પ્રતિ વર્ષે યોજાતી વડોદરા વકીલ મંડળની 16 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા ખાણી-પીણીની પાર્ટીઓ સાથે જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પણ વિધાનસભા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક ઉમેદવારો ભાજપ તો કેટલાક ઉમેદવારો કોંગ્રેસના સક્રિય કાર્યકરો ચૂંટણી લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણીના પગલે કોર્ટ સંકુલ વિસ્તાર ઉમેદવારોના હોર્ડિગ્સથી ઢંકાઈ ગયો છે.
કોર્ટ પ્રવેશ દ્વાર પણ ઢંકાયો
વડોદરા વકીલ મંડળમાં 3200 જેટલા વકીલ મતદારો છે. વડોદરા વકીલ મંડળની યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ, ઉપ-પ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરીયન તેમજ 10 કમિટી સભ્યો માટે 35 જેટલા વકીલ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તમામ ઉમેદવારોએ હોદ્દો મેળવવા માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. મોટા ગજાના વકીલ ઉમેદવારો દ્વારા કોર્ટ સંકુલની બહાર વિશાળ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટની બહારના મુખ્ય રોડની બંને બાજુ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. કેટલાક ઉમેદવારો દ્વારા કોર્ટના પ્રવેશ ઉપર હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. તો કેટલાક મોટા ગજાના વકીલ ઉમેદવારો દ્વારા સમગ્ર શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સો લગાવી દેવામાં આવ્યા છે.
કોર્ટ સંકુલમાં વન ટુ વન પ્રચાર
ચૂંટણીની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી કોર્ટમાં અસીલોની કામગીરી કરતા ઉમેદવારો દ્વારા હોદ્દો મેળવવા માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. કેટલાંક ઉમેદવારો દ્વારા પોતાના અસીલો માટેના કેસની 16 ડિસેમ્બરે ચૂંટણી પૂરી થયા બાદની મુદતો લઇ ચૂંટણી પછી આવવા જણાવી દેવામાં આવ્યું છે. વકીલ ઉમેદવારો દ્વારા વકીલોને રૂબરું મળી છપાવેલા કાર્ડ આપી પ્રચાર કરી રહ્યા છે.
હોદ્દો મેળવવા ખરાખરીનો જંગ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખના હોદ્દા માટે વર્તમાન પ્રમુખ નલિન પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ, ઉપ-પ્રમુખના એક હોદ્દા માટે રાહુલ ભટ્ટ, નિલકરાવ ભાસ્કર, રાજેશ ધોબી, જનરલ સેક્રેટરીના એક હોદ્દા માટે હર્ષદ પરમાર, રીતેષ ઠક્કર અને બિરેન શાહ, જોઇન્ટ સેક્રેટરીના હોદ્દા માટે નેહલ સુતરીયા અને મયંક પંડ્યા, ટ્રેઝરરના હોદ્દા માટે નિમીષા ધોત્રે અને અનીલ પૃથ્વી, લાઇબ્રેરીયનના હોદ્દા માટે દક્ષય ભટ્ટ, જેમ્સ મેકવાન અને પરવેઝ વોરા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે 10 કમિટી સભ્યોના હોદ્દા માટે 20 થી વધુ વકીલ ઉમેદવારો સહિત આ ચૂંટણી જંગમાં 35 જેટલા વકીલ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
પક્ષોના હોદ્દેદારો દ્વારા પ્રચાર
વકીલ મંડળના 3200 જેટલા વકીલ મતદારોને આકર્ષવા માટે કેટલાક મોટા ગજાના ઉમેદવારો દ્વારા ખાણી-પીણીની પાર્ટીઓ, ક્રિકેટ મેચ જેવા વિવિધ પ્રકારના આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે. તો કેટલાક વકીલો દ્વારા વકીલ મતદારોને રૂબરું મળીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વકીલ મંડળની ચૂંટણીમાં પણ ભાજપ-કોંગ્રેસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક ઉમેદવારો ભાજપા સમર્પીત છે તો કેટલાક ઉમેદવારો કોંગ્રેસ સમર્પીત છે. આ ચૂંટણીમાં વકીલ મંડળની બહારના ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પોતાના વકીલ મિત્રોને માનીતા વકીલ ઉમેદવારોને મત આપવા માટે પ્રચાર કરી રહ્યા છે.
વાયદા અને વચનો
મળેલી માહિતી પ્રમાણે પ્રતિવર્ષે યોજાતી વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રતિષ્ઠા માટે અને હોદ્દો મેળવવા માટે વકીલ ઉમેદવારો દ્વારા લાખ્ખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. વકીલ ઉમેદવારો દ્વારા હોદ્દો મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ ઉમેદવારો દ્વારા વાયદાઓ અને વચનો આપવામાં આવી રહ્યા છે. ઉમેદવારો પોતાના અંગત સમર્થક વકીલોને જીત્યા બાદ સારી જગ્યાએ હરવા-ફરવા લઇ જવા માટેના પણ વચનો આપવામાં આવી રહ્યા છે. આમ વડોદરા વકીલ મંડળની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ, કોર્ટ સંકુલમાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.