તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનના રેશનિંગ પર બ્રેક:વડોદરા હવે મુક્ત રીતે ‘શ્વાસ’ લઈ શકશે; MLA, સાંસદ અને મંત્રીની ગાંધીનગર-દિલ્હી સુધી રજૂઆત બાદ OSD ડૉ.વિનોદ રાવે પરિપત્ર પાછો ખેંચ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમરસ હોસ્પિટલમાં 20થી વધુ એમ્બ્યુલન્સની લાઇન લાગી - Divya Bhaskar
સમરસ હોસ્પિટલમાં 20થી વધુ એમ્બ્યુલન્સની લાઇન લાગી
  • હોમઆઈસોલેશનના 4000 દર્દીઓ અને 164 હોસ્પિટલના 600 દર્દીઓ પરનું જોખમ ટળ્યું

કોરોનાની મહામારીમાં વડોદરા શહેરની તમામ હોસ્પિટલોને ઓક્સિજન પૂરો નહીં પાડીને એના માટે મર્યાદા નક્કી કરતા ભારે વિવાદ સર્જાયો હતો અને આખો મામલો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચતા આખરે સોમવારે સાંજે કલેકટર કચેરીમાં ધારાસભ્યો, સાંસદ સાથે ઓએસડીની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં ઓક્સિજનના રેશનિંગ કરવાના જાહેરનામા પર 24 કલાકમાં જ બ્રેક મારવાનો નિર્ણય લેવાયો હતો. હવે વડોદરાની 164 હોસ્પિટલોને જૂની પદ્ધતિ પ્રમાણે જ ઓક્સિજન પુરવઠો મળતાં 600 જેટલા દર્દીઓને રાહત રહેશે. આ ઉપરાંત હોમ આઇસોલેશનવાળા 4000 દર્દીઓને પણ ઓક્સિજન આસાનીથી મળી શકશે.

વિનોદ રાવે હોસ્પિટલોને કેટેગરીમા વહેંચી હતી
કોરોનાના બીજા વેવમાં ઓક્સિજનની માગમાં ઉછાળો આવ્યો છે અને આ સ્થિતિમાં ઓએસડી ડો.વિનોદ રાવે રવિવારે રાતે જાહેરનામું જારી કરીને હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને અમુક હોસ્પિટલોને જથ્થો આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેની સામે સાવલીના કેતન ઇનામદારે તમામને ઓક્સિજન પૂરો પાડવા અને વડોદરા શહેરનાં મહિલા ધારાસભ્ય મનીષા વકીલે ઓક્સિજનના જથ્થામાં 20 મે. ટનનો વધારો કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

ઓક્સિજનની અછત નિવારવા તમામના પ્રયાસ
હોસ્પિટલમાં ઓક્સિજન માટે કટોકટી ઊભી થાય તેવા અણસાર મળતાં સાંસદ રંજનબેન ભટ્ટે તમામ ધારાસભ્યોને સાથે રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખ માંડવિયાનો ટેલિફોનિક સંપર્ક કરીને જથ્થો વધારી આપવાની માગ કરતાં તેમણે વડોદરાને કંઈક મળશે તેવી ખાતરી આપી હતી. ઓક્સિજન ની અછત નિવારવા માટે નાની હોસ્પિટલોમાં પુરવઠો નહીં આપવાના નિર્ણય ને લઈને ભડકો થયો હતો અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવાયા ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાંસદે તમામને એક જૂટ કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કવાનો તખ્તો ગોઠવ્યો હતો. ત્યારે મંત્રી યોગેશ પટેલ બપોરે સુઈ ગયા હોવાથી સાંજે ચાર વાગે જાગ્યા હતા અને રંજનબેનનો મિસ કોલ હોવાથી સામે કોલ કરી શું હતું તેમ પૂછ્યું હતું.

બે દિવસ પહેલા બેઠક યોજાઈ હતી
બે દિવસ પૂર્વે વડોદરા માટે મંત્રી યોગેશ પટેલે નેતાગીરી લીધી હતી પરંતુ મુખ્યમંત્રીએ ટેલિફોન પર કાપ વગર ઓક્સિજન મળશે તેવી ખાતરી આપતા ગાંધીનગર ખાતે સીએમ ને મળવાની મુલાકાત બંધ રહી હતી. સોમવારે સાંજે કલેકટર કચેરીમાં બેઠક છે તેવી જાણ થતા યોગેશ પટેલ ભાજપ પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટને લઈને બેઠકમાં પહોંચ્યા હતા.

શું હતો પરિપત્ર: હોમ આઇસોલેશનવાળા દર્દીઓને ઓક્સિજન નહીં અપાય
કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે રવિવારે પરિપત્ર જારી કર્યો હતો કે હોમઆઇસોલેશનવાળા દર્દીઓને ઓક્સિજન નહીં અપાય, 164 હોસ્પિટલ ઓક્સિજન બેડ પર નવા દર્દી દાખલ નહીં કરી શકે.

હવે શું?: જૂની પદ્ધતિ પ્રમાણે ઓક્સિજન મળશે, વધુ જથ્થો આપવાની ખાતરી
હાલ પૂરતો પરિપત્રનો અમલ સ્થગિત કરાયો છે. અગાઉ ની જેમ હવે શહેરની સી કેટેગરીની હોસ્પિટલોને ઓક્સજિન પુરવઠો મળતો રહેશે. વધુ જથ્થો આપવા માટે દિલ્હીથી ખાતરી અપાઈ છે.

  • વડોદરાને ઓક્સિજનનો પૂરતો અને વધુ જથ્થો મળે તે માટે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને મનસુખભાઇ જોડે ચર્ચા કરતાં વધુ પુરવઠો મળશે તેવી ખાતરી આપી છે. - રંજનબેન ભટ્ટ, સાંસદ
  • OSDના પરીપત્ર સામે મારો વિરોધ હતો. ઓક્સીજનના પુરવઠા પર રોક ન લગાવી શકાય. જિલ્લાનો ઓક્સિજન નહી બંધ કરાયે તેવી બાંહેધરી CMએ આપી છે. - કેતન ઈનામદાર, સાવલી,ધારાસભ્ય
  • OSDના નિર્ણયથી મુશ્કેલી પડી હોત, જેથી કલેક્ટરની સાથે બેઠકમાં રજુઆત કરી પરીપત્ર રદ કરાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉનથી કોરોનાની ચેઈન તુટશે. - શૈલેષ સોટ્ટા, ડભોઈ,ધારાસભ્ય
  • આ પરીપત્ર થી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતા રહી ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સીજનનો પુરવઠો બંધ કરી દેવાત તો દર્દીઓની હાલત કફોડી થઈ જાત. - અક્ષય પટેલ, કરજણ,ધારાસભ્ય
  • જો તાલુકાની જ હોસ્પિટલોમાં ઓક્સીજનનો જથ્થો બંધ કરી દેવાય તો આ દર્દીઓ ક્યાં જશે? તાલુકામાં પણ ઓક્સીજનનો જથ્થો ચાલુ રાખવો જરૂરી છે. - જશપાલસિંહ પઢીયાર, પાદરા,ધારાસભ્ય
અન્ય સમાચારો પણ છે...