરાયાની જાણ થતા ફરિયાદીએ મકરપુરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...