નિરાધારોની દિવાળીમાં અજવાળુ પાથર્યુ:વડોદરાના યુવાને 30 નિઃસહાય વૃદ્ધોના દાઢી-વાળ કપાવી આપ્યા, નવા કપડા, હાઇજીન કીટ અને મિઠાઇનું વિતરણ કર્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રવણ સેવાના નિરવ ઠક્કરે નિઃસહાય વૃદ્ધોનું નવું વર્ષ સુધારવાના પ્રયત્નો કર્યાં - Divya Bhaskar
શ્રવણ સેવાના નિરવ ઠક્કરે નિઃસહાય વૃદ્ધોનું નવું વર્ષ સુધારવાના પ્રયત્નો કર્યાં
  • નિઃસહાય વૃદ્ધોને છેલ્લા 3 મહિનાથી નિઃશુલ્ક નિયમીત જમવાનું પુરૂ પાડવામાં આવે છે

વડોદરામાં પારિવારીક કારણોસર અથવા તો સંજોગોના માર્યા અનેક વૃદ્ધો નિઃસહાય બનીને ફુટપાથ પર તેમનું જીવન વિતાવી રહ્યા છે. નવા વર્ષ ટાણે તેમની સામે કોઇ જોવા તૈયાર નથી. વડોદરામાં માત્ર નિઃસહાય વૃદ્ધોના જીવનના ઉત્થાન માટે કાર્ય કરતી શ્રવણ સેવાના નિરવ ઠક્કરે નિઃસહાય વૃદ્ધોનું નવું વર્ષ સુધારવાના પ્રયત્નો કર્યાં હતા. જેમાં પુરૂષ–મહિલા વૃદ્ધ મળીને તમામને એક જોડી કપડા, તેમના વાળ-દાઢી કપાવવા, હાઇજીન કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. જેને લઇને સંસ્કારીનગરી વડોદરાનું બિરૂદ વધુ એક વખત યુવકે ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

10 દિવસ પહેલાથી જ કામગીરી ચાલુ કરી દીધી
શ્રવણ સેવાના નિરવ ઠક્કરે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા નિઃસહાય વૃદ્ધોને છેલ્લા 3 મહિનાથી નિઃશુલ્ક નિયમીત જમવાનું પુરૂ પાડવામાં આવે છે. અમારા જમવાની ખાસિયત એવી છે કે, જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું નિઃસહાય વૃદ્ધોને પુરૂ પાડવામાં આવે છે. નવા વર્ષ નિમિત્તે અમારી ટીમ દ્વારા નિઃસહાય વૃદ્ધો માટે કંઇક અનોખુ કરવાની નેમ લેવામાં આવી હતી. અમારી ટીમે નિઃસહાય વૃદ્ધો માટે નાનકડો મેકઓવર, નવા નક્કોર કપડાની એક જોડી, હાઇજીન કીટ, મિષ્ઠાનનું બોક્સ આપવાનો નિર્ણય લીધો હતો. અમારી ટીમે 10 દિવસ પહેલાથી જ કામગીરી ચાલુ કરી દીધી હતી. અને ગતરોજ આયોજન બદ્ધ રીતે નિઃસહાય વૃદ્ધો સુધી પહોંચાડવાનું શરૂ કરી દીધું હતુ.

વૃદ્ધોને નવા કપડા, હાઇજીન કીટ અને મિઠાઇનું વિતરણ કર્યું
વૃદ્ધોને નવા કપડા, હાઇજીન કીટ અને મિઠાઇનું વિતરણ કર્યું

રસ્તાની બાજુમાં જ દાઢી કરાવી વાળ કપાવ્યા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમે રસ્તાની બાજુમાં પડતર જગ્યા પર ખુરશી નાખીને વૃદ્ધોના વાળ કપાવી આપ્યા હતા. અને તેમના દાઢી કરાવી આપી હતી. જેને લઇને તેઓમાં ખુશી જોવા મળી હતી. અને સહર્ષ તેઓએ અમારી સેવાનો લાભ લીધો હતો. કેટલાક વૃદ્ધોઓ તો મહિનાથી દાઢી અને વાળ કપાવ્યા ન હતા. આ વર્ષે 30 જેટલા વૃદ્ધો નવા જોડી કપડાં અને ચપ્પલ પહેરી તથા અમારા દ્વારા આપવામાં આવેલા મીઠાઇ અને ફરસાણ આરોગીને નવા વર્ષને વધાવશે.

હાઇજીન કીટનો સામાન વૃદ્ધોને સાફ અને સ્વચ્છ રહેવામાં મદદ કરશે
તેઓએ ઉમેર્યું હતું કે, શ્રવણ સેવાની ટીમ દ્વારા વૃદ્ધો માટે ખાસ હાઇજીન કીટ બનાવવામાં આવી છે. જેમાં બ્રશ, ટુથપેસ્ટ, ઉલ્યુ, શેમ્પુ, નાહવાનો સાબુ, બોડી લોશન, પાવડર, સેનીટાઇઝર, સહિતનો જરૂરી સામાન આપવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને વદ્ધો પોતાનો સાફ અને સ્વચ્છ રાખશે. અત્યાર સુધી નિસહાય વૃદ્ધો પાસે આ પ્રકારની કોઇ ચીજવસ્તુઓ ઉપલબ્ધ ન હતી. તેમના રોજીંદા સ્વાસ્થ્યની કાળજી રાખવા હેતુથી અમે જરૂરી ચીજવસ્તુઓ આપી હતી. આગામી સમયમાં પણ નિયમીત રીતે આ બધું તેમને પહોંચાડવામાં આવશે.

રોજીંદા સ્વાસ્થ્યની કાળજી રાખવા હેતુથી જરૂરી ચીજવસ્તુઓ આપી હતી
રોજીંદા સ્વાસ્થ્યની કાળજી રાખવા હેતુથી જરૂરી ચીજવસ્તુઓ આપી હતી

નવા વર્ષે વૃદ્ધો પાસે નવા નક્કોર કપડાં, એક જોડી ચપ્પલ હશે
નિરવ ઠક્કરે ઉમેર્યું કે, આપણે પોતાની જાત માટે નવા વર્ષે નવા કપડાં, ચપ્પલ વગેરેની ખરીદી કરતા હોઇએ છીએ. પરંતુ નિસહાયને તો જે આપણે ના ઉપયોગમાં લઇએ તેવી વસ્તુઓ જ આપીએ છીએ. અમારી ટીમ દ્વારા દિવાળી અગાઉ વૃદ્ધોનું માપ લઇને તેમની સાઇઝના કપડા લીધા છે. તથા તેમના પગનું માપ લઇને તેમની માટે નવા ચપ્પલની ખરીદી કરી છે. જે આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે અનેક વૃદ્ધો પાસે પોતાના નવા નક્કોર કપડાં અને એક જોડી ચપ્પલ હશે. જેનો અમારી સમગ્ર ટીમને ખુબ જ આનંદ છે.

અન્ય સમાચારો પણ છે...